News of Sunday, 12th July 2026
મધ્ય પૂર્વમાં મહાવિસ્ફોટ: ઈરાને જાહેર કરી વિદેશી નેતાઓની ' KILL લિસ્ટ' : સુપ્રીમ લીડરની હત્યાનો બદલો લેવા ૧૩ દિગ્ગજો નિશાન પર
અમેરિકા-ઈઝરાયેલના સંયુક્ત ઓપરેશનમાં ખામનેઈના મોત બાદ તેમના પુત્ર મોજતબાએ લીધા ભયાનક સોગંદ : ઈરાનના સરકારી અખબારે પશ્ચિમી દેશોના રાષ્ટ્રાધ્યક્ષોના ફોટા સાથેની વિવાદાસ્પદ યાદી ઓનલાઈન લીક કરી

તેહરાન: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ અને સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાન તરફથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. ઈરાનની રાજધાની તેહરાનમાંથી પ્રકાશિત થતા કટ્ટરપંથી અખબાર 'હમશહરી' એ ઓનલાઈન એક વિવાદાસ્પદ ઇન્ફોગ્રાફિક જાહેર કરીને દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો છે. આ રિપોર્ટ અનુસાર, ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલના વિધ્વંસક હવાઈ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીનું મોત થયા બાદ, હવે તેમના ઉત્તરાધિકારી અને પુત્ર મોજતબા ખામેનીએ પશ્ચિમી દેશોના નેતાઓ સામે લોહીનો બદલો લોહીથી લેવાની સત્તાવાર પ્રતિજ્ઞા લીધી છે. આ યાદીમાં દુનિયાભરના ૧૩ એવા દિગ્ગજ નેતાઓના ફોટા અને નામો શામેલ કરવામાં આવ્યા છે, જેમને કોઈપણ ભોગે મોતને ઘાટ ઉતારવાનો ઈરાને મનસૂબો બનાવ્યો છે.
દુનિયાભરમાં આ યાદીના ક્રમને લઈને ભારે ચર્ચા જાગી છે. સામાન્ય રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ આ યાદીમાં ટોચ પર હોય તેવી આશંકા હતી, પરંતુ આ હિટ લિસ્ટમાં ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને પહેલા ક્રમે રાખવામાં આવ્યા છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજા ક્રમે છે. આ યાદી સાર્વજનિક કરતા મોજતબા ખામેનીએ એક સત્તાવાર ચેતવણી આપતા જણાવ્યું છે કે, "આ ગુનેગારો જેમણે અમારા નેતાની હત્યા કરી છે, તેઓ ક્યારેય પોતાના પલંગ પર શાંતિથી મરી શકશે નહીં અને આ મોતની ઈચ્છા તેઓ પોતાની કબર સુધી સાથે લઈ જશે." જો કે, આ યાદી અખબારની પ્રિન્ટ એડિશનમાં છાપવામાં આવી નથી પરંતુ ઓનલાઈન મુકાતા જ તે વાયરલ થઈ ગઈ છે.
આ યાદી માત્ર અમેરિકા કે ઈઝરાયેલ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં સમગ્ર યુરોપિયન યુનિયન અને પશ્ચિમી લોકશાહીના સ્તંભ ગણાતા નેતાઓને પણ ઘેરવામાં આવ્યા છે. ઇન્ફોગ્રાફિકમાં બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટારમર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયો મેલોની અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝના ફોટા મોખરે છે. આ સિવાય અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયો અને સંરક્ષણ સચિવ પીટ હેગસેથને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ઈરાનનો આક્ષેપ છે કે આ તમામ યુરોપિયન દેશોએ અમેરિકી ફાઈટર જેટ્સને પોતાના એરસ્પેસનો ઉપયોગ કરવા દઈને ખામેનીની હત્યાના ઓપરેશનમાં આડકતરી મદદ કરી છે, જેના કારણે હવે આખું પશ્ચિમ એશિયા ગમે ત્યારે સળગી ઉઠે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
