News of Tuesday, 22nd September 2026
યુએસના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં એવિએશન સિસ્ટમમાં મોટી તકનીકી ખામી સર્જાતા હાહાકાર: એફએએ (FAA) ની સિસ્ટમ ફેલ થવાથી જેએફકે (JFK) અને ન્યુઆર્ક સહિત અનેક મુખ્ય એરપોર્ટ પર 'ગ્રાઉન્ડ સ્ટોપ' જાહેર
એમટ્રેક રેલ લાઇન પાસે બાંધકામ દરમિયાન ફાઇબર-ઓપ્ટિક કેબલ કપાતા હજારો મુસાફરો અટવાયા: ૧,૦૦૦થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થતાં યુએનના મહાસંમેલન અગાઉ તંત્રમાં દોડધામ

ન્યુયોર્ક, તા.૨૨: યુનાઇટેડ સ્ટેટ્સના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સોમવારે અચાનક સર્જાયેલી એક ગંભીર તકનીકી ખામીના કારણે હવાઈ મુસાફરી ઠપ થઈ ગઈ હતી. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ના સાધનોમાં સર્જાયેલી ખામીને કારણે ન્યૂયોર્કનું પ્રખ્યાત જ્હોન એફ. કેનેડી (JFK) ઇન્ટરનેશનલ એરપોર્ટ, લાગુઆર્ડિયા (LaGuardia) એરપોર્ટ અને ન્યુઆર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત અનેક મોટા એરપોર્ટ પર 'ગ્રાઉન્ડ સ્ટોપ' (વિમાનોના ઉડાન પર રોક) ની સ્થિતિ લાદવી પડી હતી. આ ટેકનિકલ આઉટેજના કારણે સમગ્ર ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં ફ્લાઇટ શિડ્યુલ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું અને હજારો મુસાફરો એરપોર્ટ પર જ ફસાઈ ગયા હતા.
ફ્લાઇટ-ટ્રેકિંગ પ્લેટફોર્મ 'Flightradar24' ના અહેવાલ મુજબ, ફિલાડેલ્ફિયા ટર્મિનલ રડાર એપ્રોચ કંટ્રોલ સુવિધામાં સર્કિટ નિષ્ફળતા સર્જાઈ હતી, જેના કારણે JFK, LaGuardia, Newark, Teterboro, Philadelphia અને Westchester County એરપોર્ટને સેવા આપતા રેડિયો અને રડાર સાધનો અચાનક કામ કરતા બંધ થઈ ગયા હતા. સંયોગી રીતે આ જ સમયે ન્યુયોર્ક શહેરમાં ૮૧મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે વિશ્વભરના દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓ એકત્રિત થઈ રહ્યા હતા, ત્યારે જ સવારે ૧૦ વાગ્યાની આસપાસ આ ગંભીર સમસ્યા સર્જાતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ અચાનક થયેલા વિક્ષેપને કારણે ૧,૦૦૦ થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી અથવા રદ કરવામાં આવી હતી.
બાંધકામ દરમિયાન કેબલ કપાતા સર્જાઈ સમસ્યા, હવે કામગીરી પૂર્વવત
આ સમગ્ર મામલે તપાસ કરતા ખુલાસો થયો હતો કે ન્યૂ જર્સીમાં એમટ્રેક રેલ લાઇન નજીક ચાલી રહેલા બાંધકામ દરમિયાન ભૂલથી ફાઇબર-ઓપ્ટિક બેકઅપ લાઇન કપાઈ ગઈ હતી, જેના કારણે વેરાઇઝન કોમ્યુનિકેશન લાઇન અને એફએએની સિસ્ટમને ભારે નુકસાન પહોંચ્યું હતું. યુએસ ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી સીન ડફીએ માહિતી આપી હતી કે ટેલિકોમ્યુનિકેશન લાઇનનું સફળતાપૂર્વક સમારકામ કરી દેવામાં આવ્યું છે અને ઉત્તરપૂર્વના તમામ એરપોર્ટ પર ફ્લાઇટ સંચાલન ધીમે-ધીમે ફરી શરૂ થઈ રહ્યું છે. જોકે, આ ઘટના બાદ એફએએના એડમિનિસ્ટ્રેટર બ્રાયન બેડફોર્ડે વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ટીકા કરતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવી નિષ્ફળતાઓ રોકવા માટે નેટવર્ક ડિઝાઇનમાં મોટા ફેરફારો કરવા અનિવાર્ય છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
