<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

કરોડોના બિટકોઈન કૌભાંડમાં મોટો વળાંક: કર્ણાટક સરકારે ૪ કલંકિત પોલીસ અધિકારીઓ સામે કેસ ચલાવવાની મંજૂરી ન આપી, SIT એ ચાર્જશીટમાંથી નામ હટાવ્યા!

હેકર 'શ્રીકી' ને ગોંધી રાખી ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરાવવાના ગંભીર આરોપો છતાં ગૃહ વિભાગે SIT ની ત્રણેય વિનંતીઓ ફગાવી; હવે માત્ર ખાનગી સાયબર નિષ્ણાત સામે જ ચાલશે કાનૂની લડાઈ

બેંગલુરુ : કર્ણાટકના બહુચર્ચિત અને હાઈ-પ્રોફાઈલ બિટકોઈન કૌભાંડ (Bitcoin Scam) માં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. કર્ણાટક સરકારે આ કૌભાંડમાં સંડોવાયેલા અને અગાઉ ધરપકડ કરાયેલા ચાર વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી (Prosecution) કરવાની પરવાનગી આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે. ગૃહ વિભાગના આ ચોંકાવનારા નિર્ણય બાદ, આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ કોર્ટમાં દાખલ કરેલી પોતાની આખરી ચાર્જશીટમાંથી આ ચારેય પોલીસ અધિકારીઓના નામ અને તેમની સામેના તમામ આરોપો નાછૂટકે હટાવી લેવા પડ્યા છે. સરકારના આ વલણથી કાયદાકીય વર્તુળો અને વિપક્ષમાં ભારે ચર્ચા જાગી છે.

કોણ છે આ ચાર પોલીસ અધિકારીઓ અને શું હતો આરોપ?

જે ચાર પોલીસ અધિકારીઓને સરકારે કાનૂની રક્ષણ આપીને બચાવી લીધા છે, તેમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (DySP) શ્રીધર કે. પૂજાર, ડી.એમ. પ્રશાંત બાબુ, લક્ષ્મીકાંતૈયા અને ચંદ્ર શેખરનો સમાવેશ થાય છે. આ અધિકારીઓ પર આરોપ હતો કે જ્યારે તેઓ સિટી ક્રાઈમ બ્રાન્ચ (CCB) માં ફરજ બજાવતા હતા, ત્યારે તેમણે કુખ્યાત હેકર શ્રીકૃષ્ણ રમેશ ઉર્ફે 'શ્રીકી' ને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખ્યો હતો. ત્યારબાદ આ ચારેય અધિકારીઓએ પોતાના પદનો દુરુપયોગ કરીને અને ધમકાવીને હેકર શ્રીકી પાસેથી કરોડો રૂપિયાના મૂલ્યના ડિજિટલ બિટકોઈન પોતાના તરફ ટ્રાન્સફર કરાવી લીધા હતા.

SIT ની ત્રણ-ત્રણ વિનંતીઓ સરકારે કચરાપેટીમાં નાખી

સીઆઈડી (CID) હેઠળ રચાયેલી એસઆઈટી (SIT) એ આ કેસમાં ઊંડી તપાસ કરીને ચારેય પોલીસ અધિકારીઓની ધરપકડ પણ કરી હતી, જેઓ બાદમાં જામીન પર મુક્ત થયા હતા. SIT પાસે સાક્ષીઓના મજબૂત નિવેદનો અને કૌભાંડને સાબિત કરતા ડિજિટલ તેમજ ટેકનિકલ પુરાવા પણ હતા. આ પુરાવાઓના આધારે SIT એ ગૃહ વિભાગ પાસે આ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ અદાલતમાં કેસ ચલાવવાની મંજૂરી માંગતી ત્રણ અલગ-અલગ સત્તાવાર વિનંતીઓ મોકલી હતી. પરંતુ, સરકારે આ ત્રણેય પ્રસ્તાવોને ફગાવી દઈને અધિકારીઓને ક્લીનચીટ જેવી રાહત આપી દીધી છે.

હવે માત્ર પ્રાઈવેટ સાયબર એક્સપર્ટ બનશે 'બલિનો બકરો'?

સરકારી મંજૂરી ન મળવાના કારણે લાચાર બનેલી SIT એ હવે માત્ર જીસીઆઈડી (GCID) ટેક્નોલોજીસના માલિક અને ખાનગી સાયબર ક્રાઇમ નિષ્ણાત સંતોષ કુમાર સામે જ ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટ મુજબ, સંતોષ કુમારે ચારેય પોલીસ અધિકારીઓ સાથે મળીને આ ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. સંતોષ કુમારે પોતાની કમ્પ્યુટર કુશળતાનો ઉપયોગ કરીને હેકર શ્રીકી અને તેના સાથી રોબિન ખંડેલવાલાના ક્રિપ્ટોકરન્સી વોલેટનો ગેરકાયદેસર દુરુપયોગ કર્યો હતો અને તેમાંથી કરોડો રૂપિયાના બિટકોઇન ટ્રાન્સફર કર્યા હતા. જો કે, મુખ્ય સૂત્રધાર ગણાતા પોલીસ અધિકારીઓ બચી જતાં હવે આ તપાસની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થઈ રહ્યા છે.

(8:07 PM IST)