તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
પંજાબના રાજકારણમાં ભીષણ બગાવત: રાઘવ ચઢ્ઢાએ પોતાની જ પાર્ટી સામે ખોલ્યો મોરચો! ‘રંગલા પંજાબને કાંગલા (નાદાર) બનાવ્યું’, EDના દરોડામાં બાલ્કનીમાંથી ફેંકાયેલા લાખોના મામલે કેજરીવાલ સરકાર પર કર્યા પ્રહાર!
“જેણે ૨૧ રૂપિયા પણ પ્રામાણિકતાથી કમાયા હોય તે ૨૧ લાખ રસ્તા પર ન ફેંકે”; વિદેશી કંપનીઓ દ્વારા કરોડોના રાઉન્ડ-ટ્રિપિંગ અને ભ્રષ્ટાચારના આરોપસર ચઢ્ઢાએ AAP ને પંજાબ સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો

ચંદીગઢ, તા.૦૯: પંજાબના રાજકારણમાં અત્યારે એક મોટું તોફાન આવ્યું છે. આમ આદમી પાર્ટીના જ દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ હવે પોતાની જ પાર્ટીની સરકાર અને કેજરીવાલના નેતૃત્વ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પંજાબના મંત્રી સંજીવ અરોરાની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ થયા બાદ, ચઢ્ઢાએ જે નિવેદનો આપ્યા છે તેણે સમગ્ર દેશના રાજકીય વર્તુળોમાં સનસનાટી મચાવી દીધી છે.
‘રંગલા પંજાબ’થી ‘કાંગલા પંજાબ’ની સફર!
રાઘવ ચઢ્ઢાએ અત્યંત આકરા શબ્દોમાં પ્રહાર કરતા કહ્યું કે, AAP એ પંજાબની જનતાને એક સમૃદ્ધ અને ‘રંગલા પંજાબ’ બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ સત્તામાં આવ્યા બાદ રાજ્યને આર્થિક વિનાશ અને દેવા તરફ ધકેલી દીધું છે. તેમણે આરોપ લગાવ્યો કે પાર્ટીએ પંજાબને શાસન કરવાને બદલે લૂંટવાનું કામ કર્યું છે, જેના કારણે આજે રાજ્ય ‘કાંગલા’ (નાદાર) બનવાના આરે છે. પંજાબ આજે ૫ લાખ કરોડના દેવા નીચે દબાયેલું છે.
૯મા માળેથી ૨૧ લાખ રોકડા ફેંકવાની ‘ફિલ્મી’ ઘટના
EDના દરોડા દરમિયાન બનેલી એક ચોંકાવનારી ઘટના પર ટિપ્પણી કરતા ચઢ્ઢાએ કહ્યું કે, તપાસ દરમિયાન બાલ્કનીમાંથી ૨૧ લાખ રૂપિયા રોકડા નીચે ફેંકી દેવામાં આવ્યા હતા. તેમણે પ્રશ્ન કર્યો કે, "કોઈ પણ પ્રામાણિક વ્યક્તિ પોતાની મહેનતની કમાણી આ રીતે ફેંકી ન દે. ૨૧ લાખ તો છોડો, પ્રામાણિક માણસ ૨૧ રૂપિયા પણ ન ફેંકે!" આ ઘટના સ્પષ્ટ કરે છે કે આ નાણાં ભ્રષ્ટાચાર અને જાહેર ભંડોળના દુરુપયોગથી ભેગા કરવામાં આવ્યા હતા.
વિદેશમાં કરોડોના ફંડ ટ્રાન્સફરનું નેટવર્ક
તપાસ એજન્સીઓના દસ્તાવેજોને ટાંકીને રાઘવ ચઢ્ઢાએ મોટો ધડાકો કર્યો કે, પંજાબનું નાણું યુએઈ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં શેલ કંપનીઓ બનાવીને ‘રાઉન્ડ-ટ્રિપિંગ’ દ્વારા સગેવગે કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે પણ અમે પાર્ટીની અંદર આ ભ્રષ્ટાચાર અને ખોટા લોકોના વર્ચસ્વ સામે અવાજ ઉઠાવ્યો, ત્યારે અમને ચૂપ કરી દેવામાં આવ્યા. આ જ કારણ છે કે હવે અનેક સાંસદો અને નેતાઓ પાર્ટીથી દૂરી બનાવી રહ્યા છે.
૨૦૨૭માં જનતા લેશે હિસાબ
અંતમાં રાઘવ ચઢ્ઢાએ ચેતવણી આપી કે પંજાબની જનતા આ વિશ્વાસઘાત ભૂલશે નહીં. તપાસ એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે, પરંતુ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં પંજાબના લોકો આ ભ્રષ્ટાચાર અને લૂંટનો સચોટ જવાબ આપશે. આ બગાવત બાદ હવે આમ આદમી પાર્ટી પંજાબમાં કેવી રીતે પોતાનો બચાવ કરે છે તેના પર સૌની નજર છે.
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
