તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
મમતા બેનર્જીનો બળવાખોરો પર પ્રચંડ પ્રહાર: "પાર્ટી સાથે ગદ્દારી એ સગી માતાને તરછોડવા સમાન"
દીદીએ પક્ષ પલટો કરનારા નેતાઓને 'દેશદ્રોહી' ગણાવી ભાજપની દમનકારી નીતિઓ સામે આરપારની જંગ છેડી : કાર્યકરોને લોહી-પરસેવાના બલિદાનની યાદ અપાવી એક થવા હાકલ કરી

કોલકાતા: તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પક્ષ છોડીને જનારા બળવાખોર નેતાઓ સામે પોતાનો અત્યાર સુધીનો સૌથી આકરો આક્રોશ ઠાલવ્યો છે. ઉત્તર કોલકાતા જિલ્લા તૃણમૂલ કોંગ્રેસની એક વર્ચ્યુઅલ બેઠક દરમિયાન ભાવુક અને આક્રમક અંદાજમાં તેમણે પક્ષ પલટુ ધારાસભ્યો, સાંસદો અને કાઉન્સિલરોને સીધા 'દેશદ્રોહી' તરીકે નવાજ્યા હતા. મમતા બેનર્જીએ એક અત્યંત સંવેદનશીલ સરખામણી કરતાં કહ્યું કે, જે પક્ષે તમને ઓળખ, સન્માન અને સત્તા આપી, તેને મુશ્કેલ સમયમાં છોડી દેવો એ પોતાની બીમાર માતાને મરવા માટે એકલી છોડી દેવા સમાન છે. તેમણે ગર્જના કરી કે આવા ગદ્દારો માટે પક્ષમાં કે જનતાના દરબારમાં કોઈ માફી નથી, આજે કદાચ તેઓ સત્તાના જોરે બચી જશે, પરંતુ ભવિષ્યમાં જનતા તેમને ક્યારેય માફ નહીં કરે.
કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા દીદીએ દેશના વર્તમાન રાજકીય વાતાવરણને અત્યંત ભયજનક ગણાવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ એજન્સીઓ અને સત્તાનો દુરુપયોગ કરીને વિપક્ષનો અવાજ દબાવી રહી છે, જેના કારણે લોકો ડરના માર્યા આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. મમતાએ દાવો કર્યો કે પક્ષ છોડીને ભાગનારા નેતાઓ કોઈ કાર્યકરોના ભલા માટે નહીં, પરંતુ પોતાની અને પોતાના પરિવારની કાળી કમાણી તથા સંપત્તિને કેસોથી બચાવવા માટે ભાજપના શરણમાં ગયા છે. તેમણે સણસણતો સવાલ કર્યો કે, "જેઓ પોતાના વિસ્તારમાં પણ ઘૂસી શકતા નથી, તે વળી કાર્યકરોને શું બચાવવાના? તેઓ માત્ર પોતાના અહંકાર અને સ્વાર્થ માટે ધર્મ અને નૈતિક મૂલ્યોનું સોદો કરી રહ્યા છે."
પોતાના સંબોધનના અંતમાં મમતા બેનર્જીએ પાયાના અને બૂથ સ્તરના કાર્યકરોને પક્ષની અસલી તાકાત ગણાવ્યા હતા. તેમણે ભાવુક થઈને કહ્યું કે, "નેતાઓ કાર્યકરોને કારણે બને છે, કાર્યકરો નેતાઓના કારણે નહીં." તેમણે પક્ષના વફાદાર સૈનિકોને યાદ અપાવ્યું કે આજે જે પણ સત્તા કે સફળતા છે તે સામાન્ય કાર્યકરોના લોહી, પરસેવા અને બલિદાનનું પરિણામ છે. આ સાથે જ તેમણે પક્ષપાતી પોલીસ તંત્ર અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સેન્સરશિપ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. હજુ પણ જે બળવાખોરોમાં થોડી ઘણી સમજણ બાકી છે તેમને ચેતવણીભરી સલાહ આપતા દીદીએ કહ્યું કે, ખોટા રસ્તે ગયેલા લોકો વહેલી તકે પાછા ફરે, નહિતર ભવિષ્યમાં તેઓ 'ઘરના રહેશે કે ઘાટના'.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
