<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ટૂંક સમયમાં કરશે મોટું કેબિનેટ પ્રક્ષાલન : ૧૬ થી ૧૮ મંત્રીઓની બદલી કે પડતા મુકાવાના એંધાણ! : નાણાં, શિક્ષણ અને ઉર્જા મંત્રાલયમાં સંપૂર્ણ નેતૃત્વ પરિવર્તનની શક્યતા : ન્યૂઝફર્સ્ટ

નિર્મલા સીતારામન એચઆરડીમાં જઈ શકે : અશ્વિની વૈષ્ણવ કે શક્તિકાંત દાસને નાણાં મંત્રાલય સોંપાવાની ચર્ચા : ધર્મેન્દ્ર પ્રધાનને મંત્રીમંડળમાંથી સંગઠનમાં મોકલવામાં આવે તેવી શક્યતા : હરદીપ પુરીની કેબિનેટમાંથી વિદાય થઈ શકે : ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્રને કેબિનેટ રેન્કના મંત્રી બનાવવામાં આવે તેવી પૂરતી શક્યતા

નવી દિલ્હી (ન્યૂઝફર્સ્ટ): કેન્દ્ર સરકારમાં ટૂંક સમયમાં જ એક બહુ મોટો રાજકીય ફેરબદલ જોવા મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ટૂંક સમયમાં જ કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ અને પ્રક્ષાલન કરે તેવી પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ આગામી ફેરબદલમાં ૧૬થી ૧૮ જેટલા મંત્રીઓએ કાં તો પોતાના હોદ્દા ગુમાવવા પડશે અથવા તો તેઓને નવા પોર્ટફોલિયો (મંત્રાલય)માં ખસેડવામાં આવશે. આ સંભવિત કેબિનેટ રેશફલને પગલે અત્યારથી જ રાષ્ટ્રપતિ ભવન પર સૌની નજર મંડરાઈ ગઈ છે.

આ મોટા ફેરબદલમાં કેન્દ્રીય કેબિનેટના ઓછામાં ઓછા ૫થી ૭ અગ્રણી અને જાણીતા મંત્રી પડતા મૂકવામાં આવે તેવી આશંકા સેવાઈ રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે દેશના ત્રણ મુખ્ય મંત્રાલયો - નાણાં, શિક્ષણ અને ઉર્જા મંત્રાલયમાં સંપૂર્ણ નેતૃત્વ પરિવર્તન જોવા મળી શકે છે. ચર્ચા મુજબ, વર્તમાન નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનને એચઆરડી (માનવ સંસાધન વિકાસ/શિક્ષણ) મંત્રાલયની જવાબદારી સોંપાઈ શકે છે, જ્યારે તેમની જગ્યાએ અશ્વિની વૈષ્ણવ અથવા શક્તિકાંત દાસને દેશના નવા નાણાં મંત્રી બનાવવામાં આવી શકે છે. આ સિવાય, ધર્મેન્દ્ર પ્રધાનને મંત્રીમંડળમાંથી સંગઠનમાં મોકલવામાં આવે તેવી શક્યતા છે, જ્યારે હરદીપ પુરીની કેબિનેટમાંથી રજા થઈ શકે છે. પાવર મિનિસ્ટ્રી (ઉર્જા મંત્રાલય)માંથી એમ એલ ખટ્ટરની પણ બદલી થવાના સંકેત છે.

બીજી તરફ, મંત્રીમંડળમાં કેટલાક નવા અને જૂના ચહેરાઓનો સમાવેશ થવાની અટકળોએ જોર પકડ્યું છે. અનુરાગ ઠાકુરની ફરી મંત્રાલયમાં વાપસી થઈ શકે છે, જ્યારે રામાયણ સિરિયલ ફેમ અરુણ ગોવિલને પણ મંત્રી પદ મળી શકે છે. આ જ રીતે પંકજ ચૌધરીને વર્તમાન પદ પરથી હટાવી અન્યત્ર ખસેડાઈ શકે છે, જ્યારે તરુણ ચુઘને રાજ્ય કક્ષાના મંત્રી (MoS) બનાવવામાં આવે તેવી સંભાવના છે. વિષ્ણુ દત્ત શર્માને પણ કોઈ સારા પોર્ટફોલિયો સાથે મંત્રી બનાવવામાં આવી શકે છે. વિપક્ષી છાવણી અથવા અન્ય ગઠબંધનની વાત કરીએ તો, રાઘવ ચઢ્ઢા અથવા અશોક મિત્તલ બેમાંથી કોઈ એકને મંત્રી પદ મળે તેવી ચર્ચા છે. મહારાષ્ટ્રના રાજકારણમાંથી સંજય પાટીલ અથવા શિંદે શિવસેનાના અન્ય કોઈ નેતાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, તેમજ ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્રને કેબિનેટ રેન્કના મંત્રી બનાવવામાં આવે તેવી પૂરતી શક્યતા છે. આ ઉપરાંત, બિહારના એક સાંસદ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લઈ મોરચો સંભાળશે તેવી વિગતો વહેતી થઈ છે.

(10:07 AM IST)