તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
બંગાળના જંગમાં મમતા બેનર્જીની મોટી ગર્જના: ‘અમે 226 થી વધુ બેઠકો સાથે ફરી મા, માટી અને માનુષની સરકાર બનાવીશું’, એક્ઝિટ પોલના આંકડાઓને ફગાવ્યા
મતગણતરી પહેલા કાર્યકર્તાઓને ચોવીસ કલાક EVM પર નજર રાખવા આદેશ; કેન્દ્રીય એજન્સીઓ અને ભાજપ પર પ્રહારો કરતા કહ્યું- ‘જનતાએ અત્યાચારનો જવાબ વોટથી આપી દીધો છે’

કોલકાતા:પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર 4 મેના પરિણામો પર ટકેલી છે. એક્ઝિટ પોલના વિવિધ અંદાજો વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને જીતનો મક્કમ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે તમામ પડકારો છતાં બંગાળમાં ફરી એકવાર TMCની ભારે બહુમતી સાથે સરકાર બનશે.
એક્ઝિટ પોલ પર સવાલો અને કાર્યકર્તાઓને ચેતવણી: મમતા બેનર્જીએ એક્ઝિટ પોલના આંકડાઓને નકારતા જણાવ્યું હતું કે, આ માત્ર વાતાવરણ બગાડવાનો અને કાર્યકર્તાઓના મનોબળ તોડવાનો પ્રયાસ છે. તેમણે 2016 અને 2021ના ઉદાહરણો આપતા કહ્યું કે અગાઉ પણ આવા અંદાજો ખોટા પડ્યા હતા. તેમણે ઉમેદવારો અને કાર્યકર્તાઓને અપીલ કરી છે કે, "જ્યાં સુધી મતગણતરી પૂરી ન થાય ત્યાં સુધી સતર્ક રહો. EVM મશીનો સ્ટોર રૂમથી કાઉન્ટિંગ હોલ સુધી જાય ત્યાં સુધી તેની રાત-દિવસ દેખરેખ રાખો."
પોતાના સંબોધનમાં મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે આખી સરકારી મશીનરી અને અન્ય રાજ્યોના નેતાઓએ બંગાળના લોકોને પ્રભાવિત કરવાની કોશિશ કરી હતી. તેમણે કહ્યું કે ભયંકર ગરમી અને દબાણ હોવા છતાં લોકોએ લોકશાહીમાં વિશ્વાસ બતાવીને રેકોર્ડબ્રેક મતદાન કર્યું છે, જેના માટે તેઓ બંગાળની જનતાના આભારી છે.
મમતા બેનર્જીએ દાવો કર્યો કે આ વખતે તૃણમૂલ કોંગ્રેસ 226 થી વધુ બેઠકો જીતીને નવો ઇતિહાસ રચશે. તેમણે સમર્થકોને કોઈ પણ ઉશ્કેરણીમાં આવ્યા વગર શાંતિ જાળવવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, "અમે મા, માટી અને માનુષના સિદ્ધાંત પર જ સરકાર બનાવી રહ્યા છીએ. જનતાનો ચુકાદો સર્વોપરી છે અને અત્યાચાર સામે લોકોએ પોતાનો ફેંસલો આપી દીધો છે." હવે જોવાનું એ રહેશે કે 4 મેના રોજ જ્યારે બોક્સ ખુલશે ત્યારે બંગાળની સત્તાની ચાવી કોના હાથમાં આવે છે
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
