<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

પોલ્‍ટ્રી ફાર્મમાં વિકરાળ આગઃ ૬૦૦૦ જીવતી મરઘી સળગી ગઈ

મધ્‍ય પ્રદેશમાં બની ભયાનક ઘટના

બૈતૂલ,તા.૧૫: મધ્‍ય પ્રદેશના કેટલાય જિલ્‍લામાં આગ લાગવાની ઘટનાથી હાહાકાર મચી ગયો છે. જ્‍યાં સીહોર, મંડલા, બૈતૂલ અને સિવનીમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. આ જિલ્‍લાઓમાં આગથી ભારે નુકસાન થયું છે. બૈતૂલ જિલ્‍લામાં ખેતરમાં બનેલા મકાનમાં આગ લાગી ગઈ હતી, જેમાં ૪ ઢોર જીવતા સળગી જતાં મોત થયા હતા. ફાયર બ્રિગેડ પહોંચે ત્‍યાં સુધીમાં, લાખોનું નુકસાન થઈ ગયું છે.

આ ઉપરાંત બૈતૂલ જિલ્‍લામાં અત્‍યાર સુધીની સૌથી ભયાનક આગની ઘટના સામે આવી છે. જ્‍યાં પ્રભાતપટ્ટન બ્‍લોકના ઈટાવા માર્ગ પર ખેતરમાં લાગેલી આગ પોલ્‍ટ્રી ફાર્મ સુધી પહોંચી ગઈ હતી. તેમાં ૬ હજારથી વધારે મરઘીના મોત થયા હતા. આ ઉપરાંત પોલ્‍ટ્રી ફાર્મ, ખેતીના સાધનો અને પાક મળીને લગભગ ૧૫ લાખથી વધારેના નુકસાનની આશંકા સેવાઈ રહી છે. આ ઉપરાંત રેવન્‍યુ વિભાગ પણ નુકસાનનું આકલન કરી રહ્યું છે. ખેડૂત પરિવાર નુકસાનના કારણે ઊંડા આઘાતમાં છે.

સિવનીની પલારી ચોકી અંતર્ગત આવતા ચંદનવાડા કલામાં અજાણ્‍યા કારણોથી લાગેલી ભીષણ આગથી ૧૮-૨૦ એકર ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. આ વિસ્‍તારમાં લાગેલી આગે અચાનક વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ગ્રામિણોમાં નારાજગી છે કેમ કે, ૩ કલાક બાદ પણ ફાયર બ્રિગેડ પહોંચી નહોતી. ગ્રામિણોએ જેમ તેમ કરીને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્‍યો હતો. આ આગની ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

અનૂપપુર જિલ્‍લાના પવિત્ર તીર્થ સ્‍થળ અમરકંટકમાંથી પણ એક મોટા સમાચાર આવ્‍યા છે, જ્‍યાં જંગલમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું, અને પોલીસ ચોકી અમરકંટક પરિસર સુધી પહોંચી ગઈ હતી. જેનાથી આગની ચપેટમાં કેટલાય વાહનો આવી જતાં બળીને ખાખ થઈ ગયા હતા. જેનાથી વિસ્‍તારમાં હડકંપ મચી ગયો છે. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્‍યો છે.

(10:07 AM IST)