<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

બીએસએનએલ અને એમટીએનએલના લાખો નિવૃત્ત કર્મચારીઓને મોટો આંચકો : ૭મા પગાર પંચ મુજબ પેન્શન સુધારણાની માગ દિલ્હી હાઈકોર્ટે ફગાવી : કેટનો અગાઉનો આદેશ રદ

જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં જોડાવાનો વિકલ્પ પસંદ કરનારા કર્મચારીઓ સરકારી પદ નાબૂદ થતાં કેન્દ્રીય પગાર પંચને બદલે આઈડીએ શાસન હેઠળ આવે છે : નિવૃત્ત કર્મચારીઓના સંગઠનોમાં ભારે આક્રોશ : સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડતની તૈયારી

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે ૧ જુલાઈના રોજ એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) ના જે ભૂતપૂર્વ કર્મચારીઓએ ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) જેવા જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) માં કાયમી ધોરણે જોડાવાનો વિકલ્પ પસંદ કર્યો હતો, તેઓ સાતમા કેન્દ્રીય પગાર પંચ (7th CPC) ની ભલામણોના આધારે પેન્શન સુધારણાનો કાનૂની દાવો કરી શકે નહીં.

 

જસ્ટિસ ઓમ પ્રકાશ શુક્લા અને જસ્ટિસ સી. હરિ શંકરની ડિવિઝન બેન્ચે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT) દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૩ માં આપવામાં આવેલા આદેશને બાજુ પર રાખીને ટેલિકોમ્યુનિકેશન વિભાગની અપીલને મંજૂર રાખી છે. અગાઉ કેટ દ્વારા સરકારને આદેશ આપવામાં આવ્યો હતો કે આ કર્મચારીઓના પેન્શનમાં સાતમા પગાર પંચ મુજબ સુધારો કરી અમલવારી કરવામાં આવે, જે ચુકાદાને હાઈકોર્ટે અમાન્ય ઠેરવ્યો છે.

 

હાઈકોર્ટના ચુકાદાના મુખ્ય ત્રણ મુદ્દાઓ:

૧. નિયમ ૩૭A નું પાલન: અદાલતે સ્પષ્ટ ઠરાવ્યું છે કે આવા કર્મચારીઓ 'સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) રૂલ્સ, ૧૯૯૨' ના નિયમ ૩૭A હેઠળ સંચાલિત થાય છે. આ નિયમ પીએસયુમાં જોડાનારા સરકારી કર્મચારીઓ માટેનું એક વિશેષ વૈધાનિક માળખું પૂરું પાડે છે.

૨. સરકારી દરજ્જો સમાપ્ત: નિયમ ૩૭A ની જોગવાઈઓ અનુસાર, એકવાર કોઈ કર્મચારી પીએસયુમાં જોડાવાનો વિકલ્પ પસંદ કરી લે છે, ત્યારથી જ તે સરકારી કર્મચારી રહેતો નથી. તેનો સરકારી દરજ્જો અને પદ નાબૂદ થાય છે અને તે જે-તે પીએસયુના સેવા નિયમો તેમજ પગાર માળખાને આધીન બને છે.

૩. IDA પગાર શાસન લાગુ: ડિવિઝન બેન્ચે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે બીએસએનએલ અને એમટીએનએલમાં જોડાયા બાદ તમામ કર્મચારીઓ 'ઇન્ડસ્ટ્રિયલ ડીયરનેસ એલાઉન્સ' (IDA) ના દાયરા હેઠળ આવી ગયા છે. આથી તેઓ પગાર સુધારણા સમિતિ (PRC) ની ભલામણો દ્વારા સંચાલિત થાય છે, કેન્દ્રીય પગાર પંચ (CPC) દ્વારા નહીં.

 

અદાલતે વધુમાં અવલોકન કર્યું હતું કે, નિયમ ૩૭A કે ઉત્તરદાતાઓ દ્વારા રજૂ કરાયેલા ઓફિસ મેમોરેન્ડમમાંથી કોઈ પણ દસ્તાવેજ, આઈડીએ શાસન હેઠળના સંયુક્ત સેવા પેન્શનરોને ૭મા પગાર પંચની ભલામણો મુજબ પેન્શન સુધારણાનો દાવો કરવાનો કોઈ કાનૂની કે બંધારણીય અધિકાર આપતા નથી.

 

નિવૃત્ત કર્મચારીઓ અને એસોસિએશનમાં ઘેરા પ્રત્યાઘાત:

બીજી તરફ, દિલ્હી હાઈકોર્ટના આ ચુકાદાને પગલે બીએસએનએલ અને એમટીએનએલના લાખો નિવૃત્ત કર્મચારીઓમાં ભારે આઘાત અને આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે. અગાઉ, અલગ-અલગ પેન્શનર્સ યુનિયનો અને એસોસિએશનો દ્વારા જ કેટમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આવ્યો હતો.

નિવૃત્ત કર્મચારીઓની મુખ્ય રજૂઆત છે કે, જ્યારે સરકારે ટેલિકોમ્યુનિકેશન વિભાગના કર્મચારીઓને બીએસએનએલ અને એમટીએનએલમાં મોકલ્યા ત્યારે સ્પષ્ટ શરત રાખવામાં આવી હતી કે તેઓ નિવૃત્ત થશે ત્યારે તેમનું પેન્શન કેન્દ્ર સરકાર ચૂકવશે અને પગાર પંચના તમામ લાભો પણ કેન્દ્રના ધોરણે જ મળવાપાત્ર રહેશે.

 

ભારત દુરસંચાર પેન્શનર્સ સંઘ, ગુજરાત સર્કલના કાર્યકારી પ્રમુખ બાબુભાઈ મેનપરાએ (મોબાઈલ નંબર: 9426227888) આ અંગે આક્ષેપ કર્યો છે કે સરકાર પોતાના જ લેખિત વાયદા અને શરતોથી ફરી ગઈ છે. આ ચુકાદો વર્ષો સુધી સેવા આપનારા કર્મચારીઓ સાથે ઘોર અન્યાય સમાન છે. આગામી સમયમાં ન્યાય મેળવવા માટે નિવૃત્ત કર્મચારીઓના વિવિધ સંગઠનો અને એસોસિએશનના અગ્રણીઓ સાથે મળીને વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને સુપ્રીમ કોર્ટ સહિતની કાનૂની લડત તેમજ આગામી આંદોલન અંગે આખરી નિર્ણય લેવામાં આવશે.

(7:44 PM IST)