તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
રાજસ્થાનના રાજકારણમાં 'મરાઠી' ભાષા પર સંગ્રામ! સચિન પાયલટે સરકારને આડે હાથ લીધી, શિક્ષણ મંત્રી પર લગાવ્યા ગંભીર આરોપ
"શિક્ષણનું સ્તર સુધારવાને બદલે જનતાને ભટકાવી રહી છે સરકાર": યુનિવર્સિટીઓમાં મરાઠી કેન્દ્રો ખોલવાના નિર્ણય પર પાયલટે ઉઠાવ્યા સવાલ, ટીચર્સની બદલીઓમાં બદલાની ભાવનાનો દાવો

જયપુર : રાજસ્થાનના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને એઆઈસીસી (AICC) ના મહાસચિવ સચિન પાયલટે રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં 'શાસ્ત્રીય મરાઠી ભાષા અભ્યાસ કેન્દ્રો' સ્થાપવાની સરકારની નવી યોજના સામે પાયલટે લાલઆંખ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સરકાર શિક્ષણ ક્ષેત્રના અસલી અને મુખ્ય મુદ્દાઓ પરથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે આવા નિર્ણયો લઈ રહી છે.
શિક્ષણ મંત્રી પર 'બદલાની રાજનીતિ' નો સનસનાટીપૂર્ણ આરોપ:
જયપુરમાં પત્રકારો સાથે ખાસ વાતચીત કરતા સચિન પાયલટે રાજ્યના શિક્ષણ મંત્રીને સીધા નિશાન બનાવ્યા હતા. પાયલટે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, "રાજસ્થાનમાં શિક્ષણ મંત્રીનું વલણ અત્યંત નકારાત્મક રહ્યું છે. તેઓ શિક્ષકોની બદલીઓ (Transfers) અને પોસ્ટિંગમાં સંપૂર્ણપણે બદલાની ભાવના સાથે કામ કરી રહ્યા છે. જે લોકો તેમની વિચારધારા સાથે સહમત નથી, તેમને ટાર્ગેટ કરીને જિલ્લાઓની બહાર ફેંકી દેવામાં આવી રહ્યા છે."
સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ હોવાનો દાવો:
પાયલટે રાજ્ય સરકારની પ્રાથમિકતાઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, રાજ્યના બાળકોને અત્યારે સારા શિક્ષણ, આધુનિક શાળાઓ અને મજબૂત માળખાગત સુવિધાઓની જરૂર છે. પરંતુ સરકાર આ પાયાની જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ રહી છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા ઉમેર્યું કે, "સરકાર જે મુદ્દો ઉઠાવી રહી છે તેમાં કોઈ તથ્ય નથી. રાજસ્થાન સરકાર શિક્ષણ, આરોગ્યસંભાળ અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે અને પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આવા ગતકડાં કરી રહી છે."
રાજ્યપાલના આદેશ બાદ શરૂ થઈ છે પ્રક્રિયા:
આ સમગ્ર વિવાદની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો, રાજસ્થાનના રાજ્યપાલ અને કુલપતિ હરિભાઉ બાગડેના વિશેષ નિર્દેશો બાદ રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં 'શાસ્ત્રીય મરાઠી ભાષા અભ્યાસ કેન્દ્રો' શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રાજ્યપાલ સચિવાલય દ્વારા આ અંગે તમામ યુનિવર્સિટીઓને સત્તાવાર પત્રો પણ મોકલી દેવાયા છે.
બીજી તરફ, પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં જૂન મહિનામાં જ શિક્ષણ મંત્રી દાદા ભૂસેએ ધોરણ ૧ થી ૧૦ સુધી મરાઠી ભાષા ફરજિયાત કરવાનો કડક આદેશ આપ્યો હતો, જેનું ઉલ્લંઘન કરનારી શાળાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી અપાઈ હતી. મહારાષ્ટ્રના આ વારસા અને ભાષાના પ્રચારની અસર હવે રાજસ્થાનના શિક્ષણ વિભાગમાં દેખાતા જ ત્યાં મોટો રાજકીય વિવાદ છેડાઈ ગયો છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
