<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

યુક્રેન પર રશિયાનો પ્રચંડ મિસાઇલ હુમલો: આકાશમાંથી વરસી આગ : બસ પર હુમલા સહિત ૩૦ ના મોત!

પ્રિલુકીમાં ૫ બાળકો સહિત ૨૨ ના મોત બાદ ક્રેમાટોર્સ્ક અને સ્લોવિઆન્સ્કમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ઠપ્પ : કિવમાં ઇમરજન્સી પાવર કટ વચ્ચે ઝેલેન્સકીએ નાટો પાસે માગી તાત્કાલિક લશ્કરી મદદ

કિવ:  શિયાળાની શરૂઆત પહેલાં જ રશિયાએ યુક્રેન પર મિસાઇલો અને ડ્રોન વડે ભયાનક હુમલા શરૂ કરી દીધા છે. પૂર્વી યુક્રેનમાં જાહેર બસ સહિત અનેક નાગરિક વિસ્તારોને નિશાન બનાવીને કરવામાં આવેલા તાજેતરના હુમલાઓમાં ૩૦ લોકોના મોત થયા છે અને ૧૮ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાદ ક્રેમાટોર્સ્ક અને સ્લોવિઆન્સ્કમાં નાગરિકો તથા બસ ડ્રાઇવરોના જીવના જોખમને ધ્યાનમાં રાખીને જાહેર પરિવહન સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. ડોનેટ્સકના સ્થાનિક તંત્રએ રશિયા પર ઇરાદાપૂર્વક નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાનો આક્ષેપ કર્યો છે.

આ ભયાનક હુમલાના એક દિવસ અગાઉ, ઉત્તરી યુક્રેનના પ્રિલુકી શહેરમાં એક રહેણાંક ઇમારત પર થયેલા મિસાઇલ હુમલામાં ૫ બાળકો સહિત ૨૨ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૫૪ થી વધુ લોકો ઘાયલ થયા હતા. રાહત અને બચાવ ટીમો સ્નિફર ડોગ્સની મદદથી હજુ પણ કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધી રહી છે. બીજી તરફ, રશિયાના સતત હુમલાઓને કારણે રાજધાની કિવમાં વીજળીનું સંકટ ઘેરું બન્યું છે, જેના લીધે ઊર્જા કંપની DTEK દ્વારા કટોકટીના ધોરણે પાવર કટ લાગુ કરવામાં આવ્યો છે. વહીવટીતંત્રે નાગરિકોને શિયાળા દરમિયાન લાંબા પાવર આઉટેજ માટે તૈયાર રહેવા અને ઇમરજન્સી કિટ્સ સાથે રાખવાની સલાહ આપી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ચેતવણી આપી છે કે શિયાળામાં રશિયન હુમલાઓ વધુ ઘાતક બનશે. તેમણે નાટો દેશો સમક્ષ માત્ર મૌખિક સમર્થન આપવાને બદલે એર ડિફેન્સ સિસ્ટમ, ફાઇટર જેટ અને બેલિસ્ટિક મિસાઇલ વિરોધી હથિયારોનું નવું ડિફેન્સ પેકેજ આપવા અપીલ કરી છે. સામે પક્ષે, યુક્રેને પણ પલટવાર કરતા રશિયાના રિયાઝાન સ્થિત યાન્ડેક્સ ડેટા સેન્ટર અને સલાવત સ્થિત મુખ્ય તેલ રિફાઇનરી પર ડ્રોન હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે, જેનાથી બંને દેશો વચ્ચેનો યુદ્ધ સંઘર્ષ હવે અત્યંત વિસ્ફોટક મોડ પર પહોંચી ગયો છે.

(6:23 PM IST)