News of Friday, 22nd May 2026
ટેક જગતમાં ખળભળાટ વચ્ચે માર્ક ઝુકરબર્ગનો મોટો નિર્ણય: મેટામાં ૧૦% કર્મચારીઓની છટણી બાદ સીઈઓએ આપી મોટી ગેરંટી
આ વર્ષે હવે કંપની સ્તરે કોઈ નવી છટણી નહીં થાય; ૭,૦૦૦ કર્મચારીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના નવા રોલમાં શિફ્ટ કરશે સોશિયલ મીડિયા જાયન્ટ

સાન ફ્રાન્સિસ્કો, તા.૨૨: સમગ્ર વિશ્વના ટેક ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના કારણે આવી રહેલી ક્રાંતિ વચ્ચે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની ‘મેટા’ (Meta) માંથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કંપનીમાં ચાલી રહેલા મોટા પાયાના પુનર્ગઠન (Restructuring) અંતર્ગત પોતાના આશરે ૧૦% કર્મચારીઓને નોકરીમાંથી મુક્ત કર્યા છે. જો કે, આ વ્યાપક છટણીના આંચકા બાદ ઝુકરબર્ગે બાકીના સ્ટાફને આશ્વાસન આપતા ખાતરી આપી છે કે આ વર્ષે હવે પછી કોઈ પણ પ્રકારની કંપની-વ્યાપી મોટી છટણી કરવામાં આવશે નહીં.
ઇન્ટરનલ મેમો દ્વારા સ્ટાફની માફી માંગી
અહેવાલ અનુસાર, માર્ક ઝુકરબર્ગે કર્મચારીઓને મોકલેલા એક આંતરિક મેમોમાં પોતાની ભૂલ સ્વીકારતા લખ્યું છે કે, “હું ખૂબ જ સ્પષ્ટ કરવા માંગુ છું કે અમે આ વર્ષે અન્ય કોઈ કંપની-વ્યાપી છટણીની અપેક્ષા રાખતા નથી. હું એ પણ સ્વીકારું છું કે ભૂતકાળમાં અમારા નિર્ણયો અંગે કર્મચારીઓ સાથેના સંવાદમાં અમે એટલા પારદર્શક અને સ્પષ્ટ નહોતા રહી શક્યા જેટલા અમારે રહેવું જોઈતું હતું. આ એક એવું ક્ષેત્ર છે જેમાં હું ભવિષ્યમાં ચોક્કસપણે સુધારો કરવા માંગુ છું.”
AI યુગ માટે ૭,૦૦૦ કર્મચારીઓનું થશે ટ્રાન્સફર
કંપનીના નવા બિઝનેસ મોડલ હેઠળ, મેટા તેના ૭,૦૦૦ જેટલા વર્તમાન કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાને બદલે તેમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની નવી અને આધુનિક ભૂમિકાઓમાં સ્થાનાંતરિત (Shift) કરવા જઈ રહી છે. ઝુકરબર્ગે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “AI એ આપણા જીવનકાળની સૌથી મહત્વપૂર્ણ અને શક્તિશાળી ટેકનોલોજી છે. આ રેસમાં જે કંપનીઓ મોખરે રહેશે, તે જ આગામી પેઢીના ભવિષ્યને વ્યાખ્યાયિત કરશે. ટેક ઉદ્યોગમાં આ અત્યાર સુધીનો સૌથી ગતિશીલ સમયગાળો છે.”
ખર્ચ સરભર કરવા માટે ૮,૦૦0 નોકરીઓ પર કાતર
એક રિપોર્ટ અનુસાર, મેટાએ AI ક્ષેત્રે કરવામાં આવી રહેલા અબજો ડોલરના ભારે રોકાણને સરભર કરવા અને ખર્ચ ઘટાડવા માટે આ આકરો પ્લાન તૈયાર કર્યો હતો. આ યોજના અંતર્ગત લગભગ ૮,૦૦૦ નોકરીઓ કાપવાનું અને ૬,૦૦0 જેટલી ખાલી જગ્યાઓ ભવિષ્યમાં ક્યારેય ન ભરવાનો નિર્ણય લેવાયો હતો. ઝુકરબર્ગે કંપનીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ છૂટા કરાયેલા કર્મચારીઓનો આભાર પણ માન્યો હતો.
સમગ્ર સિલિકોન વેલીમાં છટણીનો ડર
હાલના સમયમાં માત્ર મેટા જ નહીં, પરંતુ સમગ્ર સિલિકોન વેલીની દિગ્ગજ ટેક કંપનીઓ AI લહેરના કારણે મોટા ફેરફારો કરી રહી છે. તાજેતરમાં જ પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ LinkedIn એ પણ તેના ૬૦૦ થી વધુ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. ઝડપથી વધી રહેલા AI ના ઉપયોગના કારણે ટેક સેક્ટરમાં કામ કરતા લાખો આઈટી પ્રોફેશનલ્સમાં પોતાની નોકરી ગુમાવવાનો ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં ઝુકરબર્ગનું આ નિવેદન મેટાના કર્મચારીઓ માટે આંશિક રાહત સમાન સાબિત થઈ શકે છે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
