<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

ડિઝાઇન ક્ષેત્રની ક્ષમતાને કારકિર્દીલક્ષી બનાવવી એ સમયની તાતી જરૂરિયાત : ગાંધીનગર NID ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ‘ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટર’નું લોકાર્પણ

ક્રિકેટમાં IPLની જેમ ડિઝાઇન પ્રતિભાઓને આર્થિક-વ્યાવસાયિક પ્લેટફોર્મ આપવા NIDમાં નવો વિભાગ શરૂ કરવા અમિતભાઈ શાહનું મહત્વનું સૂચન : પ્રધાનમંત્રીના ‘ડિઝાઇન ઇન ઇન્ડિયા, ડિઝાઇન ફોર ધ વર્લ્ડ’ મંત્રથી ભારત ગ્લોબલ હબ બનશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિ

ગાંધીનગર : ગાંધીનગર સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) ખાતે નવનિર્મિત ‘ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટર’નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગરિમાપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે કેમ્પસની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, NID એ માત્ર એક શૈક્ષણિક સંસ્થા નથી પરંતુ રચનાત્મકતા, ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતાને એક તાંતણે બાંધતી દેશની સર્વોચ્ચ સંસ્થા છે.

 

ડિઝાઇન એ જગ્યાના શ્રેષ્ઠ ઉપયોગ અને લોકઉપયોગિતાનું વિજ્ઞાન: અમિતભાઈ શાહ:

વર્ષ ૧૯૬૧માં અમદાવાદમાં NIDની સ્થાપનાના ઐતિહાસિક ઉદ્દેશ્ય અંગે વાત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, સામાન્ય રીતે ગુજરાતીઓ વ્યાપાર-રોજગાર સાથે જોડાયેલા હોવાની છાપ ધરાવે છે, છતાં ગુજરાતમાં આ સંસ્થા સ્થાપવા પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે દરેક વ્યક્તિમાં રહેલી આંતરિક ડિઝાઇનની ક્ષમતાને મજબૂત પ્લેટફોર્મ મળે. ડિઝાઇન એ માત્ર કોઈ વસ્તુની આકર્ષક રજૂઆત પૂરતી સીમિત નથી, પરંતુ તે જગ્યાનો શ્રેષ્ઠ ઉપયોગ અને લોકઉપયોગિતા વધારવાનું વિજ્ઞાન છે.

 

ક્રિકેટનું ઉદાહરણ આપતા તેમણે ભૂતકાળના સંસ્મરણો વાગોળ્યા હતા કે, "ભૂતકાળમાં સુનીલ ગાવસ્કર જેવા મહાન ખેલાડીઓને પણ ટેસ્ટ મેચ દીઠ ખૂબ ઓછું વળતર મળતું, જેના કારણે માતા-પિતા બાળકોને ક્રિકેટ રમતા રોકતા હતા. પરંતુ આઇપીએલ (IPL) આવ્યા પછી ક્રિકેટ એક શાનદાર કરિયર બની ગયું છે. NID અને ડિઝાઇન ક્ષેત્રે પણ આ જ પ્રકારની વ્યાવસાયિક ક્ષમતા બહાર લાવવાની જરૂર છે."

 

તેમણે સંસ્થામાં પ્રદર્શન દરમિયાન ભારતીય ડિઝાઇનર નિતિન બોસ દ્વારા ડિઝાઇન કરાયેલી ગાડીઓનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, આપણા દેશમાં ટેલેન્ટની કોઈ કમી નથી. જો આ જ ડિઝાઇન જાપાનના કોઈ ડિઝાઇનરે કરી હોત તો તેને મળનાર વૈશ્વિક એક્સપોઝર અલગ સ્તરનું હોત. આ ખાઈને પૂરવા માટે તેમણે NID મેનેજમેન્ટને સૂચન કર્યું કે, સંસ્થામાં ડિઝાઇનર્સની સાથે તેમના કામનું વ્યાવસાયિકીકરણ કરી શકે તેવા નિષ્ણાતોનો એક અલગ વિભાગ શરૂ કરવો જોઈએ. તેમણે વર્ષ 1982માં પોતાની પાટણ મુલાકાતને યાદ કરી ‘પાટણના પટોળા’ની ડિઝાઇન પાછળના વૈજ્ઞાનિક અભિગમની પ્રશંસા કરી ઉમેર્યું કે, આજે હાઇ-ટેક સેક્ટર, સેમિકન્ડક્ટર અને ચીપ ડિઝાઇનથી લઈ સોસાયટીના દરેક ક્ષેત્રમાં ડિઝાઇનનું વિસ્તરણ અત્યંત અનિવાર્ય છે.

