તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 14th May 2026
મમતા બેનર્જીના ‘વકીલ’ અવતાર પર કાયદાકીય સંકટ: બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ૪૮ કલાકમાં માંગ્યો જવાબ, શું ખરેખર કાયદેસર છે તેમની પ્રેક્ટિસ?
હાઈકોર્ટમાં વકીલના ડ્રેસમાં હાજર થતા મચ્યો ખળભળાટ: ૨૦૧૧ થી ૨૦૨૬ સુધી મુખ્યમંત્રી પદ ભોગવનાર મમતાના એનરોલમેન્ટ અને પ્રેક્ટિસના રેકોર્ડ્સની તપાસના આદેશ

કોલકાતા,: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવ્યા છે. આ વખતે વિવાદ કોઈ રાજકીય રેલીને લઈને નહીં, પરંતુ તેમના વકીલ તરીકેના સ્ટેટસને લઈને છે. તાજેતરમાં મમતા બેનર્જી કલકત્તા હાઈકોર્ટમાં વકીલના ડ્રેસમાં હાજર થયા હતા, જેને પગલે ‘બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા’ (BCI) એ આકરૂ વલણ અપનાવ્યું છે અને પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલ પાસે આ મામલે ૪૮ કલાકમાં ખુલાસો માંગ્યો છે.
શું મુખ્યમંત્રી પદ દરમિયાન પ્રેક્ટિસ સસ્પેન્ડ કરી હતી?
BCI ના મુખ્ય સચિવ શ્રીમંતો સેને રાજ્ય બાર કાઉન્સિલને લખેલા પત્રમાં અનેક તીખા સવાલો કર્યા છે. મમતા બેનર્જી ૨૦૧૧ થી ૨૦૨૬ સુધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદે રહ્યા હતા. નિયમ મુજબ, જ્યારે કોઈ વકીલ કોઈ બંધારણીય કે સરકારી હોદ્દો સંભાળે, ત્યારે તેણે પોતાની વકીલાતની પ્રેક્ટિસ સ્વૈચ્છિક રીતે સસ્પેન્ડ કરવી પડે છે. BCI એ પૂછ્યું છે કે શું મમતા બેનર્જીએ મુખ્યમંત્રી બનતા સમયે આવી કોઈ જાણ કરી હતી? અને શું પદ છોડ્યા બાદ ફરીથી પ્રેક્ટિસ શરૂ કરવાની કોઈ ઔપચારિક મંજૂરી લીધી હતી?
મૂળ રેકોર્ડ્સ સાથે છેડછાડ ન કરવાની કડક સૂચના
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આ મામલે અત્યંત ગંભીરતા દાખવી છે. તેમણે રાજ્ય કાઉન્સિલને આદેશ આપ્યો છે કે મમતા બેનર્જીના નોંધણી (Registration) નંબર અને વકીલોની યાદીમાં તેમના નામ સંબંધિત તમામ મૂળ રેકોર્ડ્સને કોઈપણ ફેરફાર કે સુધારા વગર સાચવી રાખવામાં આવે. આ સાથે જ તમામ સહાયક દસ્તાવેજોની પ્રમાણિત નકલો પણ ૧૬ મે સુધીમાં સબમિટ કરવાનો આદેશ આપ્યો છે.
મતદાન પછીની હિંસાના કેસમાં લડવા પહોંચ્યા હતા કોર્ટ
ઉલ્લેખનીય છે કે, આજે વહેલી સવારે મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસના સમર્થકો વિરુદ્ધ નોંધાયેલા મતદાન પછીની હિંસાના કેસોમાં દલીલ કરવા માટે કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. તેઓ વકીલના કાળા કોટ અને બેન્ડમાં જોવા મળતા કોર્ટરૂમમાં હાજર લોકો અને કાયદાકીય નિષ્ણાતો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
૪૮ કલાકનું અલ્ટીમેટમ અને ભાવિ મુશ્કેલીઓ
જો ૧૬ મે સુધીમાં પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલ સંતોષકારક દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહેશે, તો મમતા બેનર્જીની વકીલાત કરવાની ક્ષમતા પર મોટું પ્રશ્નાર્થ ચિહ્ન લાગી શકે છે. કાયદાના નિષ્ણાતોનું માનવું છે કે વ્યાવસાયિક આચરણ અને કોર્ટરૂમ પ્રોટોકોલના ભંગ બદલ કડક કાર્યવાહી પણ થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે મમતા બેનર્જી અને તેમની કાયદાકીય ટીમ આ ‘નોટિસ’ નો સામનો કેવી રીતે કરે છે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
