<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

"લગ્ન એ 'પવિત્ર' સંસ્થા છે, તેને હળવાશથી ન લો": અલ્હાબાદ હાઈકોર્ટે છૂટાછેડા બાદ ફરી એક થયેલા બે બાળકોના દંપતીને આપ્યું પોલીસ રક્ષણ!

સસરાના વિરોધ સામે હાઈકોર્ટ લાલઘૂમ: પુખ્ત વયના વ્યક્તિઓને પોતાની પસંદગીથી જીવવાનો અધિકાર, કોઈ હેરાન ન કરી શકે તેવો આપ્યો કડક નિર્દેશ

લખનૌ : લગ્નની પવિત્રતા અને કૌટુંબિક મૂલ્યો પર ભાર મુકતા અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ચુકાદો આપ્યો છે. સામાન્ય મનમુટાવને કારણે છૂટાછેડા લીધા બાદ, પોતાના બે બાળકોના ભવિષ્ય અને પરિવારના હિત માટે ફરીથી લગ્ન કરનાર દંપતીને કોર્ટે કાનૂની અને પોલીસ રક્ષણ પૂરું પાડવાનો નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણ અને જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની ડિવિઝન બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે લગ્ન એ એક પવિત્ર બંધન છે અને તેને હળવાશથી ન લેવું જોઈએ.

 

કેસની વિગતો અનુસાર, આ દંપતીને બે બાળકો હોવા છતાં વિવાદોને કારણે તેમણે હિન્દુ મેરેજ એક્ટની કલમ ૧૩-બી હેઠળ પરસ્પર સંમતિથી છૂટાછેડા મેળવી લીધા હતા. જોકે, થોડા સમય બાદ બાળકો અને પરિવારના સુખદ ભવિષ્યનો વિચાર કરીને તેમણે આર્ય સમાજ મંદિરમાં પુનઃવિવાહ કર્યા હતા. પરંતુ પતિના પિતા (સસરા) આ લગ્નની વિરુદ્ધમાં હોવાથી દંપતીને સતત ધમકીઓ અને હેરાનગતિનો ડર હતો, જેને પગલે તેમણે રક્ષણ માટે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.

 

લોકશાહી દેશમાં પુખ્ત વયની વ્યક્તિઓને પોતાની પસંદગીથી જીવવાનો પૂર્ણ અધિકાર

 

હાઈકોર્ટે અરજદારોના શાંતિપૂર્ણ દાંપત્ય જીવનમાં કોઈ પણ વ્યક્તિ—પછી તે જાહેર હોય કે ખાનગી—અવરોધ ન ઊભો કરે તે સુનિશ્ચિત કરવા પોલીસ અને વહીવટી તંત્રને કડક આદેશ આપ્યા છે. સર્વોચ્ચ અદાલતના ઐતિહાસિક 'લતા સિંહ કેસ'ના ચુકાદાનો સંદર્ભ આપતાં કોર્ટે નોંધ્યું હતું કે ભારત એક સ્વતંત્ર અને લોકશાહી દેશ છે. એકવાર વ્યક્તિ પુખ્ત વયની થઈ જાય પછી તેને પોતાની પસંદગીથી લગ્ન કરવાનો અને જીવવાનો પૂર્ણ અધિકાર છે. જો પરિવાર કે માતા-પિતા આવા લગ્નથી અસંતોષ ધરાવતા હોય તો તેઓ વધુમાં વધુ સામાજિક સંબંધો તોડી શકે છે, પરંતુ તેમને ધમકી આપવાનો કે હિંસા આચરવાનો કોઈ જ અધિકાર નથી.

(8:23 PM IST)