<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

મરાઠા અનામત વિવાદમાં રૂ. 500 કરોડનો મહાધડાકો: મુખ્યમંત્રી ફડણવીસે આપ્યા SIT તપાસના આદેશ : ED તપાસની પણ જોરદાર માંગ

મનોજ જરંગે, શ્રીકાંત શિંદે અને વાયરલ ઓડિયો ક્લિપને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ચકચાર: સંજય રાઉતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરવા કરી વિનંતી

મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરંગે સાથે જોડાયેલા રૂ. 500 કરોડના કથિત નાણાકીય વ્યવહાર અને વાયરલ ઓડિયો ક્લિપના વિવાદે ભારે ખળભળાટ મચાવી દીધો છે. આ સન્સનીખેજ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ પોલીસ કમિશનરને તાત્કાલિક અસરથી સ્પેસિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી સઘન તપાસ કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. આ વિવાદની શરૂઆત એક કથિત ઓડિયો ક્લિપ બહાર આવ્યા બાદ થઈ હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આંદોલનને પ્રભાવિત કરવા કે દબાવવા માટે મનોજ જરંગેને રૂ. 500 કરોડ જેટલી મસમોટી રકમ આપવામાં આવી હતી, જેનાથી રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે.

આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આ સમગ્ર મામલાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ કરવાની માંગ કરી. રાઉતે તીખા પ્રહારો કરતા પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો જરંગેને પૈસા નથી મળ્યા તો આટલી વિશાળ રકમ કોણે, કોને આપી અને તે ક્યાં ગાયબ થઈ ગઈ? આટલા રોકડા નાણાં આવ્યા ક્યાંથી અને તેનો ઉપયોગ ક્યાં થયો તે અંગે ગંભીર શંકાઓ વ્યક્ત કરતા તેમણે આરોપ લગાવ્યો હતો કે આ મામલો સીધો મની લોન્ડરિંગ સાથે જોડાયેલો હોઈ શકે છે, તેથી મહારાષ્ટ્ર પોલીસની સાથે ED પણ આ રહસ્ય પરથી પડદો ઉંચકે તે અત્યંત જરૂરી છે.

બીજી તરફ, વાયરલ ક્લિપમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર અને શિવસેના સાંસદ શ્રીકાંત શિંદે દ્વારા નાણાં અપાયા હોવાનો દાવો કરાયો હતો, જેને એકનાથ શિંદે અને શ્રીકાંત શિંદે બંનેએ સખત શબ્દોમાં ફગાવી દીધો છે. મનોજ જરંગે પોતે પણ કોઈ પણ પ્રકારના નાણાં લીધા હોવાનો સાફ ઇનકાર કરીને આરોપ લગાવ્યો છે કે સામાન્ય જનતા અને ખેડૂતોના હકના અવાજને દબાવવા માટે તેમની વિરૂદ્ધ આ ષડયંત્ર રચવામાં આવ્યું છે. આ દરમિયાન ભાજપે સંજય રાઉત પર AI ટેકનોલોજીનો ઉપયોગ કરી નકલી ક્લિપ બનાવી ગઠબંધનમાં તિરાડ પાડવાનો આરોપ લગાવ્યો હતો, જેના જવાબમાં રાઉતે આ ક્લિપ ભાજપના જ નેતા દ્વારા લીક કરાઈ હોવાનો પલટવાર કર્યો છે. હવે SITના આદેશ બાદ આ 500 કરોડના સસ્પેન્સનો અંત ક્યારે આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

(6:49 PM IST)