<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

મેલોનીનો ટ્રમ્પ પર પલટવાર: "તમારી મિત્રતાના કારણે મારી લોકપ્રિયતા વધી નથી, પોતાના કામ પર ધ્યાન આપો!"

ફ્રાન્સમાં G7 સમિટ દરમિયાન ફોટો પડાવવાની વિનંતી અને ઈરાન વિવાદ પર ટ્રમ્પના દાવાઓથી ઇટાલી લાલચોળ : પીએમ જ્યોર્જિયા મેલોનીએ ટ્રમ્પના અહંકારને તોડી સાર્વભૌમત્વનો પાઠ ભણાવ્યો

રોમ :   અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચેનો રાજદ્વારી ગરમાવો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં ફ્રાન્સમાં યોજાયેલી G7 બેઠક બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ "ટ્રુથ સોશિયલ" પર એક વિવાદાસ્પદ દાવો કર્યો હતો કે, ઇટાલીમાં મેલોનીની ઘટતી લોકપ્રિયતાને બચાવવા માટે તેણીએ વારંવાર તેમની સાથે ફોટોગ્રાફ્સ પડાવવાની વિનંતી કરી હતી. ટ્રમ્પના આ અહંકારભર્યા નિવેદન પર આકરા પ્રહારો કરતા ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ સણસણતો જવાબ આપ્યો છે. મેલોનીએ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું છે કે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પ, આ સતત અને ઉશ્કેરણી વિનાના હુમલાઓ સંપૂર્ણપણે અર્થહીન છે. મારી લોકપ્રિયતા તમારા મિત્ર બનવા પર કે તમારી સાથેના સંબંધો પર બિલકુલ નિર્ભર નથી."

મેલોનીએ ટ્રમ્પને આંતરરાષ્ટ્રીય મંચ પર અરીસો બતાવતા લલકાર્યા હતા કે, ઇટાલી એક સાર્વભૌમ દેશ છે અને તેની લોકપ્રિયતા ઇટાલીના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાની તેમની ક્ષમતા પર આધારિત છે. તેમણે અમેરિકાને ટોણો મારતા સલાહ આપી હતી કે ટ્રમ્પે બીજા દેશોના નેતાઓ પર કાદવ ઉછાળવાને બદલે પોતાના દેશ અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો કે, મેલોનીએ એ વાતની પણ ખાતરી આપી હતી કે ઇટાલીમાં અમેરિકી લશ્કરી થાણાઓ અંગેના કરારોનું તેઓ સન્માન કરે છે અને જ્યાં સુધી તેઓ વડાપ્રધાન પદ પર છે ત્યાં સુધી તેનું ઉલ્લંઘન થઈ શકે નહીં. ટ્રમ્પના આ અપમાનજનક નિવેદનથી સમગ્ર ઇટાલીમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે, જેના વિરોધમાં ઇટાલીના વિદેશ પ્રધાને પોતાની નિર્ધારિત અમેરિકાની સત્તાવાર મુલાકાત પણ તાત્કાલિક ધોરણે રદ કરી દીધી છે.

વાસ્તવમાં, આ સમગ્ર વિવાદ પાછળ અમેરિકાની ઈરાન નીતિ જવાબદાર છે. ટ્રમ્પે આક્ષેપ કર્યો હતો કે ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવતા રોકવાના અમેરિકાના મિશનમાં ઇટાલીએ સપોર્ટ નહોતો કર્યો, એટલું જ નહીં અમેરિકા નાટો (NATO) સાથીઓની સુરક્ષા માટે અબજો ડોલર ખર્ચે છે છતાં ઇટાલીએ યુએસ સૈન્યને પોતાના રનવે કે લેન્ડિંગ સ્ટ્રીપ્સ વાપરવાની મંજૂરી આપી ન હતી. ટ્રમ્પનું માનવું છે કે હવે જ્યારે અમેરિકાએ ઈરાનને સૈન્ય મોરચે હરાવ્યું છે, ત્યારે મેલોની પોતાની રાજકીય શાખ બચાવવા જૂની મિત્રતાનો દેખાડો કરી રહી છે. સામે પક્ષે, ઇટાલીએ દેશના સ્વાભિમાન સાથે કોઈ સમાધાન ન કરવાની નીતિ અપનાવી ટ્રમ્પના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે, જેનાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ભારે ખટાશ આવી ગઈ છે.

(9:58 PM IST)