હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહીઃ શોપિયામાં આતંકવાદી ફંડિંગ મોડયુલનો ખુલાસો
લશ્કર-એ-તૈયબા અને TRF માટે નાણાં એકત્ર કરતા ૧૦ આરોપીઓની ધરપકડ

શ્રીનગર, તા.૩૦: જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાંથી સુરક્ષાદળો અને પોલીસ પ્રશાસનને એક અત્યંત મોટી અને ચોંકાવનારી સફળતા હાથ લાગી છે. પોલીસે લાંબી તપાસ અને ગુપ્ત માહિતીના આધારે આતંકવાદી પ્રવળત્તિઓને પોષતા એક મોટા નાણાકીય નેટવર્ક (ટેરર ફંડિંગ મોડ્યુલ) પર સિકંજો કસીને તેનો સંપૂર્ણ પર્દાફાશ કરી દીધો છે. આ મામલે કડક કાર્યવાહી કરીને આતંકવાદીઓને આર્થિક મદદ પૂરી પાડતા ૧૦ જેટલા શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેનાથી ઘાટીમાં સક્રિય આતંકવાદી આકાઓમાં ભારે હડકંપ મચી ગયો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપીઓ ખૂબ જ ચાલાકીપૂર્વક વિવિધ ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ્સ અને ડિજિટલ ચેનલો દ્વારા શંકાસ્પદ નાણાકીય વ્યવહારો કરી રહ્યા હતા. સામાન્ય લોકો પાસેથી ગુપ્ત રીતે ભંડોળ એકત્ર કરીને આ નાણાં ખતરનાક આતંકવાદી સંગઠનો જેવા કે લશ્કર-એ-તૈયબા અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ સુધી પહોંચાડવામાં આવતા હતા. એટલું જ નહીં, આ નેટવર્કની તપાસ દરમિયાન અદાલતો કે જેલોમાં બંધ કુખ્યાત આતંકવાદીઓ અને તેમના ગુપ્ત સહયોગીઓ વચ્ચેના મજબૂત સંબંધો અને મોટા ષડયંત્રનો પણ ઘટસ્ફોટ થયો છે.
આ ભંડોળનો મુખ્ય ઉપયોગ ઘાટીમાં આતંકવાદી ગતિવિધિઓને વેગ આપવા તેમજ હથિયારો કે લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડવા માટે થતો હતો, જેમાં સ્માર્ટફોન અને અન્ય સાધનોની ખરીદીનો પણ સમાવેશ થાય છે. શોપિયા પોલીસ સ્ટેશન ખાતે સંબંધિત ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે અને આંતરિક નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આ મોડ્યુલ સાથે સંકળાયેલા અન્ય મોટા ચહેરાઓ પણ કાનૂની પંજામાં આવી શકે છે, જેથી વધુ ધરપકડ થવાની પૂરેપૂરી સંભાવના છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
