<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

યુકેના ડેનહેમમાં મંત્રદીક્ષા મહોત્સવ, ૐ ક્રિમેટોરિયમ ઉદ્ઘાટન અને અનુપમ મિશનના સુવર્ણજયંતી મહોત્સવનો ભવ્ય પ્રારંભ : ભક્તિમય માહોલ

સદગુરુ સાધુ પૂજ્ય અશ્વિનદાદાના ૮૫મા પ્રાગટ્ય પર્વે આધ્યાત્મિક પુસ્તિકા ‘ભગવું હૃદય’નું વિમોચન : પૂજ્ય ભુપેન્દ્રભાઈ પંડ્યા અને સંત ભગવંત સાહેબદાદાની દિવ્ય ઉપસ્થિતિમાં ઐતિહાસિક સોપાન

ડેનહેમ (UK):અનુપમ મિશન, ડેનહેમની પવિત્ર ભૂમિ પર આધ્યાત્મિક ઇતિહાસનું વધુ એક સુવર્ણ પૃષ્ઠ લખાયું છે. અહીં ગુરુ આજ્ઞા મંત્રદીક્ષા મહોત્સવ, ૐ ક્રિમેટોરિયમનો ઉદ્ઘાટન સમારંભ તથા અનુપમ મિશનના સુવર્ણજયંતી મહોત્સવનો ભવ્ય પ્રારંભ સંત ભગવંત સાહેબદાદાની દિવ્ય સંનિધિમાં સંપન્ન થયો હતો. આ પાવન પ્રસંગે સદગુરુ સાધુ પૂજ્ય અશ્વિનદાદાનો ૮૫મો પ્રાગટ્ય પર્વ પણ દેશ-વિદેશના હરિભક્તો દ્વારા ભારે ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.

 

પ્રાતઃકાળથી જ અનુપમ મિશનનું સમગ્ર પરિસર ભક્તિ, આનંદ અને અદભુત ઉત્સાહના માહોલથી ગુંજી ઊઠ્યું હતું. આ ઐતિહાસિક અવસરે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પધારેલા સંતો, હરિભક્તો, યુવાનો અને અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવના પ્રારંભે સંત ભગવંત સાહેબદાદા, સદગુરુ પૂજ્ય અશ્વિનદાદા અને જાણીતા કથાકાર પરમ પૂજ્ય ભુપેન્દ્રભાઈ પંડ્યા ભવ્ય રથમાં બિરાજમાન થઈ સભામંડપમાં પધાર્યા ત્યારે સમગ્ર ભક્તસમાજે ઊભા થઈ, ધ્વજ લહેરાવીને ભજન-કીર્તન અને નૃત્ય સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોના પૂજન અને હારાર્પણ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ સદગુરુ અશ્વિનદાદાના ૮૫મા પ્રાગટ્ય પર્વ નિમિત્તે તેમનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમણે મહોત્સવને વિધિવત્ ખુલ્લો જાહેર કર્યો હતો.

 

સ્વાગત પ્રવચન આપતા સાધુ પૂજ્ય હિંમતસ્વામિજીએ જણાવ્યું હતું કે, “ગયા વર્ષે સંત ભગવંત સાહેબદાદાને આપણે વચન આપ્યું હતું કે આગામી વર્ષે તેઓ આ મહોત્સવમાં પધારશે અને આજે તે દિવ્ય સંકલ્પ સાકાર થયો છે. દેશ-વિદેશમાંથી પધારેલા સંતો, હરિભક્તો, અનુપમ મિશનના વિવિધ કેન્દ્રોના સંતો, પ્રમુખો, યુવાનો-યુવતીઓ તેમજ પરમ પૂજ્ય દિનકરદાદા, ભરતભાઈ સહિતના સર્વે મહાનુભાવોનું સ્વાગત કરતાં અમો અત્યંત આનંદ અનુભવીએ છીએ.” આ અવસરે યુકેના પૂજ્ય ડૉ. નિમ્મી તથા યુએસએના મિહિર અને રાજવી દ્વારા સંપાદિત આધ્યાત્મિક પુસ્તિકા ‘ભગવું હૃદય – A Way of Life’નું ભક્તિભાવપૂર્વક વિમોચન કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે આશીર્વચન પાઠવતા જાણીતા કથાકાર પરમ પૂજ્ય ભુપેન્દ્રભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, “જ્યાં સુધી મનુષ્યનું અંતર ‘ભગવું હૃદય’ બનતું નથી, ત્યાં સુધી ઈશ્વરની સાચી પ્રાપ્તિ થતી નથી. ભારતીય પરંપરાનું દર્શન જીવનને યોગ્ય દિશા આપે છે. આ નૂતન પુસ્તિકામાં જીવનના ત્રણ અત્યંત મહત્ત્વના પ્રશ્નો ‘હું કોણ છું?’, ‘આ સૃષ્ટિ શું છે?’ અને ‘હું અહીં કેમ આવ્યો છું?’ ના સરળ અને ગહન જવાબો રજૂ કરવામાં આવ્યા છે. જે વ્યક્તિને આ ત્રણ પ્રશ્નોના સાચા ઉત્તર મળી જાય, તેનું જીવન ધન્ય બની જાય છે.”

