હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બ્રસેલ્સના નિર્માણાધીન ‘ઓક્સી ટાવર’માં ભીષણ આગ: લિફ્ટમાંથી કેટલાક મૃતદેહો મળી આવ્યા, ૬ લોકો હજુ પણ લાપતા
બેલ્જિયમની રાજધાનીના હૃદય સમાન ગણાતા ‘પ્લેસ ડી બ્રોઉકરે’ વિસ્તારમાં આવેલી બહુમાળી ઇમારત ખાતે બનેલી આ દુર્ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ અને વહીવટી તંત્રમાં દોડધામ; લગભગ ૨૦૦ કામદારોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું

બ્રસેલ્સ: બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં આજે મંગળવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. શહેરના મધ્ય ભાગમાં આવેલા ‘પ્લેસ ડી બ્રોઉકરે’ વિસ્તારમાં નિર્માણાધીન ‘ઓક્સી ટાવર’ (OXY Tower) માં લાગેલી ભીષણ આગને કારણે ભારે અફરાતફરી મચી ગઈ છે. લેબર ડિવિઝન ઓફ પબ્લિક પ્રોસિક્યુટર ઓફિસ દ્વારા પ્રાપ્ત અહેવાલો મુજબ, ઇમારતની લિફ્ટમાંથી કેટલાક મૃતદેહો મળી આવ્યા છે, જે આ ઘટનાની ગંભીરતા દર્શાવે છે.
મળતી માહિતી અનુસાર, મંગળવારે સવારના સુમારે ઇમારતના બીજા માળે આગ લાગી હતી. જોકે, આગની જ્વાળાઓ લિફ્ટના શાફ્ટ સુધી પહોંચી જતાં સ્થિતિ વણસી ગઈ હતી અને લિફ્ટની અંદર આગ ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ લિફ્ટની અંદરની આગ પર કાબૂ મેળવ્યો છે, પરંતુ ત્યાંથી મૃતદેહો મળતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોની ચોક્કસ સંખ્યા હજુ જાહેર કરવામાં આવી નથી.
વહીવટી તંત્ર અને ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, હજુ પણ ૬ લોકો લાપતા છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ તમામ લોકો બીજી કોઈ લિફ્ટમાં ફસાયેલા હોઈ શકે છે, જ્યાં ફાયર બ્રિગેડની ટીમ અત્યાર સુધી પહોંચી શકી નથી. સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
આ દુર્ઘટના સમયે ઇમારત પર આશરે ૨૦૦ જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. આગની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે તમામનું સ્થળાંતર કરી તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. રેડ ક્રોસ દ્વારા અસરગ્રસ્ત કામદારો માટે મનોવૈજ્ઞાનિક સહાય અને મેડિકલ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, આ ઘટનામાં બે લોકોને દાઝી જવાથી ઇજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે મિલિટરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે એક ફાયર ફાઇટરને પણ હીટસ્ટ્રોકની અસર થતાં સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું છે કે આગ લાગવાનું કારણ હાલમાં અકબંધ છે અને તપાસ બાદ જ સ્પષ્ટતા થશે. ‘ઓક્સી ટાવર’ જે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, જેમાં ફ્લેટ્સ, રેસ્ટોરન્ટ્સ અને રૂફટોપ બારનું નિર્માણ થઈ રહ્યું હતું, તે હવે તપાસનું કેન્દ્ર બન્યું છે. હાલ આખા વિસ્તારમાં તંત્ર દ્વારા કટોકટીના પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
