<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

ભવાનીપુરના રણમેદાનમાં મમતા અને સુવેન્દુનો 'આમને-સામને' જંગ: એક જ બૂથ પર બંને દિગ્ગજો ટકરાયા, ભાજપ નેતાએ કહ્યું- "દીદીના ચહેરા પરનો આ ડર જોઈને આનંદ થયો"

"પોલીસ નથી એટલે મમતા બેનર્જી ગભરાઈ ગયા છે, તેઓ 30 હજાર મતોથી હારશે" - સુવેન્દુ અધિકારીનો પ્રહાર; કેન્દ્રીય દળો અને ચૂંટણી પંચ ભાજપના ઈશારે નાચતા હોવાનો મુખ્યમંત્રીનો વળતો આક્ષેપ

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન આજે ભવાનીપુર બેઠક પર રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો હતો. આ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. મતદાનની પ્રક્રિયા દરમિયાન એક એવો સમય આવ્યો જ્યારે આ બંને કટ્ટર હરીફો એક જ બૂથ પર સામસામે આવી ગયા હતા, જેના કારણે ત્યાં હાજર સમર્થકો અને સુરક્ષા દળોમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.
ચક્રબેરિયાના એક પોલિંગ બૂથની બહાર મમતા બેનર્જી એક ઘરમાં બેઠા હતા, ત્યારે બરાબર તેની સામે જ સુવેન્દુ અધિકારી આવી પહોંચ્યા હતા. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ અને કેન્દ્રીય દળો જાણીજોઈને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરી રહ્યા છે અને તેમના પોસ્ટરો હટાવી રહ્યા છે. દીદીને આ રીતે બૂથ પર બેઠેલા જોઈને સુવેન્દુ અધિકારીએ કટાક્ષ કરતા કહ્યું કે, "મમતા બેનર્જીનો આ ડર જોઈને સારું લાગી રહ્યું છે. આજે તેમની પાસે પોતાની પોલીસ નથી, એટલે તેઓ ગભરાઈ ગયા છે. તેઓ અહીં 50-60 લોકોને લઈને આવ્યા હતા, પણ જનતાને જોઈને બધા ભાગી ગયા." સુવેન્દુએ દાવો કર્યો હતો કે મમતા બેનર્જી આ વખતે 30 હજાર મતોથી ચૂંટણી હારવાના છે.
બીજી તરફ, મમતા બેનર્જીનો પિત્તો ગયો હતો અને તેમણે કેન્દ્રીય દળો પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, "બધું જ ભાજપના ઈશારે થઈ રહ્યું છે. ચૂંટણી પંચ ખુલ્લેઆમ અમને પરેશાન કરી રહ્યું છે અને બહારથી નિરીક્ષકોને લાવીને મતદારોમાં આતંક ફેલાવવામાં આવી રહ્યો છે. અમે આ બાબતે કોર્ટમાં નોટિસ પણ મોકલી છે." મમતાએ વધુમાં ઉમેર્યું કે ભાજપ સત્તાના જોરે બંગાળની જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે ક્યારેય સફળ થશે નહીં.
ભવાનીપુરની આ સીટ પરના જંગે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. બીજા તબક્કાની 142 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે મમતા અને સુવેન્દુ વચ્ચેની આ શાબ્દિક અથડામણે ચૂંટણીના માહોલને વધુ ગરમાવ્યો છે. એક સમયે મમતાના ખાસ ગણાતા સુવેન્દુ અધિકારી હવે તેમને જ તેમના ગઢમાં પડકાર આપી રહ્યા છે, ત્યારે ભવાનીપુરની જનતા કોના પક્ષમાં પોતાનો જનાદેશ આપે છે તે જોવું રસપ્રદ રહેશે. બંને નેતાઓ અત્યારે પણ ફિલ્ડમાં છે અને પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે.

(6:50 PM IST)