તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
મમતાનો હુંકાર: "બંગાળમાં TMC 200ને પાર, રાતના 2 વાગ્યા સુધી મેદાન છોડશો નહીં"
એક્ઝિટ પોલને શેરબજારનું કાવતરું ગણાવી મમતાએ કાર્યકરોને આપ્યો વિજય મંત્ર : છેલ્લી ઘડી સુધી મતગણતરી કેન્દ્રો પર સજ્જ રહેવા અને જરૂર પડે તો પુનઃગણતરીની માંગ કરવા એજન્ટોને કડક આદેશ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં મતગણતરી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક્ઝિટ પોલના આંકડાઓને સંપૂર્ણપણે ફગાવી દઈને દાવો કર્યો છે કે તૃણમૂલ કોંગ્રેસ (TMC) 200 થી વધુ બેઠકો સાથે ભવ્ય વિજય મેળવશે. તેમણે કાર્યકરોને ચેતવતા કહ્યું કે એક્ઝિટ પોલ એ માત્ર શેરબજારમાં છેડછાડ કરવાનું અને રોકાણકારોને પ્રભાવિત કરવાનું કાવતરું છે. મમતાએ પોતાના એજન્ટોને સ્પષ્ટ સૂચના આપી છે કે જ્યાં સુધી અંતિમ વિજય પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી, ભલે રાતના 2 વાગી જાય, પણ ગણતરી કેન્દ્ર છોડવું નહીં.
ગણતરીના દિવસે થનારી સંભવિત અનિયમિતતાઓને ધ્યાનમાં રાખીને મમતાએ રણનીતિ ઘડી છે. તેમણે એજન્ટોને આદેશ આપ્યો છે કે જો કોઈ બેઠક પર 200-300 મતોના નજીવા તફાવતથી હાર દેખાય, તો તુરંત જ પુનઃગણતરી ની માંગણી કરવી. મમતાના મતે, છેલ્લી ઘડી સુધી સતર્ક રહેવું અનિવાર્ય છે કારણ કે વિપક્ષ ગમે તેટલી યુક્તિઓ અજમાવી શકે છે. આ બેઠકમાં અભિષેક બેનર્જીએ પણ કેન્દ્રીય દળો પર મહિલાઓ અને બાળકોને ડરાવવાનો ગંભીર આરોપ લગાવીને આક્રમક તેવર બતાવ્યા હતા.
બંગાળની આ ચૂંટણી માત્ર સત્તા મેળવવાની લડાઈ નથી, પરંતુ મમતા બેનર્જી માટે અસ્તિત્વનો જંગ બની ગઈ છે. તેમણે ૨૦૨૧ અને ૨૦૨૪ના પરિણામોનો હવાલો આપીને કાર્યકરોમાં જોશ પૂર્યો કે અગાઉ પણ આવા જ ભ્રામક દાવાઓ ખોટા સાબિત થયા હતા. હવે બંગાળની જનતાનો જનાદેશ કોના પક્ષમાં જશે તેના પર આખા દેશની નજર છે, પરંતુ મમતાના આત્મવિશ્વાસે રાજકીય પંડિતોને પણ વિચારતા કરી દીધા છે.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
