તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
ઈન્ડોનેશિયામાં માઉન્ટ ડુકોનો જ્વાળામુખીનો પ્રચંડ વિસ્ફોટ: આકાશમાં 32 હજાર ફૂટ ઊંચો રાખનો ગોટો ઉછળ્યો, 3 પર્યટકોના જીવતા ભડથુ થઈ જવાથી કરૂણ મોત
હલમાહેરા દ્વીપ પર કુદરતનો કહેર: સિંગાપુરના પર્વતારોહીઓ ફસાયા, 10 હજુ પણ ગુમ હોવાથી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ, પ્રતિબંધ હોવા છતાં ટ્રેકિંગ કરવા ગયેલા પ્રવાસીઓ પર કાળ ત્રાટક્યો

જકાર્તા: તા.૦૮ ઈન્ડોનેશિયાના હલમાહેરા દ્વીપ પર આવેલો માઉન્ટ ડુકોનો (Mount Dukono) જ્વાળામુખી આજે વહેલી સવારે ભયાનક વિસ્ફોટ સાથે ફાટ્યો છે. સ્થાનિક સમય મુજબ સવારે 7:41 વાગ્યે થયેલા આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 3 પર્યટકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જેઓ જ્વાળામુખીની ગરમી અને લાવામાં જીવતા ભડથુ થઈ ગયા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેની રાખ આશરે 10 કિલોમીટર (32,808 ફૂટ)ની ઊંચાઈ સુધી આકાશમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે આસપાસના વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, મૃતકોમાં બે સિંગાપુરના નાગરિકો અને એક સ્થાનિક ગાઈડનો સમાવેશ થાય છે. આ દુર્ઘટના સમયે અનેક પર્વતારોહીઓ જ્વાળામુખીની નજીક ટ્રેકિંગ કરી રહ્યા હતા. ઇમરજન્સી બચાવ ટુકડીઓએ અત્યાર સુધીમાં 17 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે, પરંતુ હજુ પણ 10 જેટલા પ્રવાસીઓ ગુમ હોવાની આશંકા છે. સિંગાપુરના નાગરિકોના બનેલા આ ગ્રુપને બચાવવા માટે ઈન્ડોનેશિયન રેસ્ક્યુ ટીમ દ્વારા હેલિકોપ્ટર અને વિશેષ સાધનોની મદદ લેવામાં આવી રહી છે.
વૈજ્ઞાનિકો અને ભૂસ્તરશાસ્ત્રીઓએ જ્વાળામુખીની સક્રિયતાને જોતા 17 એપ્રિલથી જ આ વિસ્તારમાં પર્યટકોના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો અને 4 કિલોમીટરની ત્રિજ્યામાં ન આવવા એલર્ટ જારી કર્યું હતું. જોકે, આ ચેતવણીને અવગણીને ટ્રેકિંગ કરવા ગયેલા પ્રવાસીઓ આ હોનારતનો ભોગ બન્યા છે. માઉન્ટ ડુકોનો વર્ષ 1993થી સતત સક્રિય છે, પરંતુ આજના વિસ્ફોટે પાછલા અનેક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં હાઈ-એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
