<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

પાકિસ્તાનના કરાચીમાં પેરામિલિટરી ફોર્સના હેડક્વાર્ટર પર મોટો આતંકી હુમલો : પ્રચંડ કાર બ્લાસ્ટ બાદ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સામસામો ભારે ગોળીબાર : મૃત્યુઆંક મોટો હોવાની આશંકા : જુઓ વિડીયો

યુનિવર્સિટી રોડ પર આવેલી પાકિસ્તાન રેન્જર્સની ઓફિસના પ્રવેશદ્વારને સુસાઇડ બોમ્બરે નિશાન બનાવ્યું : અનેક યુનિવર્સિટીઓ અને હવામાન વિભાગની ઓફિસ નજીક આતંકીઓ છુપાયા હોવાની આશંકા વચ્ચે સૈન્યનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ

કરાચી:પાકિસ્તાનના આર્થિક પાટનગર ગણાતા કરાચી શહેરમાં શનિવારે મોડી રાત્રે એક પ્રચંડ વિસ્ફોટ અને ત્યારબાદ શરૂ થયેલા અંધાધૂંધ ગોળીબારને કારણે સમગ્ર દેશ ધ્રૂજી ઉઠ્યો છે. કરાચીના ગુલિસ્તાન-એ-જૌહર વિસ્તારમાં આવેલા પાકિસ્તાન રેન્જર્સ (પેરામિલિટરી ફોર્સ) ના હેડક્વાર્ટરને નિશાન બનાવીને આ મોટો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, આતંકવાદીઓએ પહેલા હેડક્વાર્ટરના મુખ્ય પ્રવેશદ્વાર પર વિસ્ફોટકોથી ભરેલી કાર (VBIED) દ્વારા આત્મઘાતી બ્લાસ્ટ કર્યો હતો અને ત્યારબાદ કમ્પાઉન્ડમાં ઘૂસીને સુરક્ષા દળો પર આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલા બાદ પાકિસ્તાની સેના અને આતંકીઓ વચ્ચે હજુ પણ સામસામો ભારે ગોળીબાર ચાલી રહ્યો છે, જેના કારણે આખો વિસ્તાર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો છે. આ હુમલામાં અનર્ક લોકોના મોત થયાની આશંકા સેવાય રહી છે.
 
**યુનિવર્સિટી રોડ ધણધણી ઉઠ્યો, સૈન્યની ટુકડીઓ અને બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે દોડી:**
સ્થાનિક મીડિયા ચેનલ એઆરવાય (ARY) ન્યૂઝ અને જીઓ ન્યૂઝના અહેવાલ મુજબ, આ પ્રચંડ વિસ્ફોટ યુનિવર્સિટી રોડ નજીક થયો છે, જ્યાં પાકિસ્તાન રેન્જર્સની ઓફિસ ઉપરાંત દેશની નામાંકિત યુનિવર્સિટીઓ અને પાકિસ્તાનનું હવામાન વિભાગ આવેલું છે. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને આસપાસની ઇમારતો ધ્રૂજી ઉઠી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં પાકિસ્તાની રેન્જર્સના જવાનો, સિંધ પોલીસ, એમ્બ્યુલન્સ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ચારેય તરફથી કોર્ડન કરી લીધો છે અને નાગરિકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.

**આગેવાનો એક્શનમાં: સીએમ મુરાદ અલી શાહે ત્વરિત તપાસના આદેશ આપ્યા:**
આ આતંકી હુમલાને પગલે સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. તેમણે આ ઘટના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પાસેથી સમગ્ર મામલાનો વિગતવાર અહેવાલ માંગ્યો છે. મુખ્યમંત્રી મુરાદ અલી શાહે સુરક્ષા એજન્સીઓને આતંકીઓ સામે કડક હાથે કામ લેવા અને તપાસ ઝડપી કરવા માટે કડક આદેશો જારી કર્યા છે. બીજી તરફ, ઇધી ફાઉન્ડેશન દ્વારા મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ અને બચાવ સ્વયંસેવકોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઘાયલ રેન્જર્સના જવાનોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, પરંતુ સત્તાવાર રીતે હજુ સુધી જાનમાલના નુકસાનની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

**આતંકીઓ કમ્પાઉન્ડની અંદર હોવાની આશંકા: ઓપરેશન હજુ પણ ચાલુ:**
સ્થાનિક એજન્સીઓના જણાવ્યા અનુસાર, આત્મઘાતી વિસ્ફોટ કર્યા બાદ કેટલાક હથિયારધારી આતંકવાદીઓ રેન્જર્સના કમ્પાઉન્ડની અંદર ઘૂસવામાં સફળ રહ્યા છે અને તેઓ હજુ પણ અંદર જ છુપાયેલા છે. સુરક્ષા દળો દ્વારા ક્લિયરિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને સમયાંતરે ભારે ગોળીબારનો અવાજ આવી રહ્યો છે. આ હુમલાની જવાબદારી સોશિયલ મીડિયા પર 'જમાત-ઉલ-અહરાર' નામના આતંકી સંગઠન દ્વારા લેવામાં આવી હોવાના દાવા થઈ રહ્યા છે, પરંતુ સત્તાવાર સૂત્રોએ આ બાબતને હજુ સુધી અસમર્થિત ગણાવી છે. કરાચીમાં અગાઉ પણ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલોચ લિબરેશન આર્મી (BLA) દ્વારા હુમલા કરવામાં આવ્યા છે, જેથી આઇબી અને અન્ય એજન્સીઓ આ તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.

(11:03 PM IST)