<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

મેટામાં ‘વર્ક ફ્રોમ હોમ'ના બહાને મોટું ઓપરેશનઃ ૮૦૦૦ કર્મચારીઓને ઘરભેગા કર્યા : ૭૦૦૦ની AI ટીમમાં ટ્રાન્‍સફર

ટેક જગતમાં છટણીના દોર વચ્‍ચે AI પાછળ $૧૪૫ બિલિયન ખર્ચવાની તૈયારી : ઓફિસે ન આવવાનો આદેશ આપી ઘરે બેઠેલા હજારો કર્મચારીઓને ઈમેઈલ દ્વારા કરી દીધા ઘર ભેગા

નવી દિલ્‍હી, તા.૨૦: સોશિયલ મીડિયા જાયન્‍ટ ‘મેટા'એ દુનિયાભરમાં ફેલાયેલા તેના કર્મચારીઓ પર આકરો પ્રહાર કરતા ૮,૦૦૦ લોકોને નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું છે. કંપનીએ વિરોધ પ્રદર્શન અને હોબાળો રોકવા માટે એક અનોખી અને ચોંકાવનારી રણનીતિ અપનાવી હતી; તમામ કર્મચારીઓને અગાઉથી જ ‘વર્ક ફ્રોમ હોમ'નો આદેશ આપી દેવાયો હતો. જ્‍યારે કર્મચારીઓ ઓફિસના કામ માટે ઘરે બેસી લેપટોપ ખોલી રહ્યા હતા, ત્‍યારે જ સિંગાપોરથી લઈને અમેરિકા સુધીના ટાઈમ ઝોન મુજબ ટપોટપ ટર્મિનેશન લેટર આવવા લાગ્‍યા હતા. આ આયોજિત છટણીને કારણે ઓફિસમાં કોઈ પણ જાતનો ભૌતિક વિરોધ ન થાય તેની તકેદારી રાખવામાં આવી હતી, પરંતુ કર્મચારીઓમાં આ કીમિયાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ ભીષણ છટણી પાછળનું મુખ્‍ય કારણ માર્ક ઝુકરબર્ગનું AI (આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ) પ્રત્‍યેનું ઝનૂન માનવામાં આવે છે. મેટા હવે તેના કુલ કર્મચારીઓમાંથી ૭,૦૦૦ નિષ્‍ણાતોને ખાસ AI ટીમોમાં ટ્રાન્‍સફર કરી રહી છે, જેનો અર્થ એ છે કે હવે કંપનીને પરંપરાગત એન્‍જિનિયરિંગ કરતા મશીન ર્લનિંગમાં વધુ રસ છે. કંપની આ વર્ષે AI  ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પાછળ ૧૨૫ થી ૧૪૫ અબજ ડોલર જેવી તોતિંગ રકમ ખર્ચવાની યોજના ધરાવે છે. આ પરિવર્તનના ભાગરૂપે મધ્‍યમ સ્‍તરના મેનેજરોની સંખ્‍યા ઘટાડીને નાની અને અત્‍યંત ઝડપી ટીમો બનાવવામાં આવી રહી છે, જે સીધી AI  પ્રોજેક્‍ટ્‍સ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરશે.

જોકે, આ પ્રક્રિયા દરમિયાન કંપનીના છૂપા સર્વેલન્‍સને લઈને પણ મોટો વિવાદ છેડાયો છે. રિપોર્ટ્‍સ મુજબ, મેટા તેના કર્મચારીઓના માઉસ હિલચાલ અને ટાઈપિંગ સ્‍પીડ પર ગુપ્ત રીતે નજર રાખી રહી હતી જેથી ભવિષ્‍યની AI  સિસ્‍ટમ્‍સને માનવ વર્તણૂક મુજબ ટ્રેન કરી શકાય. આ જાસૂસીના વિરોધમાં ૧,૦૦૦ થી વધુ કર્મચારીઓએ ઓનલાઈન પિટિશન સાઈન કરી છે. નિષ્‍ણાતોના મતે, આ માત્ર કામચલાઉ મંદી નથી પણ ટેક ઉદ્યોગમાં આવેલો કાયમી બદલાવ છે, જ્‍યાં સામાન્‍ય કોડિંગ કરતા લોકોની જગ્‍યા હવે મશીનો લઈ રહ્યા છે અને માત્ર ઉચ્‍ચ કક્ષાના AI  આર્કિટેક્‍ટ્‍સની જ બજારમાં માંગ રહેશે

(2:45 PM IST)