તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
માઠી દશા: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના એફ-૧ વિઝામાં ૬૨%નો જંગી કાપ: ટ્રમ્પ પ્રશાસને મોટો આંચકો આપ્યો, સી.આઈ.એસ.ના રિપોર્ટમાં મોટો ધડાકો

વોશિંગ્ટન: અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સ્વપ્ન સેવી રહેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે અત્યંત માઠા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા ઈમિગ્રેશન નીતિઓ અત્યંત કડક બનાવવામાં આવ્યા બાદ ભારતીય અને ચીની વિદ્યાર્થીઓને જારી કરવામાં આવતા એફ-૧ સ્ટુડન્ટ વિઝામાં ભારે કાપ મુકવામાં આવ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા 'સેન્ટર ફોર ઇમિગ્રેશન સ્ટડીઝ' (સી.આઈ.એસ.) ના રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.
વિઝા મંજૂરીમાં ૬૨ ટકા સુધીનો તીવ્ર ઘટાડો: સી.આઈ.એસ.ના અધિકૃત આંકડા અનુસાર, વર્ષ ૨૦૨૪ ના મે થી ઓગસ્ટ મહિના વચ્ચે કૂલ ૫૮,૬૯૪ ભારતીય વિદ્યાર્થીઓને એફ-૧ વિઝા આપવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ ૨૦૨૫ ના આ જ ચાર મહિનાના સમયગાળા દરમિયાન આ સંખ્યા ઘટીને માત્ર ૨૨,૧૪૯ થઈ ગઈ છે. આમ, ભારતીય વિદ્યાર્થીઓના વિઝા મંજૂરીના દરમાં સીધો ૬૨ ટકાનો મોટો અને અભૂતપૂર્વ ઘટાડો નોંધાયો છે.
સઘન ચકાસણી અને રિજેક્શનના દરમાં વધારો: અમેરિકન પ્રશાસન દ્વારા વિઝા પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓની પૃષ્ઠભૂમિ, નાણાકીય દસ્તાવેજો અને ઈન્ટરવ્યુ દરમિયાન આકરી સ્ક્રુટિની કરવામાં આવી રહી છે. આ સિવાય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઝીણવટભરી તપાસ અને એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસિંગના નામે વિઝા પેન્ડિંગ રાખવા અથવા સીધા જ નામંજૂર કરવાના કિસ્સાઓમાં ભારે ઉછાળો આવ્યો છે. મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ અને કોલકાતા સ્થિત અમેરિકી કોન્સ્યુલેટ ખાતેથી વિઝા મેળવવામાં વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
અમેરિકી યુનિવર્સિટીઓ અને અર્થતંત્ર પર પણ અસર: આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્રે ભારત અને ચીન એવા બે દેશો છે જ્યાંથી સૌથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા જાય છે. વિઝામાં કરાયેલા આ જંગી કાપના કારણે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ અમેરિકાની અગ્રણી યુનિવર્સિટીઓ પણ ચિંતામાં મુકાઈ છે, કારણ કે વિદેશી વિદ્યાર્થીઓ તરફથી મળતી ફી અમેરિકન શૈક્ષણિક સંસ્થાઓની આવકનો મોટો સ્ત્રોત છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનું મોજું: લાખો રૂપિયાની એજ્યુકેશન લોન લઈને અથવા પોતાની જમીન-મિલકતો ગીરો મૂકીને અમેરિકાની ડિગ્રી મેળવવાનું આયોજન કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સ્થિતિ કફોડી બની છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મળતી ઓ.પી.ટી. (ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ) અને ત્યારબાદ એચ-૧બી વિઝા મેળવવાની ક્ષમતા અંગે વધી રહેલી અનિશ્ચિતતાને કારણે હવે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ યુનાઇટેડ કિંગડમ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપના અન્ય દેશો તરફ પ્રયાણ કરવા માટેના વિકલ્પો વિચારી રહ્યા છે.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
