News of Monday, 29th June 2026
નોઈડાની અરણ્ય સોસાયટીમાં ભીષણ અગ્નિકાંડ: ૨૧મા માળે એસી ફાટતા ત્રણ ફ્લેટ આગની ઝપેટમાં
હાઈરાઈઝ બિલ્ડિંગમાં સર્જાયો અફડાતફડીનો માહોલ, ફાયર બ્રિગેડની છ ગાડીઓ દ્વારા યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા

નોઈડા:રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) હેઠળ આવતા નોઈડાના સેક્ટર-૧૧૯માં આજે સોમવારે સવારના સમયે અચાનક સર્જાયેલી એક ભયાનક દુર્ઘટનાને પગલે રહીશોમાં ભારે ગભરાટ અને અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. અહીંની જાણીતી 'અરણ્ય સોસાયટી'ના એક બહુમાળી ટાવરમાં ૨૧મા માળે આવેલા ફ્લેટના એર કન્ડિશનર (AC) માં જોરદાર વિસ્ફોટ થતા આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે તેણે જોતજોતામાં બાજુના અન્ય બે ફ્લેટને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ વિભાગને એલર્ટ કરવામાં આવ્યું હતું. ચીફ ફાયર ઓફિસર (CFO) પ્રદીપ કુમાર ચૌબેના નેતૃત્વમાં ફાયર સર્વિસની છ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બિલ્ડિંગની ઊંચાઈ વધુ હોવાથી આગ બુઝાવવામાં શરૂઆતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ફાયર જવાનોની સજ્જતાને કારણે ગણતરીના કલાકોમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ફ્લેટમાં રહેલું લાખોનું ઘરગથ્થુ સામાન આગમાં બળીને ખાક થઈ ગયું છે.
પ્રાથમિક તપાસ મુજબ, આ આગનું મુખ્ય કારણ એસીમાં થયેલો વિસ્ફોટ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. મહત્વનું છે કે, ગરમીની સિઝનમાં નોઈડામાં એસી વિસ્ફોટની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ફાયર વિભાગના આંકડા મુજબ, આ ગરમીની સિઝનમાં અત્યાર સુધીમાં શહેરમાં એસીમાં શોર્ટ-સર્કિટ કે વિસ્ફોટની ૧૫૦થી વધુ ઘટનાઓ બની ચૂકી છે. આ બનાવને પગલે સોસાયટીઓમાં રહેતા લોકોની સુરક્ષા અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોના મેઈન્ટેનન્સ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. તંત્ર દ્વારા નાગરિકોને તેમના ઈલેક્ટ્રિક ઉપકરણોની નિયમિત તપાસ કરાવવા અને સાવચેતી રાખવા માટે ફરી એકવાર કડક સૂચના આપવામાં આવી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
