તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
મણિપુર ફરી હિંસાની આગમાં સળગ્યું, ઘરો કરાયા રાખ: રાહુલ ગાંધીના પીએમ મોદી પર આકરા પ્રહારો, કહ્યું- 'આ ભાજપની વિભાજનકારી રાજનીતિનું પરિણામ!'
એક અઠવાડિયાની શાંતિ બાદ ભારત-મ્યાનમાર સરહદે કુકી અને નાગા સમુદાયો વચ્ચે લોહિયાળ ખેલ; રાષ્ટ્રપતિ શાસન હોવા છતાં સ્થિતિ બેકાબૂ બનતા વિપક્ષના નેતાએ કેન્દ્રને ઘેર્યું

ઇમ્ફાલ : પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં છેલ્લા કેટલાક સમયની શાંતિ બાદ ફરી એકવાર હિંસાનો ભયાનક દોર શરૂ થયો છે. ભારત-મ્યાનમાર સરહદ નજીકના વિસ્તારોમાં બે સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી નવી હિંસામાં અનેક ઘરોને આગ ચાંપી દેવામાં આવી છે. મણિપુરની આ વર્તમાન સ્થિતિને લઈને લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે મણિપુરમાં ચાલી રહેલી આ અવિરત હિંસા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની "વિભાજનકારી વિચારધારા" નું સીધું પરિણામ છે.
કુકી અને નાગા સમુદાયો સામસામે: સરહદી ગામો રાખમાં ફેરવાયા
બુધવારે મણિપુરના કામજોંગ જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ પર સશસ્ત્ર જૂથો વચ્ચે ભારે હિંસા ફાટી નીકળી હતી, જેણે કુકી અને નાગા સમુદાયો વચ્ચેના જૂના સંઘર્ષને ફરી સજીવન કર્યો છે. તોફાની તત્વોએ બપોરના સમયે કુકી-ઝો સમુદાયની વસાહત 'ફેમોલ' ગામ પર હુમલો કરી ઘરોને આગ લગાવી દીધી હતી. સદનસીબે, જીવ બચાવવા માટે ગ્રામજનો અગાઉથી જ અન્ય વિસ્તારમાં આશ્રય લઈ ચૂક્યા હોવાથી જાનહાનિ ટળી હતી. આ હુમલાના બદલામાં બીજા સશસ્ત્ર જૂથે તંગખુલ નાગા સમુદાયના પ્રભુત્વવાળા 'કોંગકાન થાણા' વિસ્તારને નિશાન બનાવ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય લેશિયો કીશિંગના જણાવ્યા અનુસાર, નાગા સમુદાયના ઓછામાં ઓછા ૧૨ ઘરોને નિર્દયતાથી સળગાવી દેવામાં આવ્યા છે.
બે સરકારો અને રાષ્ટ્રપતિ શાસન છતાં સ્થિતિ ઠેરની ઠેર: રાહુલ ગાંધી
મણિપુરની આ ચિંતાજનક સ્થિતિ પર ઊંડો આક્રોશ વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર હિન્દીમાં એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું, "મણિપુર વર્ષોથી સળગી રહ્યું છે અને ફરી એકવાર નફરતની આગમાં ૨૦ જેટલા ઘરો રાખ થઈ ગયા છે. રાજ્યમાં બે-બે સરકારો (ડબલ એન્જિન) અને રાષ્ટ્રપતિ શાસન હોવા છતાં આ સંઘર્ષ વધુ ને વધુ ઊંડો થતો જાય છે. હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અસંખ્ય પરિવારો બરબાદ થઈ ગયા છે. મણિપુર જે અસહ્ય પીડા ભોગવી રહ્યું છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે."
રાહુલ ગાંધીનો પીએમ મોદી પર સીધો હુમલો: "આ હિંસા એ મોદી સરકારની એ વિભાજનકારી વિચારધારાનું પરિણામ છે જે ધર્મ, જાતિ, ભાષા અને પ્રદેશના નામે લોકોને આપસમાં લડાવે છે. આજે માત્ર મણિપુર જ નહીં, પણ આખો દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી કોઈ નક્કર પગલાંની તો ઠીક, પણ સહાનુભૂતિના બે શબ્દો સાંભળવાની આશા પણ છોડી ચૂક્યો છે. મણિપુર આનાથી ઘણું બધું સારું મેળવવાને લાયક છે અને ભારતને એક રાખવું એ જ હવે આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે."
સરહદ પારથી ફંડિંગ અને હુમલાનો આક્ષેપ
રાજ્યમાં કુકી સમુદાયની સર્વોચ્ચ સંસ્થા 'કુકી ઇન્પી મણિપુર' (KIM) એ આ આગજનીની ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. તેમણે દાવો કર્યો છે કે આ હુમલાઓ મ્યાનમારની સરહદ પારથી ઓપરેટ થતા આતંકી સંગઠનો દ્વારા સ્થાનિક શાંતિ ડહોળવા માટે કરવામાં આવ્યા છે. બીજી તરફ, નાગા સંગઠનોએ પણ કુકી જૂથો પર જવાબી હુમલાના આક્ષેપો કર્યા છે. સરહદી વિસ્તારોમાં હજી પણ તણાવપૂર્ણ માહોલ છે અને સુરક્ષા દળોએ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ફ્લેગ માર્ચ શરૂ કરી દીધી છે.
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
