હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પરીક્ષા સુધારા અંગે સંસદીય સમિતિનો મોટો અહેવાલ: NTA ને મજબૂત કરવા અને પેપર લીક અટકાવવા ક્રાંતિકારી ભલામણો!
CBT ફોર્મેટ અપનાવવા, ૧૦૦૦ થી વધુ સરકારી કેન્દ્રો સ્થાપવા અને મોડા પહોંચતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવા સહિતના અનેક મહત્વપૂર્ણ સૂચનો રજૂ કરાયા

નવી દિલ્હી: દેશમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક અને પ્રવેશ પરીક્ષાઓ પારદર્શક, સુરક્ષિત અને સુચારૂ રીતે યોજાય તે માટે શિક્ષણ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) ની કાર્યપ્રણાલીમાં સુધારા અને મજબૂતીકરણ અંગે સંસદીય સ્થાયી સમિતિએ એક મહત્વપૂર્ણ અહેવાલ તૈયાર કર્યો છે. કોંગ્રેસ સાંસદ મુકુલ વાસનિકની અધ્યક્ષતાવાળી 'શિક્ષણ, મહિલા, બાળકો, યુવા અને રમતગમત' અંગેની સંસદીય સમિતિએ શુક્રવાર, ૯ ઓક્ટોબરના રોજ રાજ્યસભાના અધ્યક્ષને તેનો ૩૮૨મો અહેવાલ સુપરત કર્યો છે. આ અહેવાલમાં પેપર લીક જેવી ગંભીર સમસ્યાઓને અટકાવવા માટે પ્રશ્નપત્ર સેટિંગથી લઈને પરીક્ષા કેન્દ્રોના સંચાલન અંગે ક્રાંતિકારી સૂચનો આપવામાં આવ્યા છે.
સંસદીય સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે પેપર લીક અને અનિયમિતતાઓને રોકવા માટે સતત અપડેટ થતી એક વિશાળ અને વૈવિધ્યસભર પ્રશ્ન બેંક સૌથી આદર્શ ઉકેલ છે. સમિતિએ NEET-UG અને અન્ય મુખ્ય પરીક્ષાઓને તબક્કાવાર કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં ફેરવવાની ભલામણ કરી છે. CBT ફોર્મેટના કારણે પ્રશ્નપત્રો અગાઉથી છાપવાની અને કેન્દ્રો સુધી લઈ જવાની જરૂરિયાત પૂરી થઈ જશે. સમિતિના જણાવ્યા મુજબ, પ્રશ્નપત્રો પરીક્ષાના થોડા સમય પહેલાં જ આઈઆઈટી (IIT), એમ્સ (AIIMS) અને આઈઆઈએમ (IIM) જેવી દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓના નિષ્ણાતો દ્વારા તૈયાર કરીને સમીક્ષા કરવા જોઈએ. આ ઉપરાંત, સિવિલ સર્વિસિસ પરીક્ષાની તર્જ પર મુખ્ય પરીક્ષાઓ માટે 'બે-સ્તરીય' પરીક્ષા પ્રણાલી અપનાવવાની અને NEET (UG) માટે પ્રયાસોની સંખ્યા નિશ્ચિત કરવાની ભલામણ પણ કરાઈ છે.
અહેવાલમાં દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક એમ સમગ્ર દેશમાં ૧,૦૦૦ થી વધુ સંપૂર્ણ સુરક્ષિત અને સરકારી નિયંત્રણ હેઠળના CBT કેન્દ્રો સ્થાપવાની ભલામણ કરવામાં આવી છે. તે સિવાય ગડબડી કરતી પરીક્ષા એજન્સીઓ માટે રાષ્ટ્રીય 'બ્લેકલિસ્ટ' બનાવવાનું સૂચન કરાયું છે. સમિતિએ નોંધ્યું છે કે NTA માં હાલમાં ૪૦% થી વધુ કાયમી સ્ટાફની જગ્યાઓ ખાલી છે જ્યાં ૩૯ મંજૂર જગ્યાઓમાંથી માત્ર ૨૩ અધિકારીઓ જ તૈનાત છે. આ માટે કાયમી વિશેષ કેડર બનાવવાની માંગ કરાઈ છે.
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે વાત કરતાં અહેવાલમાં જણાવાયું છે કે સુનિશ્ચિત સમયગાળા દરમિયાન વારંવાર ચકાસણી કે ઘુસણખોરી રોધક તપાસ કરીને પરીક્ષા હોલમાં પ્રતિકૂળ વાતાવરણ ઊભું ન કરવું જોઈએ, પરંતુ તે માટે પરીક્ષા પૂર્ણ થયા બાદ ૧૫ મિનિટનો અલગ સમય ફાળવવો જોઈએ. જે વિદ્યાર્થીઓ કોઈ કારણોસર પરીક્ષા કેન્દ્ર પર મોડા પહોંચે છે તેમને પરીક્ષા આપવાની મંજૂરી આપવી જોઈએ, જોકે તેમને વધારાનો સમય આપ્યા વિના માત્ર બાકી રહેલા સમયમાં જ પેપર લખવા દેવું જોઈએ. પરીક્ષાના દિવસે કેન્દ્રોની આસપાસ જાહેર રેલીઓ અને સરઘસો પર પ્રતિબંધ મૂકવાની પણ સમિતિએ ભલામણ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
