<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ મેક્રોન સરકાર વિરુદ્ધ ભીષણ જનઆક્રોશ: વધતી મોંઘવારી અને શિક્ષણ બજેટ કાપ સામે ૪ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા, પેરિસમાં હિંસક અથડામણ

પ્રદર્શનકારીઓને વિખેરવા પોલીસે ટીયર ગેસ અને વોટર કેનનનો કર્યો ઉપયોગ: ફ્રાન્સભરમાંથી ૬૪ થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ બાદ તંગદિલી વધી

પેરિસ : યુરોપિયન દેશ ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સરકારની નીતિઓ વિરુદ્ધ જનતાનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. દેશમાં ઝડપથી વધી રહેલી અસહ્ય મોંઘવારી અને શિક્ષણ ક્ષેત્રના બજેટમાં કરવામાં આવેલા કાપના વિરોધમાં શનિવારે સમગ્ર ફ્રાન્સમાં રાષ્ટ્રવ્યાપી ભવ્ય વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. રાજધાની પેરિસ સહિત દેશના વિવિધ નાના-મોટા શહેરોમાં ૪,૦૦૦,૦૦ (ચાર લાખ) થી પણ વધુ આક્રોશિત નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. કૂચના સમાપન સમયે રાજધાની પેરિસમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ સર્જાતા વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું.

 

ફ્રેન્ચ ગૃહ મંત્રાલયના સત્તાવાર આંકડા અનુસાર, દેશભરમાં આશરે ૪,૧૦,૦૦૦ લોકોએ આ વિરોધ માર્ચમાં ભાગ લીધો હતો, જ્યારે દેશના અગ્રણી ટ્રેડ યુનિયન CGT ના જણાવ્યા મુજબ પ્રદર્શનકારીઓની વાસ્તવિક સંખ્યા ૮ લાખ જેટલી હતી. સૌથી ભવ્ય અને મોટું પ્રદર્શન પાટનગર પેરિસના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં યોજાયું હતું, જ્યાં ૧,૧૦,૦૦૦ થી વધુ લોકોએ માર્ચમાં ભાગ લીધો હતો. પ્રારંભમાં આ કૂચ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહી હતી, પરંતુ બાદમાં પ્રદર્શનકારીઓ ઉશ્કેરાતા હિંસા ભડકી ઉઠી હતી. સ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે ભીડને વિખેરવા માટે સતત ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને વોટર કેનન (પાણીના તોપ) નો ઉપયોગ કરવો પડ્યો હતો.

 

પેરિસના પ્રોસિક્યુટર કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, હિંસા અને પથરાવના આરોપસર પેરિસમાંથી ૬૪ જેટલા ઉગ્રવાદી પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી ૪૦ લોકોને સઘન કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલાઓમાં છ સગીરોનો પણ સમાવેશ થાય છે. માત્ર પેરિસ જ નહીં, પરંતુ ફ્રાન્સના અન્ય અગ્રણી શહેરો જેવા કે લિયોન, સ્ટ્રાસબર્ગ, નાઇસ અને નેન્ટેસમાં પણ સ્થિતિ વણસી હતી, જ્યાં વિરોધીઓને નિયંત્રિત કરવા માટે પોલીસે ટીયર ગેસ અને વોટર કેનનનો વ્યાપક પ્રયોગ કરવો પડ્યો હતો.

 

ઉલ્લેખનીય છે કે, વિતેલા અઠવાડિયાથી ફ્રાન્સના અલગ-અલગ ભાગોમાં હિંસા, તોડફોડ, આગચંપી અને લૂંટફાટના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મેક્રોન સરકારની આર્થિક નીતિઓ સામે વિપક્ષો અને પ્રજાનો રોષ સતત વધી રહ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિને થાળે પાડવા માટે વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે, છતાં પણ દેશભરમાં તણાવપૂર્ણ શાંતિ અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

(11:47 PM IST)