<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

તેલંગાણા કોંગ્રેસમાં મોટો રાજકીય ભૂકંપ: મુખ્યમંત્રી સામે પુત્રીની ટિપ્પણી મંત્રી મેડમને ભારે પડી, રેવંત રેડ્ડીએ કેબિનેટમાંથી કર્યા બરતરફ!

હાઈકમાન્ડ સુધી પહોંચેલા ડ્રામા બાદ કોંડા સુરેખાની હકાલપટ્ટી: સુરેખાએ આક્ષેપ ફગાવ્યા અને કહ્યુ- "મને હજુ કોઈ સત્તાવાર નોટિસ મળી નથી, આ અન્યાય છે"

હૈદરાબાદ | તા.૦૩: તેલંગાણાના રાજકારણમાં અને શાસક પક્ષ કોંગ્રેસમાં એક મોટી રાજકીય હલચલ સામે આવી છે. તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ પોતાના કેબિનેટ સાથી અને રાજ્યના વન તથા વસાહત મંત્રી કોંડા સુરેખાને તાત્કાલિક અસરથી મંત્રીમંડળમાંથી બરતરફ કરી દીધા છે. ગુરુવારે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર યાદી અનુસાર, મંત્રી પરિષદમાંથી હાંકી કાઢવાની ભલામણ રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાને મોકલી દેવામાં આવી છે.

 

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે મંત્રી કોંડા સુરેખાની પુત્રી કોંડા સુષ્મિતા પટેલે વારંગલમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને પક્ષના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. સુષ્મિતાએ આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી પાર્ટીના જૂના અને વફાદાર નેતાઓની અવગણના કરીને BRS અને TDP માંથી આવેલા નેતાઓને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. આટલું જ નહીં, તેમણે આગામી વિધાનસભા ચૂંટણીમાં પારકલ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી દીધી હતી.

 

કોંડા સુરેખાની પુત્રીની આ ટિપ્પણીથી કોંગ્રેસના ૨૦ થી વધુ ધારાસભ્યો અને MLC આકરા પાણીએ થયા હતા. ૧૯ ઓગસ્ટે પ્રદેશ શિસ્ત સમિતિએ સુરેખાને કારણ દર્શક નોટિસ ફટકારી હતી. જવાબમાં સુરેખાએ જણાવ્યું હતું કે પુત્રીના વ્યક્તિગત વિચારો માટે તેમને જવાબદાર ઠેરવવા અયોગ્ય છે. જોકે, દિલ્હીમાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, ડેપ્યુટી સીએમ મલ્લુ ભટ્ટી વિક્રમાર્ક અને હાઈકમાન્ડ વચ્ચે યોજાયેલી બેઠક બાદ શિસ્તભંગ સમિતિની ભલામણને આધારે તેમને મંત્રીપદેથી હટાવવાનો આકરો નિર્ણય લેવાયો છે.

 

બીજી તરફ, કોંડા સુરેખાએ પોતાની હકાલપટ્ટીના અહેવાલો અંગે તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, "મને હજુ સુધી કોઈ સત્તાવાર નોટિસ, સાઈન કે લેટરહેડ સાથે પત્ર મળ્યો નથી. પક્ષે મારો પક્ષ સાંભળ્યા વિના આ કાર્યવાહી કરી છે જે સંપૂર્ણપણે અન્યાયી છે. મેં કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી. સત્તાવાર પુષ્ટિ મળ્યા બાદ હું મારી આગામી રાજકીય રણનીતિ નક્કી કરીશ."

 

(5:17 PM IST)