<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

મુઝફ્ફરનગરમાં ‘મમતા’નો અનોખો અને ભયાનક અંદાજ: સંતાન ગુમાવનાર વાંદરીએ ૩ મહિનાના માસૂમને ૨ કલાક સુધી બનાવ્યો ‘બંદી’, ફિલ્મી ઢબે થયો બચાવ

માતાના કાળજાનો કટકો વાંદરીના કબ્જામાં જોઈ આખું ગામ ફફડ્યું: લાકડીઓ કે ખાવાનું નહીં, પણ મોબાઈલ વીડિયો બતાવીને વન્યજીવ પ્રેમીઓએ બાળકને ઉગાર્યો, વાંદરીની કરુણ કહાની જાણી સૌની આંખો ભીની થઈ

મુઝફ્ફરનગર, તા.૨૨: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના ચરથાવલ શહેરમાં મંગળવારે બપોરે એક એવી ઘટના બની જેણે માનવતા અને પ્રાણીજગત વચ્ચેની સંવેદનાની સીમાઓ ઓગાળી દીધી. એક માદા વાંદરીએ ૩ મહિનાના શિશુને પોતાના કબ્જામાં લઈ લેતા આખા વિસ્તારમાં ભારે તણાવ અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો. આ અસામાન્ય ઘટનાનો વીડિયો આજે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

જ્યારે ‘કાળ’ બનીને આવી મમતા

બપોરે ૨ વાગ્યાની આસપાસ જ્યારે ગુલિસ્તા નામની મહિલા ઘરના કામમાં વ્યસ્ત હતી અને તેનો ૩ મહિનાનો પુત્ર પલંગ પર સૂતો હતો, ત્યારે અચાનક છત પરથી એક વાંદરી ઘરમાં ઘૂસી આવી હતી. વાંદરીએ બાળકને નુકસાન પહોંચાડવાને બદલે તેને વહાલ કરવાનું શરૂ કર્યું. જ્યારે બાળકની માતા રૂમમાં પહોંચી ત્યારે આ દ્રશ્ય જોઈને તેની ચીસ નીકળી ગઈ હતી. વાંદરી જાણે પોતાનું જ સંતાન હોય તેમ બાળકને પકડીને બેસી ગઈ હતી.

લાકડીઓ નિષ્ફળ, મોબાઈલ વીડિયોએ બચાવ્યો જીવ

બાળકની માતાની બૂમો સાંભળી પડોશીઓ લાકડીઓ અને ખાવાનું લઈને દોડી આવ્યા હતા, પરંતુ વાંદરી આક્રમક બની ગઈ અને બાળકને છોડવા તૈયાર નહોતી. અંતે, પ્રાણી બચાવકર્તા સન્ની ચોપરા અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે વાંદરીનું ધ્યાન ભટકાવવા માટે એક અનોખો કીમિયો અજમાવ્યો. તેમણે મોબાઈલ ફોન પર વન્યજીવનના વીડિયો ચલાવ્યા. વાંદરી જેવી મોબાઈલમાં મશગૂલ થઈ, કે તરત જ ટીમે મોટી કુનેહથી બાળકને તેના કબ્જામાંથી ખેંચી લીધું હતું.

વાંદરીના આ વર્તન પાછળનું કરુણ કારણ

બચાવકર્તા સન્ની ચોપરાએ બાદમાં જે ખુલાસો કર્યો તે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા હતા. આ માદા વાંદરીએ માત્ર છ દિવસ પહેલા જ પોતાના બચ્ચાને ગુમાવ્યું હતું. સંતાન ગુમાવ્યાના આઘાતમાં વાંદરી ભાન ભૂલી હતી અને આ ૩ મહિનાના માનવ શિશુને જ પોતાનું બચ્ચું સમજી બેસી હતી. તે બાળકને કોઈ નુકસાન નહોતી પહોંચાડવા માંગતી, પણ માત્ર પોતાની મમતા ઠાલવવા માંગતી હતી.

સદનસીબે, ૨ કલાકના હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ બાળક સુરક્ષિત રીતે તેની માતાના ખોળામાં પરત ફર્યું છે. કુદરતના આ વિચિત્ર ખેલ અને પ્રાણીઓની સંવેદનાએ મુઝફ્ફરનગરમાં ચર્ચા જગાવી છે.

(4:53 PM IST)