<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

ભગવાન શબ્‍દોથી વધારે, સાચા હૃદયની પ્રાર્થના સ્‍વીકારે છે : પૂ. નમ્રમુનિ મ.સા.

રાષ્‍ટ્રસંત પૂ. પરમ ગુરૂદેવનું પાવન સાંનિધ્‍ય : ‘જૈન ડેફ સોસાયટી મુંબઈ'નો શુભારંભ

મુંબઈ : ઘાટકોપરના આરાધ્‍યા સાધના હોલ, ખાતે શુક્રવાર, તા.૨ ના રોજ ચાતુર્માસના અનેકવિધ આયોજનોની વચ્‍ચે એક અનોખો કાર્યક્રમ યોજાયો. રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની કરૂણા ભાવનાથી સાંભળી ન શકનાર કર્ણબધિર ભાવિકો માટે વિશેષ માર્ગદર્શનની શિબિર યોજાઈ.

જેમાં પરમ ગુરુદેવના પાવન સાંનિધ્‍યમાં ‘જૈન ડેફ સોસાયટી મુંબઈ (JDSM)'નો ઐતિહાસિક શુભારંભ કરવામાં આવ્‍યો હતો. આ પહેલ દ્વારા કર્ણબધિર સમાજને ધર્મજ્ઞાન, આધ્‍યાત્‍મિક સાધના અને સશક્‍તિકરણ સાથે જોડવાનો સંકલ્‍પ કરવામાં આવ્‍યો હતો.

આ અવસરે પરમ ગુરુદેવે ભાવિકોને સંબોધતાં કહ્યું, દુઃખની ઉંમર ઘટાડો અને સુખની ઉંમર વધારો તેમણે રોજ ઓછામાં ઓછા ૧૦૦ લોકોના ચહેરા પર સ્‍મિત લાવવાનું લક્ષ્ય રાખવા સાથે સ્‍માઇલ ડોનેશનની  પ્રેરણા આપી. પોતાની પરિસ્‍થિતિ માટે બીજાને દોષ આપવાને બદલે આત્‍મચિંતન અને કર્મસિદ્ધાંતને સમજવાનો પણ બોધ આપ્‍યો.

સુખ અને દુઃખ પ્રત્‍યેની દૃષ્ટિ સમજાવતાં પરમ ગુરુદેવે કહ્યું કે જે જોઈએ છે તે પહેલાં બીજાને આપો, કારણ કે આપવાની ભાવના જીવનને સમળદ્ધ બનાવે છે. સુપાત્ર દાન, સંતસેવા અને મનની શુદ્ધિ માટે મંત્રજપ અને ધ્‍યાનને જીવનનો ભાગ બનાવવાની પ્રેરણા આપી.

આ અવસરે પરમ ગુરુદેવે હવે દર રવિવારે બપોરે ૩થી ૪ વાગ્‍યા સુધી ઓનલાઈન વર્ગો યોજવાની પણ જાહેરાત કરી હતી. જૈન ડેફ સોસાયટી મુંબઈના શુભારંભ સાથે કર્ણબધિર જૈન ભાવિકોને સંસ્‍કાર અને આધ્‍યાત્‍મિક વિકાસ સાથે જોડવાની નવી પહેલનો ઐતિહાસિક પ્રારંભ થયો છે.

(2:53 PM IST)