<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં પિલખુવામાં ભીષણ અગ્નિકાંડ :એક કાપડની ફેક્ટરી અને 70થી વધુ ઝૂંપડાઓ બળીને ખાખ

પિલખુવાના રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારમાં લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું

હાપુડ જિલ્લામાં એક દુખદ ઘટના ઘટી છે. જિલ્લાના પિલખુવા વિસ્તારમાં સોમવારે વહેલી સવારે એક ભીષણ આગ ફાટી નીકળી હતી. પિલખુવાના રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારમાં લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ દુર્ઘટનામાં એક કાપડ ફેક્ટરી અને તેની આસપાસ આવેલી અંદાજે 70 જેટલી ઝૂંપડીઓ બળીને રાખ થઈ ગઈ છે. આગના કારણે લાખો રૂપિયાની મિલકતને નુકસાન થયું હોવાનો અંદાજ છે

પિલખુવામાં સોમવારે સવારે અંદાજે 9 વાગ્યાની આસપાસ આ આગ ફાટી નીકળી હતી. કાપડ ફેક્ટરીમાં લાગેલી આગ ખૂબ જ ઝડપથી બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ફેલાઈ ગઈ હતી. કાપડ અને અન્ય જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અંદાજે 70 જેટલી ઝૂંપડીઓ [Slums] અને નજીકના ગોડાઉન આ આગની લપેટમાં આવી ગયા હતા. આકાશમાં ધુમાડાના કાળા વાદળો છવાઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.

આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ભીષણ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ  થઈ હોવાના સમાચાર નથી. જોકે, ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારોનો તમામ ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ જતાં તેઓ પાયમાલ થઈ ગયા છે. ફેક્ટરીમાં રાખેલો કાચો માલ અને તૈયાર કાપડ પણ સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, વહીવટી તંત્ર દ્વારા આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહીને નુકસાનનો અંદાજ મેળવી રહ્યા છે. ૨૭ એપ્રિલ ૨૦26 ના રોજ બનેલી આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક વિસ્તારોમાં ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. આ દુર્ઘટનાથી સમગ્ર હાપુડ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

(2:21 PM IST)