 

મુખ્ય આશીર્વાદ પાઠવતા સંત ભગવંત સાહેબદાદાએ જણાવ્યું હતું કે, “આજથી શરૂ થતો આ ચાર દિવસીય મહોત્સવ સૌના જીવનમાં આધ્યાત્મિક જાગૃતિ લાવનારો બની રહેશે. પરમ પૂજ્ય યોગીજી મહારાજે ‘ભગવા હૃદય’વાળા સંતો બનાવવાનો દિવ્ય સંકલ્પ કર્યો હતો. ૧૪ મે, ૧૯૬૬ના રોજ શાહીબાગ, અમદાવાદ મંદિરે વહેલી સવારે યોગીબાપાએ આજ્ઞા આપી હતી કે ‘તમારે ભગવા હૃદયવાળા સાધુ બનવાનું છે.’ અમે તે આજ્ઞાને નિઃશંકપણે સ્વીકારી અને ગુરુ આજ્ઞાના માર્ગે આગળ વધ્યા છીએ.”

 

તેમણે સાધુતાની વ્યાખ્યા આપતા ઉમેર્યું હતું કે, “સાધુતા એટલે સર્વત્ર ભગવાનનું દર્શન કરવું. આ ગુણ માત્ર ત્યાગી સંતો પૂરતો મર્યાદિત નથી, પરંતુ દરેક ગૃહસ્થ માટે પણ ઉપલબ્ધ છે. સ્વામિનારાયણ ભગવાને ગુણાતીત સંતનો મહિમા સમજાવ્યો છે અને જે આવા સંત સાથે આત્મબુદ્ધિથી જોડાય છે તેનું કલ્યાણ નિશ્ચિત બને છે. ભગવાનના ભક્તોની નિઃસ્વાર્થ સેવા કરવાથી હૃદય ‘ભગવું હૃદય’ બની જાય છે.” તેમણે સદગુરુ અશ્વિનદાદાના જીવનને આદર્શ ગણાવતા ઉમેર્યું કે, ૮૫ વર્ષની વયે પણ તેઓ પોતાના ગુરુ અને ભગવાનને રાજી કરવા માટે અવિરત સેવામાર્ગે કાર્યરત છે, જે સાચા ‘ભગવા હૃદય’નું જીવંત સ્વરૂપ છે.

 

નવનિર્મિત ૐ ક્રિમેટોરિયમ અંગે માહિતી આપતાં સંત ભગવંત સાહેબદાદાએ જણાવ્યું હતું કે, હાલમાં ત્યાં એર કન્ડીશનિંગનું કાર્ય ચાલુ હોવાથી તેની નિયમિત સેવાઓ આગામી લાભ પાંચમથી વિધિવત્ શરૂ થશે, પરંતુ સતીષભાઈની હાર્દિક ઇચ્છા હતી કે તેનું ઉદ્ઘાટન સદગુરુ અશ્વિનદાદાના પ્રાગટ્ય પર્વના શુભ અવસરે જ કરવામાં આવે, જેથી આ ઉદ્ઘાટન સંપન્ન કરાયું છે. અંતમાં તેમણે સૌ હરિભક્તોને પરસ્પર સંપ, સુહૃદભાવ અને એકતા સાથે સમગ્ર મહોત્સવનો લાભ લેવા અનુરોધ કર્યો હતો અને વિશ્વકલ્યાણ અર્થે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરાવી હતી. આ સાથે જ અનુપમ મિશનની સુવર્ણજયંતી મહોત્સવનો મંગલમય પ્રારંભ થયો છે.

(10:06 PM IST)