<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

PoJK માં પાકિસ્તાન સામે પ્રચંડ જનઆક્રોશ : રાવલાકોટ સહિતના વિસ્તારોમાં ૭૦ હજારથી વધુ દેખાવકારો રસ્તા પર ઉતર્યા : સેનાને પીછેહઠ કરવા પ્રદર્શનકારીઓનું અલ્ટીમેટમ

​સ્થાનિક જનતા અને પાક. સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણ તેજ થતાં સ્થિતિ વણસી : મોંઘવારી, અન્યાય અને દમન વિરુદ્ધ ભભૂકેલો વિરોધ પ્રદર્શનનો જ્વાળામુખી હવે આરપારની લડાઈમાં ફેરવાયો

​મુઝફ્ફરાબાદ : ​પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર (PoJK)માં ઈસ્લામાબાદની દમનકારી નીતિઓ અને સેનાના અત્યાચાર વિરુદ્ધ ચાલી રહેલું આંદોલન હવે અત્યંત હિંસક અને ઉગ્ર તબક્કામાં પ્રવેશ્યું છે. પીઓજેકેના રાવલાકોટ સહિતના જુદા જુદા પ્રદેશોમાં પાકિસ્તાની હુકુમત સામે ખુલ્લો બળવો ફાટી નીકળ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ આક્રોશે હવે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે કે ૭૦,૦૦ ઝી વધુ સ્થાનિક નાગરિકો પાક. વિરોધી નારાઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાની સેના અને વહીવટીતંત્રને ખુલ્લી અને કડક ચેતવણી આપતા ત્વરિત પીછેહઠ કરવા જણાવ્યું છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે.

​સ્થાનિક સંગઠનો અને સંયુક્ત અવામી એક્શન કમિટીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલો આ વિરોધ પ્રદર્શન હવે એક ભયાનક જનઆંદોલન બની ચૂક્યો છે. રાવલાકોટમાં એકત્રિત થયેલી હજારોની મેદનીએ પાકિસ્તાન સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન આ વિસ્તારના કુદરતી સંસાધનોની બેફામ લૂંટ ચલાવી રહ્યું છે, જ્યારે સ્થાનિક જનતાને પાયાની સુવિધાઓ માટે પણ વલખાં મારવા પડે છે. લોટ, વીજળી અને બળતણના આસમાને પહોંચેલા ભાવો તેમજ આર્થિક શોષણના કારણે લોકોમાં ભારે અસંતોષ છે.

​પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પાકિસ્તાની સુરક્ષાદળો અને રેન્જર્સે બળપ્રયોગ કરતા પ્રદર્શનકારીઓ વધુ ઉશ્કેરાયા હતા. અહેવાલો અનુસાર, વિરોધ પ્રદર્શનને દબાવવા માટે સેના દ્વારા અશ્રુવાયુના સેલ છોડવામાં આવ્યા હતા અને લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં સ્થાનિક નાગરિકોએ પણ પથ્થરમારો કરીને ઉગ્ર પ્રતિકાર કર્યો હતો. આ હિંસક ઘર્ષણમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. આંદોલનકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં પાક. આર્મીને ચેતવણી આપી છે કે જો તેમના પર દમન ગુજારવાનું બંધ કરવામાં નહીં આવે અને તેમની ન્યાયી માંગણીઓ તાત્કાલિક સંતોષવામાં નહીં આવે, તો આ આંદોલન સમગ્ર પાકિસ્તાનને બાનમાં લેશે. હાલમાં સ્થિતિ વણસતી જોઈને પાકિસ્તાન સરકારે વધારાની સૈન્ય ટુકડીઓ તૈનાત કરી છે, પરંતુ જનમેદનીનો રોષ જોતા વહીવટીતંત્ર લાચાર નજરે પડી રહ્યું છે.

(6:31 PM IST)