<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

યુદ્ધમાં અંદાજ કરતાં અનેકગણું વધુ નુકસાન :100થી વધુ સેટેલાઈટ તસવીરોમાં અમેરિકાના સૈન્ય મથકોની તબાહી

ઈરાને 100થી વધુ સેટેલાઈટ તસવીરો જાહેર કરીને દાવો કર્યો કે અમેરિકાના 15 જેટલા મહત્વના સૈન્ય મથકોને ભારે નુકસાન પહોંચાડ્યું:228 ઈમારતો અને અનેક અત્યાધુનિક સંસાધનો નષ્ટ કર્યા જે ઠેકાણાઓને નિશાન બનાવ્ય હતા

અમેરિકા અને ઈરાન વચ્ચેના તાજેતરના જંગમાં ટ્રમ્પ વહીવટીતંત્રના અંદાજ કરતાં પણ અનેકગણું વધુ નુકસાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઈરાન દ્વારા જાહેર કરવામાં આવેલી 100થી વધુ સેટેલાઈટ તસવીરોમાં અમેરિકાના સૈન્ય મથકોની તબાહી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ અહેવાલો મુજબ, વોશિંગ્ટન પોસ્ટ દ્વારા આ તસવીરોની પુષ્ટિ કરવામાં આવી છે, જે દર્શાવે છે કે ઈરાનના હુમલા અગાઉ માનવામાં આવતા હતા તેના કરતા વધુ સચોટ અને વિનાશક હતા.

ઈરાને તાજેતરમાં જ 100થી વધુ સેટેલાઈટ તસવીરો જાહેર કરીને દાવો કર્યો છે કે તેણે અમેરિકાના 15 જેટલા મહત્વના સૈન્ય મથકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ હુમલાઓમાં 228 ઈમારતો અને અનેક અત્યાધુનિક સંસાધનો નાશ પામ્યા છે. જે ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે તેમાં બહેરીનમાં પાંચમા નૌકા સૈન્યનું હેડક્વાર્ટર, કુવૈતના અલી અલ-સલેમ અને કેમ્પ આરિફજાન જેવા મહત્વના મથકોનો સમાવેશ થાય છે. આ હુમલાઓને કારણે અમેરિકાના હેંગર, બેરેક, ઈંધણ ડેપો, રડાર અને એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે બેકાર થઈ ગઈ છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ યુદ્ધની અત્યાર સુધીની કુલ પડતર અંદાજે 50 અબજ ડોલર જેટલી છે, જે ટ્રમ્પ વહીવટીતંત્રના પ્રારંભિક અંદાજ કરતા ક્યાંય વધારે છે.

 

માત્ર ઈમારતો જ નહીં, પરંતુ અમેરિકાએ તેના કિંમતી સૈન્ય ઉપકરણો પણ ગુમાવ્યા છે. અહેવાલ મુજબ ૨૪ જેટલા MQ-9 રીપર ડ્રોન અને અત્યંત મોંઘા MQ-4C ટ્રાઈટન ડ્રોન આ સંઘર્ષમાં નષ્ટ થયા છે. એક ટ્રાઈટન ડ્રોનની કિંમત 200 થી 240 મિલિયન ડોલર જેટલી હોય છે. આ ઉપરાંત ચાર F-15E સ્ટ્રાઈક ઈગલ વિમાન અને સાઉદી અરેબિયામાં કમાન્ડ એન્ડ કંટ્રોલ વિમાન પણ નાશ પામ્યા છે. સેટેલાઈટ તસવીરો સાબિત કરે છે કે ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષમાં ઈરાને અત્યંત સચોટ નિશાન સાધ્યા હતા. આ યુદ્ધમાં અમેરિકાના સાત સૈનિકોના મોત થયા છે અને ૪૦૦થી વધુ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

 

આ ભારે આર્થિક ફટકાને પહોંચી વળવા માટે પેન્ટાગોને 1.5 ટ્રિલિયન ડોલરના બજેટની માંગ કરી છે, જે ગત વર્ષ કરતા 42 ટકા વધુ છે. અમેરિકી અર્થતંત્રને આ સંઘર્ષને કારણે 630 અબજથી 1 ટ્રિલિયન ડોલર સુધીનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સૈન્ય મથકોના પુનઃનિર્માણ અને ઉપકરણો બદલવા પાછળ જ 40 થી 50 અબજ ડોલરનો ખર્ચ થવાની સંભાવના છે, જે અમેરિકા માટે મોટો પડકાર સાબિત થશે.

(12:15 AM IST)