<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

મોતીહારીમાં બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ: ૨૧ નિર્દોષ બાળકોને નરક જેવી જિંદગીમાંથી રેલવે પોલીસ અને ચાઇલ્ડ હેલ્પલાઇને ઉગાર્યા

ધર્મ પરિવર્તનના કાળા ખેલની આશંકા વચ્ચે તસ્કરની ધરપકડ: બાપુધામ રેલ્વે સ્ટેશન પર ૫ થી ૧૩ વર્ષની વયના બાળકો સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા શખ્સ પર ભીનું સંકેલવા રાજકીય દબાણ છતાં મીડિયાના હસ્તક્ષેપથી કાર્યવાહી સફળ થઈ

મોતીહારી: બિહારના મોતીહારીમાં માનવ તસ્કરીની એક હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે, જેમાં ૨૧ માસૂમ બાળકોને તસ્કરના ચુંગાલમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. બાપુધામ રેલ્વે સ્ટેશન પર શનિવારે સાંજે પાંચથી તેર વર્ષની વયના બાળકોની મોટી સંખ્યા જોઈને રેલવે પોલીસને શંકા ગઈ હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે જો આ બાળકોને સમયસર બચાવવામાં ન આવ્યા હોત, તો તેમનું ધર્મ પરિવર્તન કરાવી દેવાની પૂરેપૂરી શક્યતા હતી. તસ્કરને બચાવવા માટે વગદાર લોકો દ્વારા પોલીસ પર ભારે દબાણ કરવામાં આવ્યું હતું, પરંતુ ચાઇલ્ડ હેલ્પલાઇન અને સ્થાનિક મીડિયાની સતર્કતાને કારણે આખરે મોડી રાત્રે ગુનેગારની ધરપકડ કરવામાં આવી હતી.

પૂછપરછ દરમિયાન ઝડપાયેલા શખ્સે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા જણાવ્યું હતું કે, તે આ બાળકોને કોઈ આશ્રયસ્થાનમાં ભણાવે છે અને વેકેશન હોવાથી તેમને ઘરે પરત લઈ જઈ રહ્યો હતો. જોકે, પોલીસના તીક્ષ્ણ સવાલો સામે તેની બોલતી બંધ થઈ ગઈ હતી. શંકા ત્યારે વધુ ઘેરી બની જ્યારે તમામ બાળકોને ભાગલપુર તરફ લઈ જવામાં આવી રહ્યા હોવાનું ખુલ્યું હતું. બાળકોની આટલી નાની ઉંમર હોવા છતાં તેમની સાથે કોઈ વાલી કે માતા-પિતા ન હોવાથી તસ્કરીના આ કાળા કારોબારનો પર્દાફાશ થયો હતો.

ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા હાલમાં તમામ ૨૧ બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને તેમના વાલીઓનો સંપર્ક કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ આ મામલાના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ કરી રહી છે કે આ રેકેટ પાછળ કોઈ મોટું આંતરરાજ્ય નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ. આ ઘટનાએ ફરી એકવાર રેલવે સ્ટેશનો અને જાહેર સ્થળો પર બાળકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક વહીવટી તંત્રએ પણ આ મામલે કડક કાનૂની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

(12:06 PM IST)