News of Wednesday, 6th May 2026
મમતાના તેવર: ‘હું રાજીનામું નહીં આપું, હિંમત હોય તો બરતરફ કરો’, બંગાળની જંગ હવે સુપ્રીમ કોર્ટના દ્વારે
હાર છતાં મમતા બેનર્જીનો વિદ્રોહ, ધારાસભ્યોને કાળા વસ્ત્રો પહેરવા આદેશ અને ચૂંટણી પંચ પર ‘મેન્ડેટ ચોરી’ના ગંભીર આક્ષેપો સાથે દિલ્હી સર કરવાની નવી રણનીતિ

કોલકાતા: પશ્ચિમ બંગાળની સત્તા ગુમાવ્યા બાદ પણ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી નમવા તૈયાર નથી. નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથેની બેઠકમાં મમતાએ સ્પષ્ટ શબ્દોમાં બળવો પોકારતા કહ્યું કે, તેઓ રાજીનામું આપશે નહીં અને કેન્દ્ર સરકાર જો ઈચ્છે તો તેમને બરતરફ કરીને રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે. તેમણે ભાજપ પર ‘લોકશાહીની ચોરી’ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, આ હાર નથી પણ જનાદેશ છીનવી લેવાનું ષડયંત્ર છે. વિધાનસભાના પ્રથમ દિવસે તમામ TMC ધારાસભ્યોને કાળા વસ્ત્રો પહેરીને વિરોધ નોંધાવવા સૂચના આપવામાં આવી છે, જે બંગાળના રાજકારણમાં મોટા સંઘર્ષના એંધાણ આપે છે.
મમતા બેનર્જીએ માત્ર મૌખિક વિરોધ જ નહીં, પરંતુ કાનૂની જંગ છેડવાની પણ તૈયારી કરી લીધી છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપે ચૂંટણી પંચની મિલીભગતથી મતદાર યાદીમાંથી ૯૦ લાખ નામો કાઢી નાખ્યા હતા, જેમાંથી કોર્ટની દરમિયાનગીરી બાદ ૩૨ લાખ નામો પાછા ઉમેરાયા હતા. આ મામલે તેઓ હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની તૈયારી કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, મમતા બેનર્જી અને ચંદ્રિમા ભટ્ટાચાર્ય જેવા નેતાઓ હવે સક્રિય રીતે કોર્ટમાં પોતાની વકીલાતની પ્રેક્ટિસ પણ ફરી શરૂ કરશે, જેથી તેઓ ભાજપ સામે કાનૂની મોરચે લડત આપી શકે.
હારના આઘાત વચ્ચે પણ મમતાએ 'દિલ્હી' જીતવાનો પોતાનો ઈરાદો સ્પષ્ટ રાખ્યો છે. તેમણે ધારાસભ્યોને સંબોધતા કહ્યું કે, "હું હવે એક મુક્ત પક્ષી છું" અને તેમનું પ્રાથમિક લક્ષ્ય હવે રાષ્ટ્રીય સ્તરે 'ભારત' (INDIA) ગઠબંધન સાથે મળીને લડવાનું છે. નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણના દિવસે તૃણમૂલ કાર્યાલયમાં રવીન્દ્ર સંગીત વગાડીને મૌન વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે. પાર્ટીમાં જે લોકોએ દગો કર્યો છે તેમને હાંકી કાઢવાની ચીમકી સાથે મમતાએ પોતાના કાર્યકરોને મતવિસ્તારમાં રહીને કોઈપણ હિંસાનો મજબૂતીથી સામનો કરવાની સૂચના આપી છે.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
