<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

એનસીઆરબીના ‘ક્રાઈમ ઈન ઈન્ડિયા - ૨૦૨૪’ રિપોર્ટમાં મોટો ખુલાસો : રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો : મહિલા અને બાળ સુરક્ષામાં રાજ્ય દેશભરમાં અગ્રેસર

દારૂબંધીના કડક અમલથી સ્પેશિયલ લો હેઠળ લાખો કેસો નોંધાતા કુલ ક્રાઈમ રેટ ઊંચો દેખાય છે : વાસ્તવિક અને હિંસાત્મક ગુનાખોરીના ઇન્ડેક્સમાં ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્યોમાં મોખરે

નવી દિલ્હી: નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB), નવી દિલ્હી દ્વારા તાજેતરમાં વર્ષ ૨૦૨૪ ના વર્ષનું સત્તાવાર પ્રકાશન "ક્રાઈમ ઇન ઇન્ડિયા" જાહેર કરવામાં આવ્યું છે. આ પુસ્તકના આધારે ગુજરાત રાજ્ય તેમજ ભારતના અન્ય રાજ્યોના ગુનાહિત આંકડાઓનું એક વિસ્તૃત તુલનાત્મક વિશ્લેષણ સામે આવ્યું છે. આ સત્તાવાર આંકડાઓ સ્પષ્ટપણે સાબિત કરે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાષ્ટ્રીય સ્તર કરતાં અત્યંત સુદ્રઢ, શાંત અને સુરક્ષિત છે. વર્ષ ૨૦૨૪ માં સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઈમ રેટ ૨૫૨.૩ નોંધાયો છે, જેની સરખામણીએ ગુજરાતનો કુલ ક્રાઈમ રેટ માત્ર ૨૨૭.૭ છે. આ આંકડા સાથે દેશના કુલ ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદીમાં ગુજરાત એકંદરે ૧૨મા ક્રમે આવે છે, જે રાજ્યની સલામતીની મજબૂત સ્થિતિ દર્શાવે છે.

આ અહેવાલમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવાના કારણે ગુજરાત પોલીસ દ્વારા ગુના નિવારણના ભાગરૂપે પ્રોહિબિશન એક્ટ હેઠળ ખૂબ જ કડક હાથે કામગીરી કરવામાં આવે છે. રાજ્યમાં દારૂ ગાળવા, વેચવા, તેની હેરફેર કરવા કે દારૂ પીવા સંબંધિત ગુનાઓમાં પોલીસ પ્રશાસન દ્વારા સ્વતઃ સંજ્ઞાન (સુઓમોટો) લઈને દર વર્ષે લાખોની સંખ્યામાં કેસો દાખલ કરવામાં આવે છે. એનસીઆરબીના ડેટામાં જ્યારે દેશના કુલ ગુનાઓની ગણતરી થાય છે, ત્યારે આ દારૂબંધી હેઠળ નોંધાયેલા ‘સ્પેશિયલ એન્ડ લોકલ લોઝ’ (SLL) ના કેસો પણ તેમાં ઉમેરવામાં આવે છે. ગુજરાત પોલીસની આ સક્રિય, સજાગ અને કડક ડ્રાઇવના કારણે જ ગુના નોંધણીની કુલ સંખ્યા આંકડામાં ઊંચી દેખાય છે, જે વાસ્તવમાં રાજ્યની સલામતી અને પોલીસની ઉચ્ચ સજાગતાનું પ્રતીક છે. જો આ પ્રોહિબિશનના કેસોને અલગ રાખવામાં આવે, તો ગુજરાતનો વાસ્તવિક પરંપરાગત આઈ.પી.સી. અથવા બી.એન.એસ. ગુનાઓનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો વધારે નીચો અને રાહતજનક છે.

