<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

૨૦૦૮ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોટો ઘટસ્ફોટ: ફાંસીની સજા પામેલા આતંકવાદી મોહમ્મદ તનવીરની સજાના અમલ પર સુપ્રીમ કોર્ટે મૂકી રોક

૫૬ નિર્દોષોના ભોગ લેનાર ઈન્ડિયન મુજાહિદ્દીનના દોષિતની અરજી પર સુપ્રીમ કોર્ટે મંગાવ્યા જેલ, પ્રોબેશન અને મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકનના અહેવાલો; ૧૨ અઠવાડિયા પછી હાથ ધરાશે આગામી સુનાવણી

નવી દિલ્હી : વર્ષ ૨૦૦૮ના દેશને હચમચાવી દેનારા અમદાવાદ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે આતંકવાદી સંગઠન 'ઇન્ડિયન મુજાહિદ્દીન' (IM) ના સભ્ય અને ફાંસીની સજા પામેલા દોષિત મોહમ્મદ તનવીરની ફાંસીની સજાના અમલ પર રોક લગાવી દીધી છે. ન્યાયાધીશોની બનેલી ખંડપીઠે તનવીરની અરજી પર સુનાવણી હાથ ધરીને ગુજરાત હાઈકોર્ટના અગાઉના ચુકાદા સામે રિપોર્ટ માંગ્યા છે, જેના કારણે આ કેસમાં કાનૂની પ્રક્રિયા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે.

 

સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કેસની અંતિમ સુનાવણી પૂરી નહીં થાય ત્યાં સુધી તનવીરની ફાંસીની સજા પર સ્ટે રહેશે. સાથે જ, કોર્ટે ગુજરાત સરકારને નિર્દેશ આપ્યો છે કે આગામી આઠ અઠવાડિયાની અંદર પ્રોબેશન અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલો રજૂ કરવામાં આવે. આ ઉપરાંત, સંબંધિત જેલના અધિક્ષકને પણ તનવીરના જેલવાસ દરમિયાનના આચરણ, તેના દ્વારા કરવામાં આવેલા કાર્યો અને સરકારી હોસ્પિટલ દ્વારા કરાયેલા તેના મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન (સાયકોલોજિકલ ઇવેલ્યુએશન) નો અહેવાલ પણ આ જ સમયગાળામાં સોંપવા સૂચના આપવામાં આવી છે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી ૧૨ અઠવાડિયા પછી મુકરર કરી છે.

 

ઉલ્લેખનીય છે કે ગત ૭ જુલાઈએ ગુજરાત હાઈકોર્ટે વિશેષ અદાલતના ફેબ્રુઆરી ૨૦૨૨ના ચુકાદાને યથાવત રાખતા ઈન્ડિયન મુજાહિદ્દીનના ૩૮ દોષિતોને ફાંસીની સજા અને ૧૧ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. હાઈકોર્ટે આ આતંકવાદી કૃત્યને અત્યંત અમાનવીય અને કાયરતાપૂર્ણ ગણાવ્યું હતું. નોંધનીય છે કે ૨૬ જુલાઈ, ૨૦૦૮ના રોજ અમદાવાદ શહેરમાં માત્ર ૭૦ મિનિટના ટૂંકા ગાળામાં ૨૧ સિરિયલ બોમ્બ વિસ્ફોટો થયા હતા, જેમાં ૫૬ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૨૦૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

 

અગાઉ ૧ ઓક્ટોબરના રોજ પણ સુપ્રીમ કોર્ટે આ જ કેસમાં મૃત્યુદંડની સજા પામેલા અન્ય એક દોષિત અહેમદ બાવા ઉર્ફે અબ્બુ અબુબકર બરેલવીની સજાના અમલીકરણ પર પણ રોક લગાવી હતી. તનવીરની આ અરજી પર હવે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી તેની ફાંસીની સજા પર રોક યથાવત રહેશે, જેનાથી આ હાઈ-પ્રોફાઇલ આતંકવાદી કેસમાં ન્યાયિક પ્રક્રિયા વધુ લંબાઈ છે.

(7:54 PM IST)