<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

પુરી રથયાત્રામાં મોટી દુર્ઘટના: ભગવાન જગન્નાથની 'પહંડી' વિધિ દરમિયાન ભારે નાસભાગ : 2ના મોત અને ૨૦૦ થી વધુ ઘાયલ

મહાપ્રભુના રથારોહણના દર્શન કરવા ઉમટેલા લાખો ભક્તોના ઘોડાપૂરમાં અચાનક અંધાધૂંધી મચી: ગ્રાન્ડ રોડ પર ચીસાચીસ અને નાસભાગ વચ્ચે અનેક મહિલાઓ અને વૃદ્ધો કચડાયા

ભુવનેશ્વર : વિશ્વવિખ્યાત પુરી રથયાત્રાના પાવન અવસરે ઓડિશાના ગ્રાન્ડ રોડ પર એક અત્યંત હૃદયદ્રાવક અને કમનસીબ દુર્ઘટના સામે આવી છે. વરસાદી માહોલ વચ્ચે લાખો ભક્તોની હાજરીમાં જ્યારે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓને રથ તરફ લાવવાની પવિત્ર 'પહંડી' વિધિ ચાલી રહી હતી, ત્યારે અચાનક ભારે નાસભાગ મચી ગઈ હતી. માર્કેટ સ્ક્વેર અને મરીચી કોર્ટ સ્ક્વેર વચ્ચે બનેલી આ ઘટનામાં ૨૦૦ થી વધુ ભક્તો કચડાઈને ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ કરૂણ હોનારતમાં એક શ્રદ્ધાળુએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ ભયાનક અકસ્માત બાહ્ય સુરક્ષા ઘેરાથી માત્ર ૫૦૦ મીટરના અંતરે સર્જાયો હતો. મહાપ્રભુ જગન્નાથની મૂર્તિને જેમ જ મંદિરમાંથી બહાર લાવવામાં આવી, કે તરત જ તેમના દર્શન કરવા અને રથને સ્પર્શ કરવા માટે ભક્તોનું મોજું ઉમટ્યું હતું અને બેકાબૂ બનેલી ભીડમાં અચાનક અંધાધૂંધી વ્યાપી ગઈ હતી. ભીડ બેકાબૂ થતાં જ લોકો એકબીજા પર પડવા લાગ્યા હતા, જેમાં સૌથી વધુ ભોગ વૃદ્ધો અને મહિલા ભક્તો બન્યા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે બચાવ ટીમો દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ, આ દુર્ઘટના વચ્ચે પણ પરંપરાગત ભક્તિભાવ સાથે રથયાત્રાની ધાર્મિક વિધિઓ આગળ વધી હતી. શંખનાદ, ઘંટ અને ઝાંઝના દિવ્ય નાદ વચ્ચે ઓડિસી નર્તકો અને લોક કલાકારોએ પ્રદર્શન કર્યું હતું અને લાખો ભક્તો "જય જગન્નાથ" ના નારા સાથે ભાવવિભોર બન્યા હતા. ૧૨મી સદીના ઐતિહાસિક જગન્નાથ મંદિરથી નીકળેલી આ યાત્રા અઢી કિલોમીટર દૂર આવેલા તેમના માસીના ઘર એટલે કે ગુંડિચા મંદિર તરફ આગળ વધી રહી છે, જે આ દેવતાઓનું પવિત્ર જન્મસ્થળ માનવામાં આવે છે.

(6:45 PM IST)