તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
૯ વર્ષ પછી પણ દુલ્હન ન મળી એટલે મેરેજ-બ્યુરોએ ચૂકવવો પડયો દંડ
કેરળમાં લગ્ન કરાવવાનું વચન આપીને ૯ વર્ષ સુધી યોગ્ય પ્રસ્તાવ ન આપનાર મેરેજ બ્યુરો સામે ગ્રાહકે કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ કરી હતી

કન્નુર,તા.૨૨: કેરલમના કન્નુરમાં કન્ઝ્યુમર ફોરમે એક મેરેજ-બ્યુરોને એક ગ્રાહકની રજિસ્ટ્રેશન-ફી પાછી આપીને તેને વળતર આપતો આદેશ આપ્યો છે. વાત એમ હતી કે નર્સિગ હોમના એક પ્રોફેસરે ૨૦૧૬માં એક મેરેજ-બ્યુરોમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એ માટે તેમણે ૩૦૦૦ રૂપિયાની ફી ભરી હતી. મેરેજ-બ્યુરોવાળાએ પ્રોફેસરને ભરોસો અપાવ્યો હતો કે તેમને બહુ જલદીથી યોગ્ય છોકરી બતાવવામાં આવશે, પણ એવું થયું નહીં. પ્રોફેસરે અવારનવાર બ્યુરોનો સંપર્ક કર્યો, પરંતુ તેમને એકેય છોકરી બતાવવામાં આવી નહીં. નવ વર્ષ વીતી ગયાં પણ મેરેજ-બ્યુરો તરફથી કોઈ રિઝલ્ટ આવ્યું નહીં અને એક જ જવાબ મળ્યો કે તેમને અનુકૂળ એક પણ લગ્નનો પ્રસ્તાવ મળ્યો નથી. પ્રોફેસરના પિતા પણ દીકરાનાં લગ્ન થશે એની રાહ જોતાં મૃત્યુ પામ્યા અને હવે તેમની મમ્મી પણ બીમાર છે. એ પછી પ્રોફેસરની ધીરજ ખૂટી ગઈ. તેમણે કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ કરી. આ કોર્ટમાં પણ મેરેજ-બ્યુરો તરફથી કોઈએ જવાબ આપવાની તસદી ન લીધી. આખરે કન્ઝ્યુમર કોર્ટે મેરેજ-બ્યુરોની સર્વિસમાં ખોટ હતી એવું તારણ કાઢીને રજિસ્ટ્રેશન-ફી, ૩૦૦૦ રૂપિયા માનસિક પરેશાનીનું વળતર, ૨૦૦૦ રૂપિયા કોર્ટ કેસનો ખર્ચ ૩૦ દિવસની અંદર ગ્રાહકને ચૂકવવાનો બ્યુરોને આદેશ આપ્યો.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
