તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
મુંબઈમાં ગેરકાયદે બેનર અને પોસ્ટરોનો ભારે 'રાફડો': બોમ્બે હાઈકોર્ટના કડક આદેશોની ખુલ્લેઆમ 'અવગણના' પર તંત્ર સામે ઉઠ્યા ગંભીર સવાલો
બોરીવલીથી લઈને મુલુંડ સુધી રાજકીય નેતાઓ અને બિલ્ડરોના હોર્ડિંગ્સથી વિઝ્યુઅલ પોલ્યુશન વધ્યું; બીએમસીએ ૬ દિવસમાં ૨,૨૯૧ બેનર-પોસ્ટર હટાવ્યા છતાં સ્થિતિ જસની તસ

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટ દ્વારા વારંવાર આપવામાં આવેલા સખત નિર્દેશો અને કડક આદેશો છતાં દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગેરકાયદે બેનરો, બોર્ડ અને પોસ્ટરોની સમસ્યા અત્યંત ગંભીર બની ગઈ છે. ખાસ કરીને બોરીવલીથી લઈને મુલુંડ સુધીના વિસ્તારોમાં રાજકીય નેતાઓ, સ્થાનિક કાર્યકરો અને રિયલ એસ્ટેટ બિલ્ડરોના મોટા-મોટા ગેરકાયદે બેનર-પોસ્ટરો ચારેય તરફ જોવા મળી રહ્યા છે. જાહેર સ્થળોએ અનધિકૃત રીતે લગાવવામાં આવતી આ જાહેરાતોને દૂર કરવા અંગે અદાલતે સ્પષ્ટ સૂચનાઓ આપી હોવા છતાં તેનો અમલ માત્ર કાગળ પર જ સીમિત રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
શહેરના વિવિધ માર્ગો, ફ્લાયઓવર અને જાહેર સ્થળો પર પરવાનગી વિના ખડકી દેવાયેલા આ હોર્ડિંગ્સના કારણે મુંબઈની સુંદરતા પર સીધો પ્રહાર થઈ રહ્યો છે અને શહેરમાં 'દૃશ્ય પ્રદૂષણ' (Visual Pollution) માં ચિંતાજનક વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, બોમ્બે હાઈકોર્ટે આ મુદ્દે અગાઉ પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ડિસેમ્બર ૨૦૨૪માં કોર્ટે રાજકીય પક્ષો અને વિવિધ સંસ્થાઓ દ્વારા જાહેર મિલકતો પર લગાવવામાં આવતા અનધિકૃત હોર્ડિંગ્સ અંગે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) અને સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા અને ખાસ ઝુંબેશ ચલાવવા આદેશ આપ્યો હતો.
અદાલતની ફટકાર બાદ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ૮ થી ૧૩ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ગેરકાયદે જાહેરાતો સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ૬ દિવસીય કારવાઈ દરમિયાન પાલિકાએ કુલ ૨,૨૯૧ ગેરકાયદે વસ્તુઓ દૂર કરી હતી, જેમાં ૧,૪૪૨ બેનર, ૬૭૩ બોર્ડ, ૧૩૩ પોસ્ટર, દીવાલો પરની ૮ જાહેરાતો અને ૩૫ ઝંડાનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી અંતર્ગત મહાનગરપાલિકાએ ૪ એફઆઈઆર (FIR) નોંધી હતી અને આગળની કાયદાકીય કાર્યવાહી માટે પોલીસ વિભાગને ૧૩ પત્રો મોકલ્યા હતા.
આટલી મોટી સંખ્યામાં કરાયેલી કાર્યવાહી છતાં શહેરમાં પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી અને પાલિકાની ઝુંબેશ પૂરી થતાં જ ફરીથી નવા હોર્ડિંગ્સ ખડકાઈ ગયા છે. હાઈકોર્ટના સુસ્પષ્ટ આદેશો હોવા છતાં બેફામ બનેલા બેનર-માફિયાઓ સામે પાલિકા અને પોલીસ પ્રશાસન ક્યારે કાયમી અને કડક પગલાં ભરે છે તે જોવું હવે મહત્વનું બની રહેશે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
