<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

મમતા બેનર્જીનો ભાજપને પડકાર: "મને ચૂપ કરાવવી હોય તો મારી હત્યા કરવી પડશે, હું ઝૂકવાની નથી"

​તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક બળવા અને નેતાઓના પક્ષપલટા વચ્ચે મમતા બેનર્જીએ આક્રમક તેવર સાથે ભાજપ પર સાધ્યું નિશાન: પક્ષના બળવાખોર નેતાઓને ગણાવ્યા 'ગદ્દાર'

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં અત્યાર સુધીના સૌથી ગંભીર ગણાતા રાજકીય સંકટ વચ્ચે, તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટ શબ્દોમાં ભાજપને પડકાર ફેંક્યો છે. લાંબા સમયની મૌન બાદ એક વીડિયો સંદેશ મારફતે મમતા બેનર્જીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "જો મને ચૂપ કરાવવી હોય, તો તમારે મારી હત્યા કરવી પડશે. હા, તમે મને ખતમ કરવા માટે કોઈ કસર છોડી નથી."

​બળવાખોરો સામે લાલઘૂમ મમતા

રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ ટીએમસીમાં વધતા જઈ રહેલા આંતરિક વિખવાદ અને નેતાઓના રાજીનામાના દોર વચ્ચે મમતા બેનર્જીએ બળવાખોર ધારાસભ્યો અને સાંસદોને 'ગદ્દાર' ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, જે નેતાઓ પક્ષના ચૂંટણી ચિહ્ન પર જીત્યા અને હવે ભાજપના ઈશારે પક્ષને તોડવાનું કામ કરી રહ્યા છે, તે લોકોએ જો હિંમત હોય તો ખુલ્લેઆમ ભાજપમાં જોડાઈ જવું જોઈએ. મમતાએ સ્પષ્ટ કર્યું કે ટીએમસી નેતાઓ માટે નહીં, પણ પાયાના કાર્યકર્તાઓ માટે છે અને તેઓ આવા દબાણ સામે ક્યારેય ઝૂકશે નહીં.

​પક્ષના મથક પર કબજાનો આરોપ

તાજેતરમાં ચંદ્રીમા ભટ્ટાચાર્ય જેવા વરિષ્ઠ નેતાઓના રાજીનામા અને રિતાબ્રત બેનર્જીના નેતૃત્વમાં બળવાખોર જૂથ દ્વારા ટીએમસી ભવન પર કબજો જમાવવાના પ્રયાસોને પગલે મમતા બેનર્જીએ આકરા પગલાં લીધા છે. તેમણે જાહેરાત કરી છે કે હવેથી તેઓ પોતે પક્ષના રાજ્ય એકમનું સંચાલન કરશે અને તેમનું નિવાસસ્થાન જ પક્ષનું મુખ્ય કાર્યાલય ગણાશે. આ સાથે જ મદન મિત્રા અને કુણાલ ઘોષને રાજ્ય મહાસચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

​ભાજપ પર 'રાજ્ય આતંક'નો આક્ષેપ

મમતા બેનર્જીએ ભાજપ સરકાર પર 'રાષ્ટ્રીય સંત્રાસ' (રાજ્ય આતંક) ફેલાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે, ભાજપ દ્વારા ટીએમસીના મહુઆ મોઇત્રા, અભિષેક બેનર્જી અને કલ્યાણ બેનર્જી જેવા નેતાઓ પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં, જે કાર્યકર્તાઓને જેલમાં પૂરવામાં આવ્યા છે તેમની સાથે અત્યંત અમાનવીય વ્યવહાર કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે.

​આગામી રણનીતિ સ્પષ્ટ

બળવાખોરો દ્વારા ચૂંટણી પંચમાં પક્ષના ચૂંટણી ચિહ્ન પર દાવો કરવાના મામલે મમતા બેનર્જી બિલકુલ વિચલિત નથી. તેમણે જણાવ્યું કે, જનતા જાણે છે કે અસલી ટીએમસી કઈ છે. તેમણે એવો પણ સંકેત આપ્યો છે કે તમામ અવરોધો છતાં ૨૧ જુલાઈના 'શહીદ દિવસ'ની ઉજવણી કરવામાં આવશે, ભલે પોલીસ પ્રશાસન તેની મંજૂરી ન આપે. મમતાએ અંતમાં પુનરોચ્ચાર કર્યો કે તેઓ આ સંઘર્ષને સ્મિત સાથે લડશે અને હાર માનશે નહીં.

(1:22 PM IST)