તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
ટ્રિબ્યુનલ શરૂ થાય તે પૂર્વે જીએસટીના તમામ કેસ ઓનલાઈન કરવા માટે અધિકારીઓને આદેશ
જીએસટી લાગુ થયા બાદ અધિકારીઓ દ્વારા ઓર્ડર મેન્યુઅલી કરાતા હતા : અપીલ સહિતના કેસની કામગીરી ઓનલાઈન ઝડપથી કરી દેવા તાકીદ

મુંબઈ,તા.૩૦: જીએસટી લાગુ થયા બાદ ત્રણેક વર્ષ સુધી અપીલ સહિતના કેસમાં અધિકારીઓ દ્વારા જે પણ ઓર્ડર કરવામાં આવતા હતા તે મોટાભાગે મેન્યુઅલી જ રહેતા હતા. હવે જ્યારે આગામી દિવસોમાં જીએસટી ટ્રિબ્યૂનલ શરૂ કરવામાં આવનાર છે ત્યારે તમામ કામગીરી ઓનલાઈન જ થવાની છે. આ કારણોસર જૂના જે પણ કેસ ઓનલાઈન બતાવવામાં આવ્યા નથી તે તમામ કેસ અને તેને લગતા ઓર્ડર ઓનલાઇન કરવાની પ્રક્રિયા ઝડપથી પૂરી કરી દેવામાં આવે તે માટેના આદેશ કરવામાં આવ્યા છે.
જીએસટી ટ્રિબ્યૂનલમાં તમામ કેસની સુનાવણી અને તેને લગતા ઓર્ડર ઓનલાઇન જ કરવામાં આવનાર છે. તેમાં કરદાતાએ રૂબરૂ પણ આવવું નહીં પડે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે. પરંતુ જીએસટીનો કાયદો લાગુ થયા બાદ અધિકારીઓ દ્વારા જે પણ ઓર્ડર કરવામાં આવ્યા તે ઓનલાઇન કરવામાં આવ્યા નહોતા. હવે આ ઓર્ડરની સામે કરદાતા દ્વારા અપીલ કરવામાં આવી હોય અને અપીલ બાદ હાઇકોર્ટમાં પણ ગયા હોય તેવા કિસ્સામાં મેન્યુઅલી જ કામગીરી કરવામાં આવી રહી હતી. હવે જ્યારે તમામ કામગીરી ઓનલાઇન કરવામાં આવનાર છે. તેમાં પણ જૂના કેસ અપીલ બાદ ટ્રિબ્યૂનલમાં આવનાર છે. પરંતુ તેની વિગતો ઓનલાઇન નહીં હોવાના કારણે અપીલમાં આવ્યા હોય તે સહિતના તમામ કેસની વિગતો ઓનલાઈન જોવા મળે તેવી વ્યવસ્થા કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે. તેમજ આ કામગીરી ઝડપથી પૂરી કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. જોકે જાણકારોના કહેવા પ્રમાણે આ કામગીરી કરવામાં અધિકારીઓને પરસેવો પડવાનો છે. કારણ કે જૂના કેસમાં મોટાભાગના ઓર્ડર થઇ ગયા બાદ તેની ફાઇલો શોધીને ઓનલાઇન અપલોડ કરવામાં ભારે મથામણ કરવી પડે તેમ છે. સાથે સાથે કામગીરી નહીં કરવા માટે કેટલાક અધિકારીઓ નીતનવા બહાના પણ આપે તેવી પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
