<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

ભારતની ઉર્જા આયાતમાં મોટો ફેરબદલ: સપ્ટેમ્બરમાં અમેરિકાને પછાડીને ઓમાન બન્યો ભારતનો સૌથી મોટો LNG સપ્લાયર

પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે ભારતે ઉર્જા સ્ત્રોતોમાં વૈવિધ્યકરણ કર્યું: કતારનો હિસ્સો ઘટીને છઠ્ઠા સ્થાને પહોંચ્યો

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં વધી રહેલી ભૌગોલિક-રાજકીય અસ્થિરતા વચ્ચે ભારતે પોતાની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગલ્ફ અને અન્ય દેશોમાંથી થતી આયાતમાં મોટો ફેરફાર કર્યો છે. ઊર્જા ક્ષેત્રના ડેટા ટ્રેકિંગ સંસ્થા 'કેપ્લર' (Kpler) ના તાજેતરના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ઓમાન અમેરિકાને પાછળ છોડીને ભારતનો સૌથી મોટો લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) સપ્લાયર દેશ બની ગયો છે. ભારતે સપ્ટેમ્બરમાં ઓમાન પાસેથી ૫,૮૫,૦૦૦ ટન LNG ની આયાત કરી હતી, જે ઓગસ્ટ મહિનાની સરખામણીએ ૧૧.૬ ટકાનો તીવ્ર વધારો દર્શાવે છે. આ સાથે ભારતની કુલ LNG આયાતમાં એકલા ઓમાનનો હિસ્સો ૨૭ ટકા જેટલો થઈ ગયો છે.

 

આંકડાકીય વિગતો મુજબ, આ સપ્લાયર યાદીમાં નાઈજીરીયા ૩,૫૧,૦૦૦ ટનના જથ્થા સાથે બીજા ક્રમે રહ્યું છે, જોકે અગાઉના મહિનાની સરખામણીએ તેની આયાતમાં ૩૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. સૌથી ચોંકાવનારો ફેરફાર અમેરિકાના સપ્લાયમાં જોવા મળ્યો છે. ઓગસ્ટ મહિનામાં ૮,૪૮,૦૦૦ ટન LNG નો પુરવઠો પૂરો પાડીને પ્રથમ સ્થાને રહેલું અમેરિકા સપ્ટેમ્બરમાં સીધું ત્રીજા સ્થાને ધકેલાઈ ગયું છે. ભારતને થતી અમેરિકન નિકાસમાં ૫૯ ટકાનો મોટો ઘટાડો થતાં સપ્ટેમ્બરની કુલ આયાતમાં અમેરિકાનો હિસ્સો ઘટીને માત્ર ૧૬ ટકા રહી ગયો છે.

 

અન્ય પુરવઠાકાર દેશોની વાત કરીએ તો, સંયુક્ત આરબ અમીરાત (UAE) ૩,૧૧,૦૦૦ ટન સાથે ચોથા અને અંગોલા ૨,૦૫,૦૦૦ ટન સાથે પાંચમા સ્થાને રહ્યા છે. એક સમયે ભારતની કુલ LNG આયાતમાં લગભગ ૪૫ ટકાનો સિંહભાગ ધરાવનાર કતાર આ યાદીમાં છઠ્ઠા સ્થાને સરકી ગયું છે. કતારે સપ્ટેમ્બર મહિના દરમિયાન ભારતને માત્ર ૯૪,૦૦૦ ટન જેટલો મર્યાદિત પુરવઠો જ પૂરો પાડ્યો છે. કતારના સપ્લાયમાં આવેલા આ તીવ્ર ઘટાડાનું મુખ્ય કારણ માર્ચ ૨૦૨૬માં 'રાસ લાફાન ઈન્ડસ્ટ્રીયલ સિટી' પર થયેલા હુમલા બાદ ઉત્પન્ન થયેલી પુરવઠા અડચણો માનવામાં આવે છે.

 

ભારતમાં ખાતર ઉત્પાદન, વીજ મથકો, ઔદ્યોગિક એકમો અને શહેરી ગેસ વિતરણ (CNG/PNG) માં કુદરતી ગેસ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત પોતાની કુલ જરૂરિયાતનો લગભગ અડધો ભાગ વિદેશોમાંથી આયાત કરે છે. જોકે, હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં વધતી અસ્થિરતા અને કતારમાંથી સપ્લાય ખોરવાતાં ભારતની કુલ સપ્ટેમ્બર માસની LNG આયાત ઓગસ્ટના ૨.૫ મિલિયન ટનની સરખામણીએ ૧૪ ટકા ઘટીને ૨.૧૭ મિલિયન ટન નોંધાઈ છે.

 

આ ક્ષેત્રીય જોખમોને પહોંચી વળવા માટે ભારત સરકારે LNG, LPG અને ક્રૂડ ઓઈલની આયાત માટે નવી વ્યૂહરચના અપનાવી છે. કેન્દ્ર સરકાર હવે કેનેડા, અલ્જેરિયા, અમેરિકા ઉપરાંત મોઝામ્બિક અને બ્રાઝિલ જેવા ઉભરતા ઉત્પાદક દેશો સાથે નવા કરારો કરીને પુરવઠામાં વૈવિધ્યકરણ લાવી રહી છે. આ વૈવિધ્યસભર ખરીદી નીતિને કારણે ભારતની ક્રૂડ ઓઈલ આયાત સુરક્ષિત રહી છે, પરંતુ ગેસ માળખાની મર્યાદાઓને કારણે LNG આયાતમાં હજુ પણ પશ્ચિમ એશિયા પર નિર્ભરતા યથાવત છે.

 

નિષ્ણાતોના મતે, ગલ્ફ વિસ્તારમાં શિપિંગ રૂટ પરના અવરોધો આગામી સમયમાં પણ ભારતીય ઉર્જા બજાર માટે પડકારરૂપ બની શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય ઉર્જા કંપનીઓ ટૂંકા ગાળાના સ્પોટ માર્કેટ કોન્ટ્રાક્ટ્સને બદલે લાંબા ગાળાના સુરક્ષિત સપ્લાય કરારો કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આવનારા મહિનાઓમાં કેનેડા અને આફ્રિકન દેશોમાંથી નવા શિપમેન્ટ શરૂ થતાં ભારતની ઉર્જા આયાત વધુ સ્થિર થવાની ગણતરી મૂકવામાં આવી રહી છે.

 

(5:48 PM IST)