તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
યુપીમાં વિરોધ પ્રદર્શનમાં મોટી દુર્ઘટના: પુતળા દહન વખતે ભભૂકેલી જ્વાળામાં ભાજપના મહિલા ધારાસભ્ય દાઝ્યા, ચહેરાના ભાગે ગંભીર ઈજા
બહરાઇચના ધારાસભ્ય અનુપમા જયસ્વાલ નારી શક્તિ વંદન કાર્યક્રમમાં અકસ્માતનો શિકાર બન્યા; ડીઝલના કારણે આગ અચાનક ફાટી નીકળતા સર્જાઈ અફરાતફરી, લખનૌ રિફર કરાયા

બહરાઇચ : ઉત્તર પ્રદેશના બહરાઇચમાં ભાજપ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. શનિવારે બપોરે કલેક્ટર કચેરીની બહાર વિરોધ પક્ષના પુતળા સળગાવતી વખતે ભાજપના સદર બેઠકના ધારાસભ્ય અનુપમા જયસ્વાલ ગંભીર રીતે દાઝી ગયા છે. પુતળામાં અચાનક ભભૂકેલી આગની જ્વાળાઓએ ધારાસભ્યને લપેટમાં લઈ લીધા હતા, જેમાં તેમના ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનાને પગલે સ્થળ પર હાજર નેતાઓ અને કાર્યકરોમાં ભારે ગભરાટ અને અફરાતફરી મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, ભારતીય જનતા પાર્ટી દ્વારા 'મહિલા જન આક્રોશ રેલી' અને 'નારી શક્તિ વંદન' કાર્યક્રમ અંતર્ગત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ પ્રસંગે પ્રભારી મંત્રી સૂર્ય પ્રતાપ શાહી, સાંસદ ડૉ. આનંદ ગોંડ અને અન્ય ધારાસભ્યો પણ હાજર હતા. બપોરે ૨ વાગ્યાની આસપાસ જ્યારે વિરોધ પક્ષના પુતળાને આગ ચાંપવામાં આવી, ત્યારે આગ અચાનક વિકરાળ બની ગઈ હતી. ધારાસભ્ય અનુપમા જયસ્વાલ પુતળાની નજીક ઉભા હોવાથી જ્વાળાઓ સીધી તેમના ચહેરા પર ફરી વળી હતી.
મેડિકલ કોલેજમાં ઈમરજન્સી સારવાર:
ઘટના બનતાની સાથે જ સુરક્ષામાં તૈનાત પોલીસ ટીમે ધારાસભ્યને પોતાના વાહનમાં તાત્કાલિક મેડિકલ કોલેજ ખસેડ્યા હતા. હોસ્પિટલના સીએમએસ ડૉ. એમ.એમ. ત્રિપાઠીએ જણાવ્યું કે, નિષ્ણાત ત્વચારોગ વિજ્ઞાની અને સર્જનની ટીમ દ્વારા તેમની તપાસ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં તેમના ચહેરાનો લગભગ ૪ ટકા ભાગ પ્રભાવિત થયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેમની હાલત સ્થિર છે, પરંતુ વધુ સારવાર માટે તેમને લખનૌ રિફર કરવામાં આવ્યા છે.
દુર્ઘટના પાછળ ડીઝલ હોવાની શંકા:
તબીબી નિષ્ણાતો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, પુતળાને સળગાવવા માટે તેમાં અગાઉથી ડીઝલ અથવા અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થ વધુ પડતો નાખવામાં આવ્યો હોઈ શકે છે. આ કારણે જેવી આગ ચાંપવામાં આવી કે તરત જ તે બ્લાસ્ટની જેમ ફાટી નીકળી હતી. આ મામલે હવે વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે સુરક્ષા અને તકેદારીમાં ક્યાં ચૂક રહી ગઈ. આ ઘટનાના સમાચાર મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ અક્ષય ત્રિપાઠી અને એસપી વિશ્વજીત શ્રીવાસ્તવ સહિતના વરિષ્ઠ અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. હાલ ભાજપના કાર્યકરો અને સમર્થકો તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
