તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
મારુતિ જૂનથી કારના ભાવમાં રૂ.૩૦,૦૦૦ સુધીનો વધારો કરશે
ઉત્પાદન ખર્ચ વધતા કંપની ગ્રાહકો પર કેટલોક વધારો નાખશે

નવી દિલ્હી તા.૨૨: કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાએ ગુરુવારે કહ્યું હતું કે તે જૂન મહિનાથી તેની તમામ કારના મોડેલ પર રૂ.૩૦,૦૦૦ સુધીનો વધારો કરશે. રો મટીરિયલના ભાવમાં વધારો થવાથી તે ભાવવધારો કરશે. કંપનીએ કહ્યું હતું કે તમામ કાર મોડેલ પર આ ભાવવધારો ૧ જૂનથી અમલી બનશે. તેણે કહ્યું કે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે જેને નિયંત્રણમાં રાખવા શક્ય તમામ પ્રયાસ તે કરી રહી છે. પરંતુ હવે ફુગાવાનું દબાણ વધ્યું છે અને વિપરીત અસર થઈ રહી છે. આથી હવે વધતા ખર્ચનો કેટલોક બોજ ગ્રાહકો પર નાખવો પડશે.
ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જીએસટી તર્કસંગત બનાવાયા ત્યારે મારુતિ સુઝુકીએ તેની એન્ટ્રી લેવલની કારના ભાવમાં ઘટાડો કર્યો હતો. તે સમયે તેણે એસ પ્રેસોના ભાવમાં રૂ.૧.૨૯ લાખ, અલ્ટોમાં રૂ.૧.૦૭ લાખ, સિલેરિયોમાં રૂ.૯૪,૧૦૦ અને વેગન-આરમાં રૂ.૭૯,૬૦૦ સુધીનો ઘટાડો કર્યો હતો. કંપની હાલમાં એન્ટ્રી લેવલે એસ પ્રેસોથી લઈને પ્રીમિયમ યુટિલિટી વ્હીકલ ઈન્વિક્ટો સુધીની કારનું ઉત્પાદન કરે છે. એસ પ્રેસોના ભાવ હાલમાં રૂ.૩.૪૯ લાખ છે અને ઈન્વિક્ટોના ભાવ રૂ.૨૮.૭ લાખ છે.
અગાઉ મારુતિએ તેની એન્ટ્રી-લેવલની સ્મોલ કારના ભાવમાં વધારો કરવાની યોજના ઘડી હતી પછી મુલતવી રાખી હતી. ગત વર્ષે જાન્યુઆરીમાં કંપનીએ તેની કારના ભાવમાં વધારો કર્યો હતો.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