મહિલાઓ અને બાળકો વિરૂદ્ધના ગુનાઓની કેટેગરીમાં ગુજરાત દેશના સૌથી સુરક્ષિત રાજ્યોમાં મોખરે રહ્યું છે. રાષ્ટ્રીય સ્તરે મહિલાઓ વિરૂદ્ધના ગુનાનો સરેરાશ દર ૬૪.૬ છે, જેની સામે ગુજરાતમાં આ દર માત્ર ૨૨.૦ જેટલો ખૂબ જ ઓછો નોંધાયો છે. દેશના કુલ ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહિલા સુરક્ષાની આ કેટેગરીમાં ગુજરાત ૩૩મા સ્થાને છે, જે દર્શાવે છે કે અહીં મહિલાઓ વિરૂદ્ધ ગુનાખોરીનો દર ઘણો નીચો છે. તેવી જ રીતે, બાળકો વિરૂદ્ધ થતા ગુનાઓમાં પણ રાષ્ટ્રીય સરેરાશ ૪૨.૩ ની સામે ગુજરાતનો ક્રાઈમ રેટ ૨૫.৮ રહ્યો છે અને આ મામલે ગુજરાત દેશમાં ૨૯મા ક્રમે છે. આ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે રાજ્યનું સામાજિક વાતાવરણ નબળા વર્ગો માટે અત્યંત સાનુકૂળ છે.

ગંભીર અને હિંસાત્મક ગુનાઓની બાબતમાં પણ ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ ઘણી ઉત્તમ સ્થિતિમાં છે. ખૂન, ખૂનની કોશિશ, બળાત્કાર, અપહરણ, લૂંટ અને ધાડ જેવા ગંભીર હિંસાત્મક ગુનાઓમાં રાષ્ટ્રીય સરેરાશ દર ૫૨.૯ છે, જેની સામે ગુજરાતનો હિંસાત્મક ક્રાઈમ રેટ માત્ર ૧૬.check છે અને ગુજરાત આ યાદીમાં ૩૧મા સ્થાને છે. માનવ શરીર વિરૂદ્ધના ગુનાઓની વાત કરીએ તો, રાષ્ટ્રીય ક્રાઈમ રેટ ૬૨.૧ ની સરખામણીએ ગુજરાતમાં આ દર ઘણો ઓછો એટલે કે ૨૪.૭ નોંધાયો છે, જેમાં ગુજરાત ૩૧મા ક્રમે આવે છે. મિલકત વિરૂદ્ધના ગુનાઓ જેવા કે ચોરી, ઘરફોડ, લૂંટફાટ વગેરેમાં દેશનો સરેરાશ રેટ ૫૭.૯ છે, જેની સામે ગુજરાતનો રેટ ૩૦.૪ છે અને આ કેટેગરીમાં ગુજરાત ૨૩મા સ્થાને છે.

એનસીઆરબી રિપોર્ટ ૨૦૨૪ ના અલગ-અલગ હેડ મુજબ ચોક્કસ ગંભીર ગુનાઓની વિગતવાર સરખામણી નીચે મુજબ છે:

  ખૂનના ગુના: વર્ષ ૨૦૨૪ માં ખૂનના ગુનાનો રાષ્ટ્રીય સરેરાશ ક્રાઈમ રેટ ૧.૯ છે, જેની સામે ગુજરાતનો ખૂનનો ક્રાઈમ રેટ માત્ર ૧.૩ છે. આ ગુનાના રેટમાં દેશના ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત ૨૯મા ક્રમે છે.

  બળાત્કારના ગુના: આ વર્ષમાં બળાત્કારના ગુનાઓનો ઓલ ઇન્ડિયા ક્રાઈમ રેટ ૪.૩ નોંધાયો છે, જેની સરખામણીએ ગુજરાતમાં આ ક્રાઈમ રેટ અડધા કરતા પણ ઓછો એટલે કે માત્ર ૧.૯ જેટલો છે. આ કેટેગરીમાં પણ ગુજરાત દેશમાં ૨૯મા ક્રમે છે.

  અપહરણ અને અપનયન: અપહરણના ગુનાઓનો સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઈમ રેટ ૬.૮ છે, જેની સામે ગુજરાતમાં આ દર માત્ર ૧.૭ છે. આ શ્રેણીમાં ગુજરાતનું સ્થાન દેશમાં ૨૬મા ક્રમાંકે છે.

  ઘરફોડ (ચોરી): વર્ષ ૨૦૨૪ માં ઘરફોડના ગુનાનો ઓલ ઇન્ડિયા ક્રાઈમ રેટ ૭.૭ છે, જેની સામે ગુજરાતમાં આ દર માત્ર ૪.૧ રહ્યો છે અને કુલ ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત આ ગુનાના ક્રાઈમ રેટમાં ૨૭મા સ્થાને છે.

(8:14 PM IST)