તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
૨૦૨૭ની પંજાબ વિધાનસભા ચૂંટણી પૂર્વે પ્રદેશ કોંગ્રેસમાં આંતરિક જુથબંધીનો મોટો ઉકળાટ: વાદળો હટવાની આશા વચ્ચે મોટો રાજકીય ધમાસાણ સર્જાવાની શક્યતા
પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને પ્રદેશ અધ્યક્ષ રાજા વડિંગ વચ્ચેની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી; મોવડીમંડળ દ્વારા સચિન પાયલટને જવાબદારી સોંપાયા બાદ પણ સંગઠનમાં વિરોધના સૂર શાંત પડવાનું નામ નથી લઈ રહ્યા

ચંદીગઢ: વર્ષ ૨૦૨૭ની પંજાબ વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજ્ય કોંગ્રેસ સંગઠનમાં ભીતરનો ઉકળાટ અને આંતરિક ખેંચતાણ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. હાઇકમાન્ડ દ્વારા પંજાબ એકમમાં આંતરિક શાંતિ સ્થાપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં, ચૂંટણીના વાતાવરણ વચ્ચે પક્ષમાં મોટા રાજકીય વાવાઝોડાના એંધાણ વર્તાઈ રહ્યા છે. તાજેતરમાં ચંદીગઢ ખાતે મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી અને જાલંધરના સાંસદ ચરણજીત સિંહ ચન્ની સહિતના કેટલાક વરિષ્ઠ નેતાઓની ગેરહાજરીએ પક્ષની અંદર વ્યાપેલી આંતરિક ફૂટ-ફાટને ફરી એકવાર સપાટી પર લાવી દીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત જુલાઈ મહિનામાં પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PPCC)ના માળખામાં કરવામાં આવેલા ફેરબદલ બાદથી જ રાજ્ય એકમમાં આંતરિક કલહ ચરમસીમાએ પહોંચ્યો હતો. પ્રદેશ પ્રમુખ તરીકે અમરિંદર સિંહ રાજા વડિંગને યથાવત રાખવામાં આવ્યા હતા, જ્યારે રાજ્યના અગ્રણી દલિત ચહેરા અને પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને ૨૦૨૭ની ચૂંટણી માટે પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવાયા હતા. આ ફેરબદલથી ચન્ની ઉપરાંત સુખજિંદર સિંહ રંધાવા, રાણા ગુરજીત અને ત્રીપ્ત રાજેન્દ્ર સિંહ બાજવા જેવા વરિષ્ઠ નેતાઓ નારાજ થયા હતા. તેમના સમર્થકો દ્વારા રાજા વડિંગને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવાની સતત માંગણી કરાતા જૂથબંધીની તિરાડો વધુ પહોળી બની હતી.
આ આંતરિક અસંતોષને ડામવા માટે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના સ્થાને રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટને પંજાબના નવા પ્રભારી બનાવ્યા હતા. સચિન પાયલટે પદભાળ સંભાળતાની સાથે જ દાવો કર્યો હતો કે પંજાબના તમામ નેતાઓએ એકજૂથ થઈને કામ કરવાની ખાતરી આપી છે. બાદમાં ૯ સપ્ટેમ્બરે રાજ્ય સરકાર સામેના વિરોધ પ્રદર્શનમાં પાયલટની આગેવાની હેઠળ વરિષ્ઠ નેતાઓએ એકજૂથતા દર્શાવી હતી.
જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર આ શાંતિ માત્ર તૂફાન પહેલાની શાંતિ સાબિત થઈ શકે છે. તાજેતરમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ્થાને રાહુલ ગાંધી અને સચિન પાયલટ વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં પાયલટે પંજાબ એકમની સ્થિતિ અંગેનો વિગતવાર ફીડબેક રિપોર્ટ સોંપ્યો છે. આ બેઠક બાદ આગામી સપ્તાહ સુધીમાં પંજાબ કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વ અંગેના પ્રશ્નો ઉકેલાય તેવી શક્યતા છે, જેના પછી રાહુલ ગાંધીની આગેવાની હેઠળ એક મોટી ‘બસ યાત્રા’ દ્વારા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવશે. આમ છતાં, વરિષ્ઠ નેતાઓની ગેરહાજરી અને અસંતોષના કારણે ૨૦૨૭ પહેલા કોંગ્રેસ માટે પંજાબનું રાજકીય મેદાન સરળ દેખાતું નથી.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
