તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
આસામના કાઝીરંગામાં અકસ્માત: વિદ્યાર્થીઓ ભરેલી ટેમ્પો-ટ્રાવેલર અને કન્ટેનર ટ્રક વચ્ચે ભીષણ ટક્કરમાં 23ના કમકમાટીભર્યા મોત
ગોલાઘાટ જિલ્લાના રંગાજન વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડતી મિની બસ બેકાબૂ બનીને સામેથી આવતી ટ્રકમાં ઘૂસી જતાં હાહાકાર : મૃતકોમાં નાગાંવ કાઝીરંગા કોલેજના વિદ્યાર્થીઓ સામેલ

આસામ : આસામના ગોલાઘાટ જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન નજીક એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં 23 લોકોના કરુણ મોત નિપજ્યા છે. રંગાજન વિસ્તારમાં હાટીકુલી ટી એસ્ટેટ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બોકાખાટથી નાગાંવ તરફ જઈ રહેલી મુસાફરો ભરેલી ટેમ્પો-ટ્રાવેલર અને સામેથી આવતી કન્ટેનર ટ્રક વચ્ચે સામસામે ભીષણ ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે મિની બસના ફુરચા ઉડી ગયા હતા અને અંદર સવાર 35થી વધુ મુસાફરોમાંથી અનેક લોકો વાહનમાં જ ફસાઈ ગયા હતા, જ્યારે કેટલાક ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. મૃતકોમાં મોટાભાગના યુવાન વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે, જેમાં નાગાંવ કાઝીરંગા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ વાહનના ડ્રાઇવર અને સ્ટાફનો પણ સમાવેશ થાય છે.
દુર્ઘટનાની જાણ થતા જ ગોલાઘાટના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સ્વપ્નિલ ડેકા, પોલીસ કાફલો અને સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. ક્ષતિગ્રસ્ત વાહનના પતરાં કાપીને મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં શરૂઆતમાં 7 લોકોના મોત બાદ મૃત્યુઆંક વધીને 23 પર પહોંચ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મુસાફરોને પ્રથમ કોહોરા મોડેલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યારબાદ વધુ સઘન સારવાર માટે જોરહાટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનાની ગંભીરતાને જોતા આસામ સરકારના કેબિનેટ મંત્રી અતુલ બોરા પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત તેમજ બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં કડક ગતિ મર્યાદાના નિયમો અમલમાં હોવા છતાં ટ્રાવેલર ચાલક અત્યંત પૂરપાટ ઝડપે વાહન ચલાવી રહ્યો હતો, જેના કારણે તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. વધુમાં, આ અકસ્માતગ્રસ્ત વાહનનો જૂનો ટ્રાફિક રેકોર્ડ પણ શંકાસ્પદ નીકળ્યો છે, જેમાં તેના પર અગાઉ કુલ ₹38,500ના 12 ચલણ ફટકારવામાં આવ્યા હતા અને ઓવરસ્પીડિંગ બદલ ₹4,000નો દંડ હજુ પણ બાકી હતો. બીજી તરફ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમગ્ર રાજ્ય શોકગ્રસ્ત પરિવારોની પડખે ઊભું છે અને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવી એ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