 

વર્ષ ૨૦૨૫માં NID માં વિદ્યાર્થીઓની સંખ્યા વધીને ૪૦૦થી વધુ થઈ - મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ:

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, ૨૧મી સદીમાં ક્રિએટીવિટી, ઈનોવેશન અને ડિઝાઇનથી જ રાષ્ટ્ર વૈશ્વિક પ્રતિસ્પર્ધામાં આગળ વધી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી હવે ડિઝાઇન માત્ર એક વિષય જ નહિ, પરંતુ ‘મેક ઇન ઇન્ડિયા’, ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત’ જેવા અભિયાનનું અમૂલ્ય અંગ બન્યું છે. રાજ્ય સરકાર યુવા શક્તિના ટેલેન્ટને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છે. રાજ્યના નાગરિકોના ડીએનએમાં જ સાહસિકતા હોવાથી ગુજરાતમાં આજે ૧૬ હજાર સ્ટાર્ટઅપ કાર્યરત છે, જેના કારણે રાજ્યને ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’નો એવોર્ડ મળ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશેષ પ્રસંગ ટાંકતા જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળતાની સાથે જ સંસદમાં સૌથી પહેલું બિલ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ડિઝાઇન એક્ટ, ૨૦૧૪’ પસાર કરાવીને NIDને ‘ઇન્સ્ટીટ્યૂટ ઑફ નેશનલ ઇમ્પોર્ટેન્સ’નો દરજ્જો આપ્યો હતો. વર્ષ ૨૦૦૦માં NIDમાં માત્ર ૩૫ સ્ટુડન્ટ ગ્રેજુએશન કરી રહ્યા હતા, જ્યારે વર્ષ ૨૦૨૫માં આ સંખ્યા વધીને ૪૦૦થી વધુ થઈ છે. પ્રધાનમંત્રીના ‘ડિઝાઇન ઇન ઇન્ડિયા, ડિઝાઇન ફોર ધ વર્લ્ડ’ના મંત્રથી ભારત વિશ્વનું ડિઝાઈન હબ બનશે. દેશમાં એક દશક પહેલા માત્ર ૫૦૦થી પણ ઓછા સ્ટાર્ટઅપ હતા જે વધીને આજે લગભગ ૨ લાખ થયા છે. આ કેન્દ્ર ‘ચિપથી લઈને શિપ સુધી’ની ડિઝાઇનના નિર્માણમાં મહત્વપૂર્ણ માધ્યમ બનશે.

 

ડ્રીમ બિગ, ડિઝાઇન બોલ્ડ અને વોકલ ફોર લોકલનો મંત્ર અપનાવો: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ:

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારત આજે આત્મવિશ્વાસ સાથે વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ભારત આજે વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે. તેમણે ઇતિહાસનું ઉદાહરણ આપતા કહ્યું કે દિલ્હીના કુતુબ મિનાર પાસેનો આયર્ન પિલર સદીઓ પછી પણ કાટમુક્ત રહ્યો છે, જે આપણો પ્રાચીન વારસો દર્શાવે છે. વર્તમાન સરકારે યુવાનોને રોજગાર શોધનારાને બદલે રોજગાર આપનારા બનાવ્યા છે. તેમણે NIDના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ મહિન્દ્રાની ઇલેક્ટ્રિક કારની ડિઝાઇન અને અન્ય પ્રોડક્ટ્સની મુલાકાત લીધી હતી. મંત્રી પીયૂષ ગોયલે યુવા પેઢીને ત્રણ મુખ્ય આહવાન કર્યા હતા જેમાં મોટા લક્ષ્યો રાખી હિંમતપૂર્વક ડિઝાઈનિંગ કરવું (ડ્રીમ બિગ, ડિઝાઇન બોલ્ડ), સેમિકન્ડક્ટર, AI અને સ્પેસ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવું તેમજ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા 'વોકલ ફોર લોકલ'ના મંત્રને અપનાવવો.

 

ટૂંક સમયમાં પૂર્વ ભારતમાં દેશનું છઠ્ઠું NID શરૂ કરાશે:

કાર્યક્રમની શરૂઆતમાં NID ગવર્નીગ કાઉન્સિલના અધ્યક્ષ જયપ્રકાશ શિવહરેએ સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, હાલમાં દેશમાં પાંચ NID કાર્યરત છે અને આ વર્ષના બજેટમાં પૂર્વ ભારતમાં નવી સંસ્થાની જાહેરાત સાથે ટૂંક સમયમાં છઠ્ઠું NID પણ શરૂ થશે. નવનિર્મિત ઇન્ક્યુબેશન સેન્ટર દેશના ૨ લાખથી વધુ સ્ટાર્ટ-અપ્સને પ્લેટફોર્મ પૂરું પાડશે. અંતમાં NIDના ડાયરેક્ટર ડો. અશોક મંડલે આભાર દર્શન કરતા માહિતી આપી હતી કે, મહાનુભાવોના સૂચનોને ધ્યાનમાં લઈને સંસ્થા દ્વારા સોમનાથ અને અંબાજી જેવા મહત્વના તીર્થ સ્થાનો માટે ખાસ સસ્ટેનેબલ પેકેજીંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આમંત્રિત શ્રેષ્ઠીઓ, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:18 PM IST)